દાસગુપ્તા, શશીભૂષણ (જ. 1911, કૉલકાતા; અ. 21 જુલાઈ 1964, કૉલકાતા) : બંગાળી લેખક, સંશોધક, વિવેચક અને ચિંતક. કૉલકાતાની સ્કૉટિશ ચર્ચ કૉલેજમાંથી ફિલસૂફીનો વિષય લઈને બી.એ. થયા. વિશ્વવિદ્યાલયમાં પ્રથમ આવ્યા ને ક્લિન્ટ સ્મારક પારિતોષિક મેળવ્યું. 1935માં કૉલકાતા વિશ્વવિદ્યાલયમાંથી બંગાળી વિષય લઈને એમ.એ.ની પરીક્ષા આપી. તેમાં પણ તેઓ પ્રથમ આવ્યા ને કૉલકાતા વિશ્વવિદ્યાલયમાં સંશોધનવિભાગમાં નિયુક્ત થયા. 1937માં ‘બૌદ્ધ ધર્મમાં તાંત્રિકતા’ વિશે સંશોધન માટે એમને પ્રેમચંદ રાય છાત્રવૃત્તિ મળી. બીજે વર્ષે કૉલકાતા વિશ્વવિદ્યાલયમાં બંગાળીના પ્રાધ્યાપક નિમાયા. 1940માં પ્રાચીન બંગાળી સાહિત્યમાં ભિન્ન ભિન્ન ધાર્મિક સંપ્રદાયો પર સંશોધન માટે એમને પીએચ.ડી.ની પદવી મળી. 1955માં એ વિશ્વવિદ્યાલયમાં બંગાળી વિષયના વિભાગીય અધ્યક્ષ બન્યા. 1960માં મનીલામાં યુનેસ્કો તરફથી યોજાયેલી વિશ્વધર્મ પરિષદમાં એમને આમંત્રવામાં આવ્યા, જ્યાં એમણે હિન્દુત્વ પર વ્યાખ્યાન આપ્યું. 1961માં ‘ભારતેર શક્તિસાધના ઓ શક્તિસાહિત્ય’ પુસ્તક માટે એમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો. 1963માં લંડન યુનિવર્સિટીએ વાર્ષિક ટાગોર વ્યાખ્યાન માટે એમને નિમંત્ર્યા. ફ્રાન્સના મંત્રીમંડળના સંસ્કૃતિવિભાગે પણ એમને વ્યાખ્યાન માટે નિમંત્ર્યા.
કૉલકાતા યુનિવર્સિટીમાં રાધાકૃષ્ણન તથા એસ.એન. દાસગુપ્તા જોડે એમને ગાઢો સંપર્ક હતો. વિશ્વભારતીના ક્ષિતિમોહન સેનનો પણ એમની પર સારો એવો પ્રભાવ હતો. એમનું બીજું એક પુસ્તક જે એમના સંશોધનના ઊંડાણનો પરિચય આપે છે તે ‘રાધાર ક્રમવિકાસ’. એમાં એમણે રાધાનો ઉલ્લેખ સંસ્કૃત સાહિત્યમાં ક્યારથી ને કયા સંજોગોમાં થયો તે અને એનાં વિવિધ રૂપો દર્શાવ્યાં છે. અભ્યાસીને માર્ગદર્શક થઈ પડે તેવું તેનું નિરૂપણ છે. એમણે ‘ગાંધી, ટૉલ્સ્ટૉય, રવીન્દ્રનાથ’(1962)માં આ મહાન ત્રિમૂર્તિ વિશે વિચારો દાખવ્યા છે. તો ‘ઉપનિષદેર પટભૂમિકાય રવીન્દ્ર માનસ’ (1961) એ રવીન્દ્રનાથના માનસ પર ઉપનિષદની કેવી અને કેટલી અસર છે તેનો પરિચય આપે છે. એમણે ‘પારે ઓ પારે’ (1941) નામનો કાવ્યસંગ્રહ આપ્યો છે, તથા અન્યાય સામે વિદ્રોહ કરતી નાયિકાપ્રધાન નવલકથા ‘વિદ્રોહિણી’ પણ લખી છે. આમ છતાં, સાહિત્યમાં ચિરસ્મરણીય છે સંશોધક તરીકે.
ચન્દ્રકાન્ત મહેતા