દિવેટિયા, નરસિંહરાવ ભોળાનાથ (જ. 3 સપ્ટેમ્બર 1859, અમદાવાદ; અ. 14 જાન્યુઆરી 1937) : ગુજરાતી ભાષાના સાક્ષર અને કવિ. ‘જ્ઞાનબાલ’, ‘નરકેસરી’, ‘મુસાફર’, ‘પથિક’, ‘દૂરબીન’, ‘શંભુનાથ’, ‘વનવિહારી’ વગેરે ઉપનામોથી પણ લેખન કરેલું છે. મુખ્યત્વે કાવ્ય, વિવેચન, ભાષાશાસ્ત્ર અને નિબંધક્ષેત્રે અર્પણ. પ્રાથમિક-માધ્યમિક કેળવણી અમદાવાદમાં. 1880માં મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાંથી બી.એ.ની પરીક્ષા સંસ્કૃત વિષય સાથે ઊંચા ગુણે ઉત્તીર્ણ કરી અને ભાઉ દાજી પારિતોષિક પ્રાપ્ત કર્યું. પિતાની ઇચ્છાને માન આપીને તેમણે સ્ટૅટ્યુટરી સિવિલ સર્વિસની પરીક્ષા પણ પાસ કરી અને મહેસૂલી ખાતામાં આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે નોકરીનો પ્રારંભ કર્યો. નોકરીને નિમિત્તે વિવિધ સ્થળે પરિભ્રમણ કરવાનું બનતાં ત્યાંના પ્રાકૃતિક સૌંદર્યથી તેમની સર્જકતાને બળ મળ્યું. ઉપરાંત હૈદરાબાદ વગેરે સ્થળોના વસવાટે તેઓ વિવિધ બોલીઓના સંપર્કમાં પણ આવ્યા. 1912માં સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. 1915માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રતિષ્ઠાભર્યા પ્રમુખસ્થાને રહ્યા. 1924માં રૉયલ એશિયાટિક સોસાયટી, મુંબઈ શાખાના ફેલો તરીકે ચૂંટાયા. મુંબઈ યુનિવર્સિટીમાં ગુજરાતી વિષય દાખલ થતાં 1921 થી 1935 સુધીનાં વર્ષોમાં તેમણે ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં ગુજરાતીના માનાર્હ પ્રાધ્યાપક તરીકે ખંતભરી સેવાઓ આપી.
જીવનની છેલ્લી પચ્ચીસીમાં તેમનું અંગત જીવન વેદનાભરપૂર રહ્યું. તેજસ્વી પુત્ર-પુત્રી અને પત્નીના અકાળે થયેલા અવસાનથી તેમનું હૃદય તૂટ્યું, પણ શબ્દ અને ઈશ્વર ઉપરની અપાર શ્રદ્ધાને કારણે પૂરી સ્વસ્થતા સાથે તેમણે છેલ્લા શ્વાસ સુધી સરસ્વતીની આરાધના કરી. 78 વર્ષની વયે તેમનું અવસાન થયું.
અંગ્રેજી ઊર્મિકાવ્યના પ્રભાવને ઝીલીને નર્મદે આત્મલક્ષી કવિતાનો કરેલો પ્રારંભ, નરસિંહરાવની ‘કુસુમમાળા’(1887)માં પ્રથમ વાર તેના વધુ પક્વ રૂપે વિસ્તરતો જોવાય છે. નરસિંહરાવમાં પશ્ચિમી સાહિત્યની સાથે સાથે સંસ્કૃત સાહિત્યનો પણ પ્રભાવ રહ્યો છે. તેથી અભિવ્યક્તિની પ્રૌઢિ, તેમની રચનાઓને કલા રૂપે અવતારી રહે છે. સૂર્ય, ચંદ્ર, આકાશ કે કોયલ જેવાં પ્રકૃતિતત્વોની સાથે પ્રેમ, ભક્તિ વગેરે પણ અહીં કાવ્યનો વિષય બનીને ઊર્મિકાવ્ય રૂપે અવતર્યાં છે. ચિંતન-વિચાર, સફાઈદાર છંદો અને અભિવ્યક્તિની પક્વતા એ સર્વને લીધે ‘કુસુમમાળા’ અર્વાચીન કવિતાનું સીમાચિહન બની રહીને ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત કરે છે.
‘હૃદયવીણા’ (1893), ‘નૂપુરઝંકાર’ (1914), ‘સ્મરણસંહિતા’ (1915), ‘બુદ્ધચરિત’ (1934) વગેરે તેમના બીજા જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘હૃદયવીણા’માં ઊર્મિનું તત્વ કંઈક ઘટ્યું છે. તેમાં પ્રકૃતિના નિરામય રૂપને બદલે ચિંતન વધ્યું છે. ‘નૂપુરઝંકાર’માં કાન્તની રીતિએ લખાયેલાં પરલક્ષી ચિન્તનોર્મિકાવ્યો–ખંડકાવ્યો વિશેષ રૂપે ધ્યાન ખેંચી રહે છે. ‘સ્મરણસંહિતા’ કરુણપ્રશસ્તિમાં તેમની કવિતાનો નવો ઉન્મેષ જોવા મળે છે. ‘આ વાદ્યને કરુણગાન વિશેષ ભાવે’ કહેતા કવિની હૃદયસ્થ કરુણ લાગણીઓને અહીં ઉત્તમ અભિવ્યક્તિ મળી છે. પુત્રના અવસાનનું પિતાના હૃદયમાં કેવું ઘેરું દર્દ હતું, તે અહીં પમાય છે. તેમની ઈશ્વર પ્રત્યેની ર્દઢ શ્રદ્ધા પણ અહીં સુપેરે પ્રકટતી રહી છે. તે ગુજરાતી ભાષાની ઉત્તમ કરુણપ્રશસ્તિ બનવા જાય છે. ‘બુદ્ધચરિત’ અંગ્રેજી કૃતિ ‘લાઇટ ઑવ્ એશિયા’નો હૃદ્ય અનુવાદ છે. ‘મહાભિનિષ્ક્રમણ’ જેવી રચના કાવ્યપ્રેમીઓને અનેકશ: સ્પર્શી રહી છે. ‘સર્જનરાયની સુષુપ્તિ’ (1912) જેવાં વિનોદાત્મક કાવ્યોનો સંગ્રહ પણ તેમણે આપ્યો છે.
આમ ન્હાનાલાલ અને કાન્ત પૂર્વે નરસિંહરાવની કાવ્યપ્રવૃત્તિનું પોતાનું એક વિશેષ મૂલ્ય રહ્યું છે. શિષ્ટ-સંસ્કારી કાવ્યબાની, વિચાર અને છંદની પ્રૌઢિ, વિવિધ ભાવગૂંથણી વગેરે તત્વો તેમને અર્વાચીન ઊર્મિકવિતાના ઐતિહાસિક રીતે પ્રથમ અને અગ્રણી કવિ ઠેરવે છે. તેમનાં શ્રેષ્ઠ કાવ્યોનું ચયન કરીને ‘કાવ્યકુસુમ’ (સં. સુસ્મિતા મ્હેડ) નામનો સંગ્રહ પણ પ્રકટ કરાયો છે.
કવિતાની સમાન્તરે તેમની વિવેચનપ્રવૃત્તિ પણ સતત વિકસતી રહી છે. ‘મનોમુકુર’ના ચાર ભાગ (1924, ’36, ’37, ’38) અને ‘અભિનયકલા’ (1930) વગેરેમાં તેમની એક ધીર, ગંભીર વિવેચક તરીકેની સાથે સાહિત્યના જાગ્રત પ્રહરીની છાપ ઊપસી રહે છે. વિષયના એક એક દલને ખોલી આપવાની ચીવટ, ગુણદર્શિતાની સાથે સત્યપરકતા અને નીરક્ષીરવિવેક તેમની વિવેચક તરીકેની મુખ્ય લાક્ષણિકતાઓ છે. તેમનાં વિવેચનો દીર્ઘસૂત્રી છે, વધુપડતાં ગંભીર છે એવો તેમના ઉપરનો આક્ષેપ સાચો હોવા છતાં એ વિવેચનમાં વિષયની તલસ્પર્શી વિચારણા, વિદ્વત્તાનો અનુભવ થઈ રહે છે તે તેમને પંડિતયુગના પ્રથમ પંક્તિના વિવેચક ઠેરવે છે. ‘જયાજયન્ત’, ‘ગુજરાતનો નાથ’, ‘વસંતોત્સવ’ વિશેનાં કૃતિલક્ષી વિવેચનો કે પ્રેમાનંદનાં નાટકોના કર્તૃત્વ વિશેની તેમની બાહ્યાભ્યંતર તપાસ, અથવા ‘અસત્ય ભાવારોપણ’, ‘ન્હાનાલાલની ડોલનશૈલી’ વગેરે વિવેચનલેખો સાહિત્યતત્ત્વની તેમની ચર્ચા કેવી સર્વાંગીણ ને તલસ્પર્શી હોય છે, તેનાં સાક્ષીરૂપ છે. ‘જ્ઞાનબાલ’ના ઉપનામથી લખાયેલાં તેમનાં ચર્ચાપત્રોએ પણ એક જમાનામાં અભ્યાસીઓનું સારું એવું ધ્યાન ખેંચેલું.
નરસિંહરાવનું ભાષાશાસ્ત્રમાં રહેલું અર્પણ તેમને ગુજરાતના પ્રમુખ ભાષાશાસ્ત્રી ઠેરવે એવું સત્ત્વસમૃદ્ધ છે. ગુજરાતી સાહિત્ય પરિષદમાં (1905) પહેલી વાર રજૂ કરેલો ‘જોડણી’ વિશેનો દીર્ઘલેખ, તે ક્ષેત્રનો તેમનો યશસ્વી પ્રારંભ છે. લઘુપ્રયત્ન ‘હ’, ‘ય’ અને અલ્પપ્રયત્ન ‘અ’ની ચર્ચા, ગુજરાતી વિભક્તિપ્રત્યયોનાં મૂળ, કોમલ અને તીવ્ર અનુસ્વારોના ભેદ, વ્યુત્પત્તિચર્ચા, ગુજરાતી ભાષાના ઉદભવ-વિકાસ વગેરે ભાષાશાસ્ત્રવિષયક સંશોધનોમાં તેમની સંશોધક તરીકેની વૈજ્ઞાનિક ર્દષ્ટિ અને ખંત ભારોભાર જણાઈ આવે છે. ‘ગુજરાતી લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’ ભા. 1 (1921), ભા. 2 (1932) એ તેમણે આ વિષયના ઉત્તમોત્તમ અર્કરૂપ, મુંબઈ યુનિવર્સિટીમાં ‘વિલ્સન ફિલોલૉજિકલ લેક્ચર્સ’ નામે આપેલાં વ્યાખ્યાનોના બે ગ્રંથ છે. નરસિંહરાવની ભાષાવિજ્ઞાની તરીકેની પ્રતિભાનું તે સુફળ છે, જે દ્વારા માત્ર ગુજરાતના જ નહિ, દેશના એક મહત્ત્વના ભાષાશાસ્ત્રી તરીકે તેઓ પ્રસિદ્ધિ પામ્યા. તેનું ગુજરાતી ભાષાંતર રામપ્રસાદ બક્ષીએ કરેલું છે. આજે આ ક્ષેત્રે અદ્યતન ટૅક્નૉલૉજીનો પ્રવેશ થયો હોઈ ઘણું સંશોધનકાર્ય થઈ રહ્યું છે. એ સંદર્ભે તેમના કાર્યનો મહિમા આજે કંઈક ઓછો લાગે, છતાં અલ્પ સાધનોવાળા સમયમાં તેમણે નિષ્ઠા, ચીવટ અને ધીરજ દાખવી ગુજરાતી ભાષામાં જે અન્વેષણ કર્યું છે, જે નિરીક્ષણો આપ્યાં છે, તે આજે પણ અનુગામી સંશોધકો માટે દિશા ચીંધનારાં બની રહ્યાં છે.
નરસિંહરાવની ગદ્યલેખનપ્રવૃત્તિ પણ કવિતાની જેમ સ્મરણીય રહેશે. ‘સ્મરણમુકુર’ (1926) તેમણે આપેલાં સ્મરણચિત્રોનો વિશિષ્ટ ભાતવાળો સંગ્રહ છે. પોતાના સંપર્કમાં આવેલી વ્યક્તિઓની અહીં તેમણે અંગત તત્ત્વને કેન્દ્રમાં રાખીને જે છબીઓ ઉપસાવી છે તે ક્યારેક તો સર્જનાત્મક નિબંધ સુધી પહોંચી જતી જણાય છે. પંડિતયુગની લગભગ પાંચ દાયકાની સામાજિક-સાસ્કૃતિક સંસ્થિતિઓનું તેમાં રસસંભૃત આલેખન તો મળે છે જ, સાથે જે તે વ્યક્તિનું સંક્ષિપ્ત ગુણલક્ષણયુક્ત ચરિત્ર પણ પ્રાપ્ત થાય છે. ઘૂંટાયેલી શૈલીમાં લખાયેલો કદાચ આપણો આ પ્રથમ સ્મરણચિત્રસંગ્રહ છે. લેખકનો ‘હું’ ક્યાંક સ્થૂળ રૂપે આવે છે ત્યારે વ્યક્તિ-ચિત્ર તેથી દૂષિત થતું હોય એવાં ર્દષ્ટાંતો એમાંથી અલબત્ત મળે છે. પણ એ મર્યાદાને બાદ કરતાં લેખકની વિનોદાત્મક અને ચિત્રાત્મક શૈલીને કારણે તેમજ તત્કાલીન સમાજસંદર્ભને કારણે એ વ્યક્તિચિત્રો સુવાચ્ય તો બન્યાં જ છે.
‘જ્ઞાનબાલ’નું ઉપનામ રાખી ચિન્તનમનનના વિવર્તતરંગોને નિબંધાકૃતિ આપવાનો પ્રયત્ન ‘વિવર્તલીલા’માં થયો છે. કૃતિની ચિંતન-વિચારસંપત્તિ જોતાં ‘જ્ઞાનબાલ’ ઉપનામને સાર્થ કરતી બાલસહજ મુગ્ધતા, જ્ઞાનપિપાસા અને સૌંદર્ય તેમજ તત્વની તરસનાં અહીં દર્શન થાય છે. સાથે નરસિંહરાવનું અંતરંગ પણ આસ્વાદ્ય રૂપે અભિવ્યક્તિ પામ્યું છે. બુદ્ધિ કરતાં હૃદય-ગતિથી લખાયેલા આ નિબંધોમાં કરુણનું સૂત્ર પ્રસંગોપાત્ત, ગૂંથણી પામતું રહ્યું છે. હળવી, માર્મિક અને કાવ્યતત્વથી શોભતી શૈલી આ રચનાઓનું આકર્ષણ છે. સંવેદનાના નાના નાના કલાત્મક કણ જેવા સંક્ષિપ્ત અને હૃદયહારી આ નિબંધો પંડિતયુગના ભારેખમ શૈલીવાળા નિબંધોમાં એક જુદી જ ભાત ઉપસાવે છે. ધનસુખલાલ મહેતા અને રામપ્રસાદ બક્ષીએ સંપાદિત કરેલી તેમની ‘રોજનીશી’ (1953) 1892થી 1935 સુધીની અંગત નોંધો છે. અહીં તેમના વ્યક્તિગત જીવનની તડકી-છાંયડી, તેમનાં મનન-મંથન, કુટુમ્બના પ્રસંગો, તત્કાલીન સમાજની રુખ, રાજકીય-સાહિત્યિક તેમજ ભાષાશાસ્ત્ર વગેરે વિશેનાં તેમનાં જુદા જુદા સમયનાં ર્દષ્ટિબિન્દુઓ જોવા મળે છે. અહીં જે કંઈ વિગતો છે તેમાંથી નરસિંહરાવનું ક્રમશ: વિકાસ પામતું ક્ષર-અક્ષર વ્યક્તિત્વ સુભગ રૂપે પ્રત્યક્ષ થાય છે. એ રીતે રોજનીશીનું આગવું મૂલ્ય રહ્યું છે. તેમની આ ‘રોજનીશી’માં એક કર્મઠ, શ્રદ્ધાળુ તેમજ વિચારશીલ સર્જકનું જે વ્યક્તિત્વ છતું થાય છે તે વાચકના રસનું કારણ બની રહે છે. ‘અભિનયકળા’ નરસિંહરાવનો નાટક તેમજ રંગભૂમિના તત્વ-તંત્ર વિશે પ્રથમ વાર વિગતે, ઝીણવટભર્યો અભ્યાસ પ્રસ્તુત કરતો મહત્વપૂર્ણ ગ્રંથ છે. પશ્ચિમનાં નાટક-રંગભૂમિના પરિપ્રેક્ષ્યમાં તેમણે ગુજરાતી રંગભૂમિ વિશે જે નુક્તેચીની કરી છે, તેના ઘણા અંશો આજે પણ અભ્યાસીઓને ઉપયોગી બને તેવું મૂલ્ય ધરાવે છે. એવું જ બીજું પુસ્તક ‘ગુજરાતી લૅંગ્વેજ ઍન્ડ લિટરેચર’ મૂળે અંગ્રેજીમાં ‘ઠક્કર વ્યાખ્યાનમાળા’માં તેમણે આપેલાં નરસિંહ અને અખા જેવા મધ્યકાલીન ગુજરાતી કવિઓ વિશેનાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનોનું છે. વસ્તુને આરપાર જોઈ શકતી તેમની વિવેચક તરીકેની તીણી નજર આ વિવેચનોમાં જોવા મળે છે. તેમાંનાં આદિકવિ નરસિંહ મહેતા અને જ્ઞાની કવિ અખા વિશેનાં તેમનાં તારણો આજે પણ એટલાં જ અર્થપૂર્ણ રહ્યાં છે. તેમનાં ગદ્યલખાણોનો સંચય ‘કવિતાવિચાર’નો મુખ્યત્વે તેમના કવિતાવિષયક વિચારો છે. જેનું સંપાદન ભૃગુરાય અંજારિયાએ કર્યું છે.
પ્રવીણ દરજી