દીક્ષિત, શંકર બાળકૃષ્ણ (જ. 21 જુલાઈ 1853, મુરૂડ, તા. દાપોલી, જિ. રત્નાગિરિ, કોંકણ; અ. 20 એપ્ર્રિલ 1898) : ભારતીય જ્યોતિષવિજ્ઞાની. ભારતીય જ્યોતિષશાસ્ત્રની ઉદાત્ત પરંપરાના ગતિરોધને દૂર કરી તેને તેમણે આધુનિક વિજ્ઞાન સ્વરૂપે સંસ્કાર્યું. મૂળ અટક વૈશંપાયન. પરંપરાથી યજ્ઞકાર્ય સાથે સંકળાયેલું હોવાથી કુટુંબ દીક્ષિત કહેવાયું. વંશપરંપરાથી મુરૂડ ગામનું ધર્માધિકારીપદ આ દીક્ષિત પરિવારમાં હતું. શંકરે મુરૂડની મરાઠી શાળામાં પ્રાથમિક શિક્ષણ લઈ દાપોલી ન્યાયાલયમાં થોડો સમય નોકરી કરી સમય મળતાં અંગ્રેજીમાં આગળ અભ્યાસ આરંભ્યો. 1870માં પુણેમાં ટ્રેનિંગ કૉલેજમાં તથા ગોપાળ કૃષ્ણ ગોખલેની અંગ્રેજી શાળામાં અભ્યાસ કરી 1874માં પ્રથમ વર્ગમાં મૅટ્રિકની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. કારકિર્દીનો આરંભ શિક્ષકના વ્યવસાયથી કર્યો. 1874થી 1880 દરમિયાન રેવદંડાની મરાઠી શાળામાં મુખ્ય શિક્ષક રહ્યા. 1880થી 1882 સુધી થાણેની મરાઠી શાળામાં અધ્યાપન કર્યું. 1882માં બાર્શીની અંગ્રેજી શાળામાં બદલી થઈ. 1889માં ધૂળિયા ટ્રેનિંગ શાળામાં શિક્ષક થયા અને ત્યાંથી જ નિવૃત્ત થયા.
ઘરના સંસ્કારને લીધે તેમણે સંસ્કૃત ભાષા, વેદાદિ ધર્મગ્રંથો, વ્યાકરણશાસ્ત્ર, અલંકારશાસ્ત્ર તથા જ્યોતિષગણિત જેવા વિષયોમાં રુચિ કેળવી. ઊંડા અભ્યાસથી તેમાં નિપુણતા મેળવી. આ પ્રાચીન જ્ઞાન અર્વાચીન જ્ઞાનના સંદર્ભમાં લોકોપયોગી નીવડે તેવું લાગતાં તેમણે તેમના પ્રિય જ્યોતિષશાસ્ત્રના વિષયમાં વધારે રસ લીધો. તેમણે જોયું કે ભારતીય જ્યોતિષનું સ્થાન ઘણું ઊંચું હોવા છતાં સ્થગિતતાને કારણે તેનો વિકાસ અટકી જઈ તેના આધારે બનતાં પંચાંગ આદિ ભૂલવાળાં અને અવૈજ્ઞાનિક થઈ ગયાં હતાં. ગણિત અને જ્યોતિષશાસ્ત્રના તેમના વિશદ જ્ઞાનના આધારે તેમણે પંચાંગરચનામાં સાયન સિદ્ધાંતનું મહત્વ પુન:સ્થાપિત કરવાનું આવશ્યક માન્યું.
આમાં થાણેના જનાર્દન બાલાજી મોડકનો સહકાર મળ્યો. આના ફળસ્વરૂપે તેમણે ભારતીય જ્યોતિષશાસ્ત્રનો એક આધુનિક ગ્રંથ ‘‘ભારતીય જ્યોતિષશાસ્ત્ર’’ અથવા ‘‘ભારતીય જ્યોતિષાચા પ્રાચીન આણિ અર્વાચીન ઇતિહાસ’’ મરાઠીમાં રચ્યો. ગુજરાતના અગ્રણી પંચાંગકર્તા હરિહર પ્રાણશંકર ભટ્ટે (1895–1978) તેનો 3 ખંડમાં ગુજરાતી અનુવાદ કર્યો છે. ગ્રંથમાં અનુવાદકે ભારતીય ખગોળશાસ્ત્રનો વૈદિક જ્યોતિષથી જયંત નારલીકરના સંશોધન સુધીનો ઇતિહાસ આપી તેના મૂળ સિદ્ધાંતો સમજાવ્યા છે. ઋતુના સમયની ચોકસાઈના સંદર્ભમાં સાયન પદ્ધતિ અને તેની સૂક્ષ્મ ગણતરીનું મહત્વ તેમાં સમજાવ્યું છે. ખગોળમાં ભારતીય સિદ્ધાંતો મૌલિક હોવા પર તેમણે ભાર મૂક્યો. અન્ય દેશોની જ્યોતિષપરંપરાની ભારતીય જ્યોતિષ સાથે તુલના કરી તેમણે ભારતીય ખગોળની વૈજ્ઞાનિકતા તથા ઉપયોગિતા દર્શાવી. પંચાંગસુધારણામાં આ રીતે તેમણે મૂલ્યવાન ફાળો આપ્યો. પ્રત્યક્ષ પંચાંગની પ્રવૃત્તિને વેગ મળ્યો. આમ, ભારતીય જ્યોતિષની ઊંચી કોટિની સેવા કરીને શંકર દીક્ષિતે ઓગણીસમી સદીના ભારતના મહાન જ્યોતિષવિજ્ઞાની તરીકે સ્થાન સિદ્ધ કર્યું. ગણિત પછી તેમણે ફલાદેશના વિષયમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ આયુષ્યના અતિ સક્રિયતાના સમયમાં જ અવસાન થતાં તેમનું આ કાર્ય અપૂર્ણ રહ્યું. તેમણે બીજા ગ્રંથો પણ લખ્યા છે. તેમાં (1) સૃષ્ટિચમત્કાર (1882), (2) જ્યોતિર્વિલાસ (1893), (3) રૉબર્ટ એબલ સાથે ‘હિન્દુ પંચાંગ’ (1896), (4) સોપપત્તિ અંકગણિત (1897). તે ‘સાયન પંચાંગ’ માસિકપત્ર પણ ચલાવતા હતા.
બટુક દલીચા