દારિયો, રુબેન (જ. 18 જાન્યુઆરી 1867, મેટાપા, નિકારાગુઆ; અ. 6 ફેબ્રુઆરી 1916) : લૅટિન-અમેરિકન કવિ. મૂળ નામ ફેલિક્સ રુબેન ગાર્શિયા સર્મીન્ટો. કિશોરવયમાં તેમણે કવિતા રચવાનું શરૂ કરેલું. 16 વર્ષની વયે સમસ્ત મધ્ય અમેરિકામાં તેમની કવિ તરીકે ખ્યાતિ પ્રસરી ચૂકી હતી. આ કવિનું શૈશવ વ્યથામાં વ્યતીત થયેલું. બે વાર લગ્નગ્રંથિથી જોડાયેલા દારિયોના અંગત જીવનમાં સ્ત્રી-સમાગમની લાલસા અને શરાબનો શોખ એ બે બાબતો મુખ્ય રહી. તે દક્ષિણ અમેરિકામાં ખૂબ ફર્યા. સાંસ્કૃતિક એલચી અને રાજકારણી તરીકે ઓગણીસમી સદીના છેલ્લા દસકામાં તે યુરોપમાં રહ્યા. પૅરિસ અને મૅડ્રિડના અગ્રણીઓના સંપર્કમાં આવેલા. તેમણે સાહિત્યમાં આધુનિકતાવાદનાં બીજ રોપ્યાં. ’મોડનીસ્મો’ તરીકે ઓળખાયેલી આ નવી સાહિત્યપ્રણાલી ‘કલા ખાતર કલા’ના સિદ્ધાંતને વરેલી હતી. સર્વાન્તિસ અને ગૉંગોરા ય આર્ગોત ઉપરાંત બીકર અને અન્ય કૌતુકપ્રિય અને ફ્રેન્ચ પાર્નેશિયન અને પ્રતીકવાદી કવિઓનો તેમણે ઊંડો અભ્યાસ કર્યો. તેમની કવિતા ઉપર આ બધાંના પડેલા પ્રભાવનો તેમણે સ્વીકાર કર્યો છે. કાવ્યરચનાના કસબ ઉપર તેમની હથોટી મૌલિક છે. કાવ્યસર્જનની અટપટી પ્રક્રિયા અને તેમાં નવું નવું કરવાની યુક્તિની તેમને પાકી સમજ હતી. સંગીત અને શબ્દ વચ્ચેના સંપૂર્ણ સંવાદની ક્ષતિરહિત મુલવણી તેઓ કરી શકતા.
ચિલીમાં તેમની કાવ્યરચનાઓ ’અઝુલ’ (બ્લૂ, 1888) પ્રસિદ્ધ થઈ અને તે દ્વારા હિસ્પેનિક કવિતા વિશ્વકવિતાના ફલક ઉપર મુકાઈ. આર્જેન્ટિનામાં તેમણે ‘લા નાસિર્યાં’ સામયિક માટે લખ્યું અને 1896માં ‘લૉ રેરો’ (‘ધ રૅર વન્સ’) અને ‘પ્રોઝા પ્રોફેના’, (‘પ્રોફેન હિમ્સ’) પ્રસિદ્ધ કર્યાં. આ કાવ્યોનો વિવેચકોએ આધુનિકતાવાદના મૂલ્યાંકન માટે ખાસ ઉલ્લેખ કર્યો. 1898 પછી મુખ્યત્વે તેમણે યુરોપમાં કાર્ય કર્યું, જ્યાં તેમના કાવ્યગ્રંથો ‘સૉંગ્ઝ ઑવ્ લાઇફ ઍન્ડ હોપ’ (1905), ‘ધ રૅમ્બલિંગ સાગ’ (1907), ‘ઑટમ પોયમ’ (1910) અને ‘સાગ ટુ આર્જેન્તિના’ (1914) દ્વારા તેમને ઉત્તમ પ્રસિદ્ધિ મળી.
કવિની જાણીતી કાવ્યકૃતિ ‘ધ સ્વૉન’ આધુનિક કાવ્યપ્રણાલીની પ્રતિનિધિ કૃતિ મનાય છે. ‘સ્વૉન’ને નવી કવિતાની સંવેદનાના પ્રતીક તરીકે કલ્પવામાં આવ્યું છે.
નવી કવિતામાં નૉર્ડિક માઇથૉલૉજી તરફનું આકર્ષણ જોવા મળે છે. હંસને પ્રતીક તરીકે પસંદ કરવાનું કારણ એ પણ છે કે ગ્રીસના દેવ ઝ્યૂસે દેવી લીડા ઉપર હંસના સ્વરૂપમાં બળાત્કાર કરેલો; હંસ શ્વેત રંગનું પક્ષી છે, સુંદર છે, એકલતામાં નિમગ્ન રહે છે, અને તેની ડોકનો આકાર પ્રશ્નાર્થ-ચિહન જેવો છે. દારિયોની કવિતાને છાયાવાદી ચિત્રકલા સાથે સરખાવવામાં આવે છે. ખ્રિસ્તી ધર્મના અનુયાયી, પણ તેમાં તેમને ઊંડી શ્રદ્ધા નહિ તેવા બુદ્ધિવાદી કવિ, દારિયોની મહત્વની ગદ્યકૃતિઓ ‘ધ સ્ટ્રેન્જ વન્સ’ (1896) અને ‘સની લૅડ્ઝ’ (1904) ગણી શકાય. દૈનિકો અને સામયિકોમાં પ્રગટ થયેલ સાહિત્યિક નિબંધો તેમના વ્યક્તિત્વનું તેજસ્વી પ્રતિબિંબ પાડે છે.
દારિયોના સમયના સ્પૅનિશ-અમેરિકન કવિઓ નવી કાવ્યપ્રણાલીના પ્રયોગ કરતા રહ્યા. તે સૌને એકબીજાની પ્રવૃત્તિ, સંવેદના અને પ્રયોગશીલતાની જાણકારી હતી જ. દારિયો સહિત આ નવીનો રાષ્ટ્રવાદી નહિ પણ આંતરરાષ્ટ્રીય ચેતનાને પામવા મથતા કવિઓ હતા. આ વિભાવના એ તેમનું સાહિત્યમાં પ્રદાન હતું.
કવિ તરીકે દારિયો જનતાને હંમેશ આકર્ષતા રહ્યા હતા. સાહિત્યકાર તરીકે તેમનું ઐતિહાસિક મહત્વ છે. 1916માં દારૂના અતિશય સેવનને કારણે થયેલ ન્યુમોનિયાથી તેમનું મૃત્યુ થયું.
પંકજ જ. સોની