આપાજી ગણેશ (કાર્યકાલ લગભગ 1755થી 1780) : જંબૂસર અને મકબૂલાબાદ (આમોદ) પરગણાંનો પેશવાઈ મક્કાસદાર (ફોજદાર). દસ્તાવેજોમાં તેનો ઉલ્લેખ ઈ. સ. 1755થી પ્રાપ્ત થાય છે. તેના નામનો ઉલ્લેખ ‘આપાજી ગણેશ સ્વામી ગોસાવી’ કે ‘આપાજી ગણેશ ભાગવત’ કે અંગ્રેજો મુજબ ‘અપ્પા, ગુમસ્તા’ કે ‘ગુનાજી અપ્પાજી’ મળે છે. પેશવા બાલાજી બાજીરાવે તા. 4-6-1760માં ગુજરાતના સૂબેદારપદે સદાશિવ રામચંદ્રના સ્થાને આપાજી ગણેશને નીમ્યો, પણ તે, પુણે હોવાથી તેણે પોતાના નાયબ તરીકે બાપુ નારાયણને નીમ્યો અને તે તરત જ અમદાવાદ આવવા નીકળ્યો. માર્ગમાં તેણે ઉમેટાના ઠાકોરને પરાજિત કરી રૂ. 11,000 દંડ વસૂલ કર્યો, જંબૂસરના દેહમાનના કોળીઓને જેર કર્યા, ખંભાતના નવાબ મોમીનખાન પાસેથી પેશવાના હિસ્સાના રૂ. 84,000 હપતેથી ચૂકવવાની કબૂલાત લીધી, ડાકોરના સુપ્રસિદ્ધ મંદિરમાં દર્શન કર્યાં અને 11મી જાન્યુઆરી 1761ના રોજ પાટનગર અમદાવાદ પહોંચી બંદોબસ્ત કરી પેશકશ ઉઘરાવવા નીકળ્યો. ખંભાતના બળવાનું સમાધાન કર્યું. સોરઠની મુલુકગીરીની સવારી દરમિયાન ગુમાવેલું લુણાવાડાનું રાજ્ય મેળવવા પ્રયત્ન કર્યો, 1761ના પાણીપતના યુદ્ધ પછી દામાજી, ખંડેરાવ અને સયાજીરાવ ગાયકવાડ આપાજી ગણેશને મળ્યા અને ખંભાતના મોમિનખાને એમની સાથે સંધિ કરી. 1-6-1761ના રોજ આપાજી ગણેશ વડોદરા જઈ દામાજીરાવને મળી ખેડા ગયો. પેશવા માધવરાવે પણ આપાજી ગણેશને સૂબેદારપદે ચાલુ રાખ્યો. આમ તે 1767 સુધી સૂબેદારપદે રહ્યો. આ સમયમાં તેણે પોતાના વિસ્તારનો સુંદર વહીવટ કર્યો, વેરા ઉઘરાવ્યા અને પેશવાના હિસાબની પેશકશ ઉઘરાવી. ઑગસ્ટ 18, 1768માં દામાજીરાવ ગાયકવાડનું અવસાન થતાં તેના પુત્રો વચ્ચે ગાદી માટે સ્પર્ધા થઈ ત્યારે પેશવા માધવરાવે આપાજી ગણેશને રાજ્યનો વહીવટ સંભાળવા મોકલ્યો હતો. તે પછી પેશવાએ ગોપાળરાવને સ્થાને પુન: આપાજી ગણેશને સૂબેદાર તરીકે બીજી વાર મોકલ્યો. આ સૂબેદારી બે વર્ષ (1770થી 1771) સુધી રહી અને 1774માં તે ત્રીજી વાર સૂબેદાર તરીકે આવ્યો. વચગાળામાં તે પેશવાના અંગત પ્રતિનિધિ તરીકે ફરજ બજાવતો અને અમદાવાદથી પત્રો દ્વારા ગુજરાતની રાજકીય અને વહીવટી માહિતી તે પેશવાને મોકલતો હતો. 1777-78 સુધી તેનો પુત્ર અમૃતરાયજી સૂબેદાર હોવાનો ઉલ્લેખ છે. અને છેલ્લે 14-3-1780નો આપાજી ગણેશે પેશવાના પ્રતિનિધિ તરીકે ફતેસિંહરાવને લખેલો પત્ર મળે છે. આપાજી ગણેશે ગુજરાતના કટોકટીભર્યા સમયમાં ભજવેલા ભાગનો ગુજરાતના કે મહારાષ્ટ્રના ઇતિહાસમાં ખાસ ઉલ્લેખ મળતો નથી.

યતીન્દ્ર દીક્ષિત