દારા (Indian tassel fish)

March, 2016

દારા (Indian tassel fish) : ગુજરાત અને મહારાષ્ટ્રના દરિયાકિનારે મળતી એક અગત્યની માછલી. આ અસ્થિયુક્ત માછલીનો સમાવેશ પૉલિનેમિડે કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ Polynemus indicus. આ કુળની માછલીઓના સ્કંધમીન પક્ષનો આગળનો ભાગ તંતુમય હોય છે. દારામાં આ તંતુઓ લાંબા અને ગુદામીનપક્ષ સુધી પ્રસરેલા હોય છે. તેથી દારા માછલી ‘giant thread fin’ના નામે પણ ઓળખાય છે. શરીર ચપટું, સોનલ રંગનું  ચળકાટવાળું હોય છે. બે પૃષ્ઠમીન પક્ષો; ગુદામીન પક્ષના છેડા લાંબા તંતુમય; શરીરની લંબાઈ એક મીટર જેટલી; કિનારાથી અપતટ (offshore) વિસ્તારના મધ્યભાગમાં 5થી 15 મીટર તળિયાની સહેજ ઉપર તે જોવા મળે છે. આ જ વિસ્તારમાં ઘોલ (Jew fish) નામની માછલી પણ વાસ કરતી હોય છે. આ બન્ને માછલીઓ સાથે પકડાતી હોવાથી તેને પકડવાની પ્રવૃત્તિને ઘોલ-દારા મચ્છીમારી તરીકે ઓળખે છે. આ માછલીઓ સામાન્યપણે ઝાલરજાળ વડે પકડાય છે. જોકે તે ટ્રૉલ-જાળ અને ડોળ જાળમાં પણ ફસાય છે.

કદમાં આ માછલીઓ મોટી હોવાથી શરીરને ચીરી તેની અંદર મીઠું ભરવામાં આવે છે. અથવા તેના શરીરના લાંબા લંબ-ચોરસ ટુકડા (fillets) કરવામાં આવે છે. સામાન્યપણે શીતગૃહોમાં તેમને સાચવવામાં આવે છે. અતિશીતપ્રક્રિયા વડે સાચવવાથી તેનું માંસ મહિનાઓ સુધી તાજું રહે છે.

ગુજરાતમાં તે કચ્છના અખાતમાં તેમજ દક્ષિણ ગુજરાતના દરિયા-વિસ્તારમાં સવિશેષ મળે છે. ગુજરાતમાં 10,000 ટન જેટલી ઘોલ-દારા માછલી પકડાય છે. જાન્યુઆરીથી મે મહિના દરમિયાન આ માછલી પકડવામાં આવે છે. અરબી સમુદ્રના અન્ય વિસ્તારમાં પણ તે ઘણી જગ્યાએ ઓછા-વત્તા પ્રમાણમાં જોવા મળે છે. જૂજ પ્રમાણમાં તેની મચ્છીમારી આંધ્રપ્રદેશ અને તમિળનાડુમાં પણ થાય છે.

મ. શિ. દૂબળે