દીક્ષિત, ભટ્ટોજી (આશરે 1555–1630) : સંસ્કૃત વ્યાકરણગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ના લેખક. તેઓ દક્ષિણ ભારતના આંધ્ર કે મહારાષ્ટ્રના તૈલંગ બ્રાહ્મણ હતા. તેમના પિતાનું નામ લક્ષ્મીધર હતું. એમના પુત્ર ભાનુ દીક્ષિતે ‘અમરકોશ’ પર ‘રામાશ્રમી’ નામની ટીકા રચતી વખતે તેમને નમસ્કાર કર્યા છે. તેઓ કાશીમાં ગયા અને ત્યાં જ વર્ષો સુધી રહ્યા. વળી પોતાની પાસે કાશીમાં જ નિપુણ વૈયાકરણોની એક મંડળી તેમણે તૈયાર કરેલી. તેઓ શાંકરવેદાંતના અનુયાયી હતા.

વેદાંતશાસ્ત્ર અને મીમાંસાશાસ્ત્રનું જ્ઞાન તેમણે અપ્પય્ય દીક્ષિત પાસેથી મેળવેલું. વ્યાકરણશાસ્ત્રનો અભ્યાસ તેમણે શેષ વંશના શ્રીકૃષ્ણ પાસે કરેલો. પોતાના પ્રસિદ્ધ ગ્રંથ ‘સિદ્ધાન્તકૌમુદી’ પર તેમણે લખેલી વિશદ ટીકા ‘પ્રૌઢમનોરમા’માં ગુરુ શેષ શ્રીકૃષ્ણના મતનું ખંડન તેમણે કર્યું છે. આથી શેષ શ્રીકૃષ્ણના જ બીજા વિદ્યાર્થી પંડિતરાજ જગન્નાથે ‘મનોરમાકુચમર્દન’ નામનો ગ્રંથ લખીને ભટ્ટોજીને ગુરુદ્રોહી કહી તેમનું ખંડન કર્યું છે. તેમના ભાઈ રંગોજીના પુત્ર કૌંડભટ્ટે ભટ્ટોજીની ‘વૈયાકરણસિદ્ધાન્તકારિકા’ પર ‘વૈયાકરણભૂષણ’ નામનો ટીકાગ્રંથ લખ્યો છે જે શાસ્ત્રીય વ્યાકરણમાં વાક્યપદીયની સાથે બેસે તેવો ગ્રંથ છે. તેમના પ્રપૌત્ર હરિ દીક્ષિતે તેમની ‘પ્રૌઢમનોરમા’ પર ‘શબ્દરત્ન’ નામની ટીકા લખી છે. તેમના બીજા શિષ્ય જ્ઞાનેન્દ્ર સરસ્વતીએ તેમના ‘સિદ્ધાન્તકૌમુદી’ ગ્રંથ પર ‘તત્વબોધિની’ નામની ખૂબ લોકપ્રિય ટીકા લખી છે. તેમના પ્રપૌત્રના શિષ્ય નાગેશ ભટ્ટે ‘સિદ્ધાન્તકૌમુદી’ પર ‘બૃહચ્છબ્દેન્દુશેખર’ નામની ટીકા લખી છે.

તેમના બીજા એક શિષ્ય વરદરાજે ‘સિદ્ધાન્તકૌમુદી’ના મોટા અને નાના બે સંક્ષેપ કર્યા છે, જે ‘મધ્યસિદ્ધાન્તકૌમુદી’ અને ‘લઘુસિદ્ધાન્તકૌમુદી’ એવાં નામોથી જાણીતા છે. ભટ્ટોજી દીક્ષિત શાંકરવેદાંતી હોવાથી તેમણે મધ્વમતનું ખંડન કરતો ગ્રંથ લખ્યો છે. તેમણે વિવિધ શાસ્ત્ર પર સ્વતંત્ર ગ્રંથો અને ટીકાગ્રંથોની રચના કરી છે. આમ છતાં તેમની પ્રસિદ્ધિ ‘સિદ્ધાન્તકૌમુદી’ એ એક જ ગ્રંથ પર નિર્ભર છે. તેમના ગ્રંથોમાં ‘સિદ્ધાન્તકૌમુદી’, ‘પ્રૌઢમનોરમા’, ‘શબ્દકૌસ્તુભ’ – એ વ્યાકરણગ્રંથો તથા ‘તત્વકૌસ્તુભ’, ‘ત્રિસ્થલીસેતુ’, ‘અશૌચનિર્ણય’, ‘ચતુર્વિશતિતત્વ-વ્યાખ્યા’, ‘પ્રવરનિર્ણય’, ‘દાયભાગ’, ‘તત્વસિદ્ધાન્તદીપિકા’, ‘કાલનિર્ણય’, ‘તિથિવિનિર્ણય’, ‘વેદાંતતત્વવિવેકટીકા’ વગેરેનો સમાવેશ થાય છે. પાણિનીય વ્યાકરણને સમજવાનો મજબૂત પાયો ‘સિદ્ધાન્તકૌમુદી’ પૂરો પાડે છે તેથી કાશીમાં જ નહીં, ભારતના પ્રત્યેક ખૂણે વ્યાકરણશાસ્ત્રના અજોડ લેખક તરીકે તે આદર પામ્યા છે.

પ્ર. ઉ. શાસ્ત્રી