દાબવિદ્યુત અસર (piezoelectric effect) : યાંત્રિક દબાણની અસર નીચે અવાહક સ્ફટિકમાં, દબાણની દિશાને લંબ રૂપે, તેની એક બાજુ પર ધન વિદ્યુતભાર અને વિરુદ્ધ બાજુ પર ઋણ વિદ્યુતભાર ઉત્પન્ન થવાની ઘટના. 1880માં પીએર અને પાઉલ ઝાક ક્યુરીએ સૌપ્રથમ આ ઘટનાની શોધ કરી હતી. તેમના પ્રયોગ દરમિયાન, ક્વૉટર્ઝ, ટૂર્મેલિન અને રોશેલસૉલ્ટ જેવા અમુક પ્રકારના સ્ફટિકોનું ચોક્કસ અક્ષની દિશામાં સંપીડન (compression) કરતાં, સ્ફટિકની સપાટી પર વોલ્ટતા (voltage) ઉદભવી. વિદ્યુતીય રીતે તટસ્થ અને સંરચનાત્મક સમમિતિ (structural symmetry) ધરાવતા સ્ફટિકને યાંત્રિક દબાણ લાગુ પાડતાં, સ્ફટિકમાં ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભારનાં કેન્દ્ર, જે દબાણની અસર અગાઉ એકબીજા પર સંપાત થયેલાં હતાં, તે હવે એકબીજાથી સહેજ છૂટાં પડે છે અર્થાત્ વિદ્યુતભારની ર્દષ્ટિએ સ્ફટિક ધ્રુવીભૂત (polarized) થાય છે. પરિણામે સ્ફટિકની વિરુદ્ધ બાજુઓ પર અસમાન વિદ્યુતભાર જમા થાય છે અને સ્ફટિકમાં પરિણામી વિદ્યુતક્ષેત્ર ઉદભવે છે, જે યોગ્ય પ્રકારના વોલ્ટમીટર વડે વિદ્યુતવિભવના સ્વરૂપમાં માપી શકાય છે. તેનાથી ઊલટું, જો આવા સ્ફટિકને વિદ્યુતક્ષેત્ર લગાડવામાં આવે તો તેમાં યાંત્રિક વિરૂપણ (mechanical deformation) ઉદભવે છે. આ અસરને પ્રતિદાબ વિદ્યુત અસર (reverse piezoelectric effect) કહે છે. વિદ્યુતક્ષેત્રની દિશા ઉલટાવતાં યાંત્રિક વિરૂપણની દિશા ઊલટાઈ જાય છે. પ્રત્યાવર્તી વિદ્યુતક્ષેત્ર (alternating electric field) લાગુ પાડતાં, સ્ફટિકમાં પ્રત્યાવર્તી વિદ્યુતક્ષેત્રની આવૃત્તિ જેટલી જ આવૃત્તિવાળાં પ્રત્યાવર્તી યાંત્રિક દોલનો ઉદભવે છે. ક્વૉટર્ઝ સ્ફટિકના પાતળા ચોસલા વડે ઉચ્ચ આવૃત્તિવાળા પ્રત્યાવર્તી વિદ્યુતસંકેત(electric signal)નું તે જ આવૃત્તિવાળા પરાશ્રાવ્ય તરંગ(ultrasonic wave)માં રૂપાંતર કરી શકાય છે, જેનો ઉપયોગ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન સબમરીન સંસૂચક (detector) સોનારમાં કરવામાં આવ્યો હતો. પછીનાં વર્ષોમાં દાબવિદ્યુત સ્ફટિકનો બહોળો ઉપયોગ રેડિયો-સંદેશાવ્યવહારમાં આવૃત્તિનિયામક રચના તરીકે કરવામાં આવ્યો. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આકાશમાંથી ફેંકવામાં આવતા બૉમ્બમાં ધડાકો કરવાના સાધન (detonator) તરીકે દાબવિદ્યુત સ્ફટિકનો ઉપયોગ કરવામાં આવ્યો. ત્યારપછી ધીરે ધીરે દાબવિદ્યુત અસરનો ઉપયોગ ઘડિયાળ, સિગારેટ-લાઇટર વગેરે ઇલેક્ટ્રૉનિક સાધનોમાં થયો. સ્ફટિકને લાગુ પાડેલા યાંત્રિક તરંગ; દા. ત., અનુરૂપ વિદ્યુતતરંગમાં ધ્વનિતરંગનું રૂપાંતર કરી તેનો ઉપયોગ ફોનોગ્રાફ, માઇક્રોફોન વગેરે ઉપકરણોમાં કરવામાં આવે છે.
રોશેલ-સૉલ્ટ સ્ફટિક તીવ્ર દાબવિદ્યુત અસર ધરાવે છે; પરંતુ તેમાં દાબવિદ્યુત અસરની તીવ્રતા તાપમાનના ફેરફાર સાથે બદલાતી હોવાથી, તેનો ઉપયોગ રેડિયો-સંદેશાવ્યવહારનાં ઉપકરણોમાં કરી શકાતો નથી. રેડિયો-સંદેશાવ્યવહાર માટેનાં ઉપકરણોમાં તાપમાનનો ફેરફાર સહન કરી શકે તેવા ઓછી તીવ્ર દાબવિદ્યુતઅસર ધરાવતા ક્વૉર્ટ્ઝ સ્ફટિકનો ઉપયોગ થાય છે. 1940 પછી સિરામિક પદાર્થ બેરિયમ ટીટાનેટનો, ઉચ્ચ-ક્ષમતા ધરાવતાં દાબ-વિદ્યુત અસર આધારિત ઉપકરણોમાં ઉપયોગ થવા લાગ્યો છે, જે તીવ્ર વિદ્યુતક્ષેત્રમાં ઉચ્ચ તાપમાને તીવ્ર દાબવિદ્યુત અસર દર્શાવે છે. હેન્કલ અને ક્યુરીએ આ ક્ષેત્રમાં અભ્યાસ કરેલો અને તે અંગેની સૈદ્ધાંતિક ચર્ચા લૉર્ડ કૅલ્વિને કરેલી.
રશ્મિ ન. દવે
વ્રિજવિહારી દીનાનાથ દવે