દારુહળદર

March, 2016

દારુહળદર : દ્વિદળી વર્ગમાં આવેલા બર્બેરિડેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Berberis aristata DC. અને B. asiatica Roxb. ex DC. (સં. દારુહરિદ્રા, હિં. દારુહલ્દી, મ. દારુહલદ, ક. મરદવર્ષણુ, તે. મલુંપુ, પાસુગુ; મલા. નાણામાર, તા. નુનામારં, ફા. દારચાબ, અં. બર્બેરી) છે.

આકૃતિ : (અ) દારુહળદરની ઍરિસ્ટાટા જાતિની પુષ્પસમૂહ સહિતની શાખા, (આ) તેની ફળ ધરાવતી શાખા

દારુહળદરની ‘ઍરિસ્ટાટા’ જાતિ ઉન્નત, અરોમિલ, કાંટાળી, 3-6 મી.ની ઊંચાઈ ધરાવતી ક્ષુપસ્વરૂપ વનસ્પતિ છે. તેનાં પર્ણો પ્રતિઅંડાકારથી માંડી ઉપવલયી, અલ્પતીક્ષ્ણ(subacute)થી માંડી કુંઠાગ (obtuse), અખંડિત કે દંતુર હોય છે. પુષ્પો પીળા રંગનાં અને તોરાસમ (torymbose) કલગી (receme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ લંબ-અંડાકાર (oblong-ovoid)થી માંડી અંડાકાર ચળકતાં લાલ રંગનાં અનષ્ઠિલ (berry) પ્રકારનાં હોય છે. આ જાતિ નેપાળમાં થાય છે.

દારુહળદરની ‘એસિયેટિકા’ જાતિ 1.8-2.4મી. ઊંચી, ત્રિ-શાખિત કાંટાવાળી, ક્ષુપસ્વરૂપ ધરાવતી વનસ્પતિ છે. પર્ણો લંબ-અંડાકાર (oblong-ovate) કે પ્રતિઅંડાકાર, લાંબા દંડવાળાં અને શૂક્રમય-દંતુર (aristato-dentate) પર્ણકિનારી ધરાવે છે. પુષ્પો પીળા રંગનાં અને છત્રાકાર કલગી (umbellate raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. ફળ અનષ્ઠિલ પ્રકારનાં લંબ અંડાકાર અને ખાદ્ય હોય છે. તે હિમાચલ પ્રદેશ (600-2700 મી.ની ઊંચાઈએ). ભૂતાન અને આસામ (1500-1800 મી.ની ઊંચાઈએ), બિહારની પારસનાથની ટેકરીઓ, મધ્યપ્રદેશમાં પંચમઢી અને રાજસ્થાનમાં માઉન્ટ આબુમાં થાય છે. તે વાડમાં ઉગાડવામાં  આવે છે.

દારૂહળદરની આ જાતિઓમાં રહેલાં આલ્કેલૉઇડ આ પ્રમાણે છે :

જાતિ વનસ્પતિઅંગ

                          આલ્કેલૉઇડ

એરિસ્ટાટા છાલ, મૂળની છાલ બર્બેરિન, બર્બેમિન, ઍરોમોલિન, કૅરેચિન, મામેટાઇન, ઑક્સિએકૅન્થિન ઑક્સિબર્બેરિન, ટૅક્સિલેમિન
એસિયેટિકા મૂળ બર્બેરિન, બર્બેમિન, જટ્રોરહાઝિન, પામેટિન, ઑક્સિએકૅન્થિન, ઑક્સિબર્બેરિન, કૉલ્યુમ્બેમિન, ટેટ્રાહાઇડ્રોપામેટિન

જાપાનના ઔષધકોશ(pharmacopoeia)માં બર્બેરિન ક્લોરાઇડ અને બર્બેરિનટેનેટ અધિકૃત ઔષધો ગણાય છે. બર્બેરિન હાઇડ્રોક્લોરાઇડ અને સલ્ફેટ કૉલેરા, અતિસાર (diarrhoea), મરડો અને આંખની તકલીફો માટેનાં ઔષધોની બનાવટમાં ઉપયોગમાં લેવાય છે. ક્ષારો અને પ્રવાહી સાથે તે આ ઔષધો મોં દ્વારા આપવામાં આવે છે. બર્બેરિન Vicrio cholera (કૉલેરાનું બૅક્ટેરિયમ)અને Escherichia (અતિસાર કરતું બૅક્ટેરિયમ)ના ઉષ્મા-અસ્થાયી (heatlabile) અંત:વિષ (endotoxin)ની પ્રાયોગિક પ્રાણીઓમાં 70 % જેટલી સ્રાવી પ્રતિક્રિયાઓ- (secretory responses)ને અવરોધે છે. તે સસલામાં અલ્પરક્તદાબી (hypotensive) સક્રિયતા દર્શાવે છે. બર્બેરિન હાઇડ્રોક્લોરાઇડ અને સલ્ફેટનો ઉપયોગ સુષુપ્ત મલેરિયાના નિદાન માટે થાય છે. બર્બેરિન મલેરિયાનાં જંતુઓને રુધિરપ્રવાહમાં મુક્ત કરે છે. Leishmania tropica (લીશ્મેનિયતા કરતું પરોપજીવી પ્રજીવ) દ્વારા થતાં ત્વચીય વ્રણ(sore)ની ચિકિત્સા માટે બર્બેરિન ઉપયોગી છે. તે L.donovani ની કશાધારી અવસ્થાનો અવરોધ કરે છે.

સ્થાનિક રીતે ઔધષ વિવિધ પદ્ધતિઓ દ્વારા બનાવવામાં આવે છે. મૂળની છાલ, મૂળ અને થડના નીચેના ભાગના કાષ્ઠમાંથી પાણીમાં જાડો નિષ્કર્ષ મેળવવામાં આવે છે. તેને તણાવ આપી ઘેરા બદામી ચીકણા જથ્થામાં પરિણમે ત્યાં સુધી તેનું બાષ્પીભવન કરવામાં આવે છે. આ ઘન ઊપજને ‘રસોત’, ‘રસવંતી’ કે ‘રસાંજન’ કહે છે. તે કડવું, સ્તંભક (astringent) અને પાણીમાં સારા પ્રમાણમાં પરંતુ આલ્કોહૉલમાં થોડુંક દ્રાવ્ય હોય છે.

રસવંતી કડવી ‘બલ્ય’ ગરમ, રસાયન, તીખી, પિત્તરેચક (cholagohue), ક્ષુધાવર્ધક (stomachic), રેચક (laxative), સ્વેદક (diaphoretic), રક્તશોધક, કફઘ્ન, જ્વરહર (antipyretic) અને જંતુનાશક છે. આંખના દુખાવામાં મંદરોહી (indolent) ચાંદા અને દૂઝતા મસા પર લગાડવામાં આવે છે. તે સંતાપહર, આંત્રસંકોચક અને કુષ્ઠરોગ(leprosy)ની ચિકિત્સામાં ઉપયોગી છે. તે કંઠના સોજાનો નાશ કરે છે અને કાનના સ્રાવને મટાડે છે.

આયુર્વેદ અનુસાર તે લઘુ, રુક્ષ, કડવી, તૂરી, તીખી, ગરમ, કફપિત્તશામક, દીપન, પિત્તસારક, વર્ણ્ય, યકૃદુત્તેજક, મૃદુરેચક, પૌષ્ટિક, રક્તશોધક, સ્વેદલ, શોથહર, વેદનાહર અને ચક્ષુષ્ય છે. વિષમજ્વર (મલેરિયા), અગ્નિમાંદ્ય, મરડો, કમળો, પ્રમેહ, ઉધરસ, પ્રદર, નેત્રરોગો, ગર્ભાશયનો સોજો તથા સ્રાવ, ઉપદંશ, ચળ, રતવા અને વ્રણ જેવા ત્વચાના રોગો ખાસ મટાડે છે.

દારુહળદરનું પુષ્પનિર્માણ ફેબ્રુઆરીથી જૂન દરમિયાન થાય છે. પુષ્પો મધમાખીઓને પરાગરજ અને મધ માટે  આકર્ષે છે. તેનાથી મળતું મધ ઘેરા રંગનું અને ગોળની રસી જેવી વાસ ધરાવે છે.

તેનું કાષ્ઠ ચળકતું પીળું, સમય જતાં વધારે ઘેરું બને છે. તે કઠોરથી માંડી અત્યંત કઠોર, મધ્યમ ભારેથી અતિભારે (વજન, 620-960 કિગ્રા./મી3), સામાન્યત: સુરેખ-કણિકામય (straight-grained) અને બારીકથી અતિબારીક ગઠનવાળું હોય છે. તેનો ઉપયોગ ફ્રેમ, નકશીકામ, રમકડાં અને માપપટીઓ બનાવવામાં થાય છે.

દારુહળદરનાં મૂળ અને પ્રકાંડમાંથી પીળો રંગ પ્રાપ્ત કરવામાં આવે છે. તે ચર્મશોધન (tanning) માટે અને ચામડું તથા કાપડ રંગવામાં ઉપયોગી છે. ઊકળતા માખણમાં પ્રકાંડના ટુકડા નાખતાં ઘીનો રંગ સોનેરી પીળો બને છે.

દારુહળદર ઘઉંને ‘કાળોગેરુ’ રોગ લાગુ પાડતી ફૂગ (Puccinia graminis) ના વૈકલ્પિક યજમાન તરીકેનો ભાગ ભજવે છે.

દારુહળદરની પ્રજાતિ બર્બેરિસ એશિયા, યુરોપ અને અમેરિકાના સમશીતોષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં થાય છે. ભારતમાં તેની લગભગ 77 જેટલી જાતિઓ નોંધાઈ છે. તેની કેટલીક જાણીતી જાતિઓ આ પ્રમાણે છે : Berberis angulosa, B. aristata, B. coriaria, B. insignis, B. lycioides, B. lycium અને B. umbellata.

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ