દાસ : દાસ ‘દસ્યુ’ જેવી કોઈ જાતિ હતી અને ઋગ્વેદ(5–34–6, 6, 22–10, 6–33–3, 3–50–6, 7–83–1, 10–38–3, 10–69–6, 7 અથર્વ 5 –11 –3)માં સંસ્કારી (આર્ય) ભારતીયોના શત્રુઓ તરીકે નિર્દિષ્ટ થયેલ જોવા મળે છે. એ લોકોને પોતાના કિલ્લેબંધ પુર હતાં. (2–20–8, 1–103–3, 3–12–6, 4–32–10) ઋગ્વેદ(2–20–8)માં તો આ પુરોને લોખંડનું રક્ષણ હોય એવો પણ નિર્દેશ છે. ઋગ્વેદ(6–47–2)માં કિલ્લો હોવાનો સ્પષ્ટ નિર્દેશ છે. દાસ જાતિનો વર્ણ શ્યામ હોવાનો ઋગ્વેદ (1–130–8 : ‘કૃષ્ણાં ત્વચમ્’)માં સ્પષ્ટ નિર્દેશ છે. ઋગ્વેદ(7–21–5, 10–99–3)માં જે ‘શિશ્નદેવા:’ કહેલ છે તે આ દાસ વર્ગનું વિશેષણ છે.  સંભવત: આ ‘લિંગપૂજક’ હોવાનું કહે છે, એટલે કે દાસો ‘લિંગપૂજક’ હતા. ‘દાસ’ અને ‘દસ્યુ’ એકાર્થવાચી છે કે ‘દાસ’ એ ‘દસ્યુ’નું વિશેષણ છે એ નક્કી કરવું મુશ્કેલ છે. બંને શબ્દોને એકાર્થ માનીએ કે જુદા જુદા વર્ગમાં માનીએ, તત્વત: બંને વર્ણે શ્યામ હતા. ઋગ્વેદમાં તો ‘વર્ણ’ શબ્દ હજી રંગનો જ વાચક છે એ સ્પષ્ટ છે. (2–12–4 ઉપર એ જ વાત કહે છે.)

ભારતીય ઉપખંડના કયા ભાગમાં આ લોકો રહેતા હતા એ વિશે કહેવું હોય તો એમ કહેવું પડે કે સપ્તસિંધુનો આર્યાવર્ત, બ્રહ્માવર્ત અને એ બેઉની નીચેનો મધ્ય પ્રદેશ શ્વેતવર્ણીય — ગૌર સંસ્કારી (આર્ય) ભારતીયોનો હતો અને સમગ્ર દક્ષિણના પ્રદેશમાં વેદકાલમાં ‘દાસ’—‘દસ્યુ’ઓ રહેતા હતા. હિંદી મહાસાગરના દ્વીપોમાં વિષુવવૃત્તની બંને બાજુ રહેનારાઓમાંના કેટલાક સમૂહ ભારતીય ઉપખંડમાં આવી ચૂક્યા હતા. જેમની સામે ગૌરાંગ સંસ્કારી (આર્ય) ભારતીયોના અવારનવાર સંઘર્ષો થતા રહેતા હતા. આમાંના જે પરાજિત થયેલા હતા તે ‘દાસ’થી જાણીતા થયા હતા.

ઋગ્વેદ (5–34–6 અને 7)માં ‘वशं नयति दासमार्य:’માં આર્ય (સંસ્કારી) દાસને વશ કરે છે, એમ કહ્યું છે કે એ જાતિવિષયક નથી. પણ વિશેષણો જ છે. ‘દાસ’ કોઈ જાતિ નથી, તો ‘આર્ય’ કોઈ જાતિ નથી; એ જાતિ હોય તો ‘कृण्वन्तो विश्वमार्यम् ‘સમગ્ર વિશ્વને આર્ય કરનારા’ વાક્ય પ્રમાણે ‘સંસ્કારી’ બનાવવાની વાત છે અને નહિ કે જાતિ બદલાવવાની.

દાસ કે દસ્યુઓનો ‘પણિ’ઓ સાથેનો સંબંધ ઋગ્વેદ (5–34–6 અને 7 તથા 7–6–3)માં છે. તો અથર્વ (5–11–6)માં પણ જોવા મળે છે. આ પણિઓ પણ કોઈ જાતિવિશેષ નહોતા, માલદાર-શ્યામાંગ પ્રજાના જ વર્ગના હતા. (જુઓ ‘પણિ’.) દાસો પણ માલદાર હતા, પણ ગૌરાંગોની સમકક્ષ તો નહોતા જ. એમના પેટાવિભાગો વિશેષ ઋગ્વેદમાં મળે છે, જે ‘કિરાત’, ‘કીકટ’, ‘ચંડાલ’, ‘પર્ણક’, ‘શિમ્યુ’ વગેરે હતા.

કે. કા. શાસ્ત્રી