દિવીદિવી : દ્વિદળી વર્ગમાં આવેલા સીઝાલ્પિનિયેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Caesalpinia coriaria (Jacq.) willd (ત. તીવીદીવી, ઇકિમારામ; તે દીવીદીવી; મું. લિબીદિબી; અં. અમેરિકન સુમેક, દિવીદિવી પ્લાન્ટ) છે. તે દક્ષિણ અમેરિકા અને વેસ્ટ ઇંડિઝની સ્થાનિક (indigenous) છે અને ભારતમાં સો કરતાં વધારે વર્ષો પૂર્વે તેનો પ્રવેશ થયો હતો. ભારતના વિવિધ ભાગોમાં, ખાસ કરીને આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિળનાડુ, ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ગુજરાતમાં ઉદ્યાનોમાં તેને સફળતાપૂર્વક ઉગાડવામાં આવે છે.
તે મધ્યમ કદનું વધારેમાં વધારે 9.0 મી. જેટલું ઊંચું અને ટૂંકું, વાંકુંચૂકું થડ ધરાવતું વૃક્ષ છે. તેની શાખાઓ ફેલાતી અને લટકતી હોય છે. તેની છાલ ભૂખરી, બદામી અને ખરબચડી હોય છે. છાલ ઊતરે ત્યારે નાની અનિયમિત પતરીઓ પડે છે. પર્ણો દ્વિપીંછાકાર (bipinnate), સંયુક્ત, દ્વિતીય પત્રાક્ષ 3–9 જોડમાં અને 15 સેમી. લાંબાં હોય છે. પર્ણિકાઓ 15–28 જોડમાં, લંબચોરસ-રેખીય (oblong-linear), નીચેની સપાટીએ કાળાં ટપકાંવાળી, બદામી લીલી અને ઉપરની સપાટીએ ઘેરી લીલી હોય છે. પુષ્પો આછાં કે લીલાશ પડતાં પીળા રંગનાં, સુગંધિત અને અગ્રીય કે કક્ષીય લઘુપુષ્પગુચ્છ(panicle) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. શિંગો 5–8 સેમી. લાંબી 3.00 મિમી. પહોળી પટા આકારની વાંકીચૂકી વળદાર, લીસી અને આછાથી કાળા બદામી રંગની હોય છે તથા 1–10 બીજ ધરાવે છે.
તેનું પ્રસર્જન બીજ દ્વારા કરવામાં આવે છે. બીજને રોપની ક્યારીમાં ઉગાડવામાં આવે છે. બીજાંકુર 9થી 15 માસના થાય ત્યારે તેને ખેતરમાં ચોમાસા દરમિયાન 6થી 7.5 મી.ના અંતરે રોપવામાં આવે છે. એકાદ-બે વર્ષ પૂરતું શુષ્ક ઋતુમાં પાણી આપવું જરૂરી છે. ઓછા વરસાદવાળી જગાઓએ તે સહેલાઈથી ઊગે છે. તે કાળી જમીનમાં સૌથી સારા પ્રમાણમાં થાય છે. આ વૃક્ષની છાયામાં બીજી વનસ્પતિઓ ભાગ્યે જ થઈ શકે છે.
તે પાંચમા વર્ષથી પુષ્પનિર્માણ કરે છે. વીસમા વર્ષે તેનું પુષ્પનિર્માણ પુષ્કળ પ્રમાણમાં થાય છે. પુષ્પ અને ફળનિર્માણ જાન્યુઆરી–ફેબ્રુઆરી અને જૂન–જુલાઈ એમ વર્ષમાં બે વાર થાય છે. જોકે પાછલાં વર્ષોમાં ઉત્પાદન ઘટી જાય છે. એક પરિપક્વ વૃક્ષ પ્રતિ વર્ષ લગભગ 135 કિગ્રા. શિંગ ઉત્પન્ન કરે છે.
દિવીદિવીના બધા ભાગો ટૅનિન ધરાવે છે. તે પૈકી શિંગમાં તે વિપુલ પ્રમાણમાં હોય છે. તેનાં ભેજરહિત અંગોમાં ટૅનિન આ પ્રમાણે હોય છે. પર્ણોમાં 44.3 %, શિંગ (અર્ધી લીલી અને અર્ધી બદામી)માં 69.4 %, પ્રકાંડની છાલમાં 51.1 % અને મૂળની છાલમાં 70 %, શિંગમાંથી મળતું ટૅનિન પાયરોગેલોલ પ્રકારનું અને જલાપઘટનીય (hydrolysalde) હોય છે. અને ગેલોટેનિ તથા ઇલેજિટૅનિન ધરાવે છે. દિવીદિવી ટૅનિનની પ્રકૃતિ અને દ્રવ્ય બંને રીતે હરડે સાથે ખૂબ સામ્ય ધરાવે છે; પરંતુ તેનો પાણીમાં પ્રસરણનો દર વધારે હોય છે. તેનો ચર્મશોધન–ઉદ્યોગમાં ઉપયોગ થાય છે.
પર્ણો અને શિંગમાંથી અલગ કરવામાં આવેલા ઘટકોમાં ચીબુલિનિક ઍસિડ, ચીબુલેજિક ઍસિડ, ચીબુલિક ઍસિડ, કોરિલેજિન, 3:6-ડાઇગેલોઇલ ગ્લુકોઝ, ઇલેજિક ઍસિડ અને ગેલિક ઍસિડનો સમાવેશ થાય છે. છાલમાં કેટેચિન, લ્યુકોફિસેટિનિડિન, ગ્લુકોઝ અને સુક્રોઝ હોય છે.
શિંગ સ્તંભક (astringent), કાલિકજ્વરરોધી (antiperiodic) અને બલ્ય હોય છે. તેનો ઉકાળો દૂઝતા મસા અને અતાન-વિદધ્રિ(atomic abscesses)માં આપવામાં આવે છે. તેઓ ટૅનેઝ, પૉલિફિનોલૉક્સિડેઝ, પૅરૉક્સિડેઝ અને ઍસ્કોર્બિક-ઍસિડ ઑક્સિડેઝ જેવા ઉપચયન કરનારા ઉત્સેચકો ધરાવે છે.
તેનું ઘેરા રંગનું કાષ્ઠ સામાન્ય સુથારીકામમાં ઉપયોગી છે.
મ. ઝ. શાહ
બળદેવભાઈ પટેલ