દિગંબર જૈન સંપ્રદાય : જૈન ધર્મનો એક સંપ્રદાય. જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છે : (1) દિગંબર અને (2) શ્વેતાંબર. જૈન ધર્મના 24 તીર્થંકરોને બંને સ્વીકારે છે અને બંનેમાં ભક્તિ કે ઉપાસનામાં કશો ભેદ નથી; પરંતુ મુખ્ય ભેદ તેમનાં નામોમાંથી જ સ્પષ્ટ થાય છે. દિશારૂપી વસ્ત્ર પહેરનારા સાધુઓવાળો એ દિગંબર અને સફેદ વસ્ત્ર ધારણ કરનારા સાધુઓવાળો તે શ્વેતાંબર. આ બંને સંપ્રદાયો થવા માટે બંને સંપ્રદાયોમાં જુદી જુદી કથાઓ પ્રાપ્ત થાય છે; છતાં વસ્ત્ર ધારણ કરવાં ન કરવાં એ આધારે આ બે સંપ્રદાયો શરૂ થયા છે.

દિગંબરોની માન્યતા મુજબ ઈ. સ. 80માં સૌરાષ્ટ્રના વલભીપુર કે વળામાં શ્વેતાંબરો દિગંબર સંપ્રદાયથી અલગ થયા. જ્યારે શ્વેતાંબરોની માન્યતા મુજબ ઈ. સ. 83માં આચાર્ય કૃષ્ણમૂર્તિના શિષ્ય નિહ્નવ શિવભૂતિએ વસ્ત્રનો ત્યાગ કરી દિગંબર સંપ્રદાયની સ્થાપના કરી.

બંને સંપ્રદાયોમાં ખાસ મતભેદ નથી છતાં દિગંબર સંપ્રદાયમાં નીચેની માન્યતાઓ પ્રચલિત છે. તે શ્વેતાંબરથી જુદી પડે છે અને તે જ બંને વચ્ચેનો મુખ્ય ભેદ છે. આ માન્યતાઓ નીચે મુજબ છે :

(1) મુનિએ વસ્ત્ર ધારણ કરવું  જોઈએ નહિ. (2) સ્ત્રી નિર્વસ્ત્ર રહી શકતી નથી માટે તેને મોક્ષ મળી શકે નહિ. (3) કેવળજ્ઞાન થયા પછી કેવલી આહારવિહાર કરતા નથી. (4) શૂદ્રોને મોક્ષ મળી શકે નહિ.

(5) ગૃહસ્થ અને અન્ય લિંગ (સાધુવેશ) ધારણ કરનારને મોક્ષ મળી શકે નહિ. (6) મલ્લિકુમારી સ્ત્રી તીર્થંકર ન હતી, પરંતુ પુરુષ હતી. (કારણ કે પુરુષને જ મોક્ષ મળે, સ્ત્રીને નહિ). (7) મહાવીરના ગર્ભનું અપહરણ થયું નહોતું.

દિગંબર સંપ્રદાયના પેટાવિભાગોમાં સિંહસંઘ, નંદીસંઘ, સેનસંઘ, દેવસંઘ, મૂલસંઘ, દ્રાવિડસંઘ, યાપનીયસંઘ, કાષ્ઠાસંઘ, માધુરસંઘ, તારણપંથ, ભટ્ટારક, તેરહપંથ, ગુમાનપંથ, સમૈયાપંથ વગેરેનો સમાવેશ થાય છે.

વર્તમાન સમયે દિગંબર સાધુ સંપૂર્ણ નગ્ન રહે છે, જલપાત્ર અને મોરપિચ્છ રાખે છે. વળી કેશલુંચન, કરપાત્રીપણું, પાદવિહાર, એક જ વાર ભોજન અને પાણીનું ગ્રહણ તથા ઉષ્ણ જલપાન, રાત્રિભોજન અને કંદાહારનો ત્યાગ વગેરે નિયમોને ચુસ્ત રીતે પાળે છે. દિગંબરોનાં અનેક તીર્થસ્થળો છે. તે સમૃદ્ધ સાહિત્ય પણ ધરાવે છે.

રૂપેન્દ્રકુમાર પગારિયા