આપ્પિયા, ઍડૉલ્ફ (જ. 1 સપ્ટેમ્બર 1862, જિનીવા : અ. 29 ફેબ્રુઆરી 1928, ન્યલોન (સ્વિટ્ઝર્લૅન્ડ) : સર્જનાત્મક રંગસજાવટનો પ્રવર્તક નાટ્યકલાવિદ. લાઇપ્ઝિગ, ડ્રેસ્ડન અને વિયેનામાં સંગીતનો અભ્યાસ કર્યો. વાગ્નેરનાં સંગીત-નાટકોથી તે ખૂબ પ્રભાવિત થયેલો. છેક 1775થી તખ્તા પરની પગદીવા(foot-lights)ની પ્રકાશયોજનાનો વિરોધ યુરોપમાં વિવિધ સ્થળે થતો રહેલો. રંગભૂમિનો પ્રકાશ તો છાયા અને પ્રકાશના સમન્વય રૂપે હોવો જોઈએ એવો એક મત હતો. સ્ટ્રીનબર્ગે કહ્યું કે પગદીવાના પ્રકાશમાં નટનું મોં સપાટ અને જાડું દેખાય છે. એમિલ ઝોલાએ પડદા, વિંગ અને પગદીવાના ચીલાચાલુ આયોજનનો વિરોધ કરેલો. ઍડૉલ્ફ આપ્પિયાએ લેખો લખીને અને રેખાંકનો કરીને રંગમંચની દૃશ્યસજાવટમાં ક્રાન્તિકારી પરિવર્તન આણ્યું. પહેલાં રિચાર્ડ વાગ્નેરનાં ઑપેરા અને પછી શેક્સપિયર, ગ્યૂઇથે, ઇબ્સન વગેરેનાં નાટકોનો સંનિવેશ દર્શાવવા માટે તેણે રેખાંકનો કર્યાં.
તે પછી 1895માં, તેણે ‘સ્ટેજિંગ ઑવ્ વાગ્નેરિયન ડ્રામા’ અને ‘મ્યૂઝિક ઍન્ડ સ્ટેજ પ્રોડક્શન’ પુસ્તકો દ્વારા રંગમંચીય સજાવટ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા. દૃશ્યસજાવટ જેટલી જ પ્રકાશયોજના નાટ્યનિર્માણમાં મહત્વની છે અને એ બંને નટના કાર્યને સહાયરૂપ બનીને પ્રભાવક અસર પાડે તે જરૂરનું છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું. પરંપરાથી ચાલ્યા આવતા ચિત્રિત ચપ્પટ પડદા અને ચપ્પટ પ્રકાશવ્યવસ્થામાં તખ્તા પર ત્રિપરિમાણવાળો નટ ઊપસી આવતો નહોતો. આપ્પિયાએ પુસ્તકો અને રેખાંકનો દ્વારા રંગમંચના ચિત્રને પ્રસંગાનુરૂપતા (plasticity) અથવા ત્રિપરિમાણથી આવરી લઈ એને એકરૂપતા આપવાનો સમર્થ પ્રયત્ન કર્યો. અલીક પરિપ્રેક્ષ્ય (false perspective) અને ચિત્રિત ચપ્પટ પડદાને બદલે તખ્તા પર તેણે ત્રિપરિમાણી વસ્તુઓનો ઉપયોગ દર્શાવ્યો. આવાં ત્રિપરિમાણી સાધન તરીકે પગથિયાં, ખડક, તખ્તો વગેરેનો ઉપયોગ કરવાનું તેણે સૂચવ્યું. નટ પોતે ત્રિપરિમાણી હોવાથી તે ત્રિપરિમાણી દૃશ્યમાં રમતો થવો જોઈએ એમ કહીને તેણે નટ અને રંગમંચની સજાવટ એકરૂપ થઈ જતાં દેખાવાં જોઈએ અને પ્રકાશ-આયોજન પણ તેમાં સર્જનાત્મક ભાગ ભજવે તો જ ધારી કલાત્મક અસર ઊપજે એમ સમજાવ્યું. સર્જનાત્મક પ્રકાશ-આયોજન તેજછાયાનાં ક્યાંક તેજ તો ક્યાંક હળવાં પ્રસરણથી તેમજ વિભિન્ન રંગમિલાવટથી સમસ્ત રંગમંચને પ્લાવિત કરીને એક જીવંત વાતાવરણ ઊભું કરે છે. આ પ્રકારની પ્રકાશયોજનાને આપ્પિયા ‘જીવંત પ્રકાશ’ કહે છે. આપ્પિયાનો આ સિદ્ધાંત નાટ્યપ્રયોગમાં અપનાવાય છે. ‘મ્યૂઝિક ઍન્ડ ધી આર્ટ ઑવ્ થિયેટર’ (1899) નામના ગ્રંથમાં આપ્પિયાએ ત્રિપરિમાણી દૃશ્યયોજનાની સૈદ્ધાંતિક ચર્ચા કરેલી છે. ચિત્રકાર દલક્રોઝના સહકારમાં ‘ધ વર્ક ઑવ્ લિવિંગ આર્ટ’ નામનું (1921, અંગ્રેજી ભાષામાં 1960) પુસ્તક તેણે તૈયાર કર્યું હતું. વાગ્નરના ‘ત્રિસ્તાન અને ઇસૉલ્દે’ (1923) માટે દૃશ્યરચના કરીને આપ્પિયાએ વ્યાપક ખ્યાતિ મેળવી હતી.
ગોવર્ધન પંચાલ