દાડમની જીવાત : મહત્વના દાડમના પાકને ભારતમાં આશરે 45 જાતિના કીટકોથી નુકસાન થાય છે. આ પાકમાં ઝાડના બીજા ભાગો કરતાં ફળમાં આવી જીવાતોથી વધારે નુક્સાન થાય છે. ફળને નુકસાન કરતું દાડમનું પતંગિયું અગત્યની જીવાત ગણાય છે. દાડમના પતંગિયાનો રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના લાયકેનિડી કુળમાં સમાવેશ થયેલ છે. પતંગિયું મધ્યમ કદનું, ભૂખરા જાંબુડિયા રંગનું અને પાંખો સાથે લગભગ 50 મિમી. પહોળું દેખાય છે. માદા પતંગિયાની આગળની પાંખો ઉપર નારંગી રંગના ડાઘા હોય છે. માદા પતંગિયું ચળકતા સફેદ રંગનાં છૂટાંછવાયાં ઈંડાં, ફળો ઉપર કે કળીઓ ઉપર મૂકે છે. એક અઠવાડિયામાં ઈંડાંમાંથી ઇયળ બહાર આવી નાના ફળમાં કાણું પાડી તેની અંદર દાખલ થાય છે અને તેના દાણા ખાય છે. પરિણામે આવાં ફળ બરાબર વિકસતાં નથી અને સડવા લાગે છે. ઉપદ્રવ વધારે હોય તો 40 %થી 90 % જેટલાં ફળ બગડે છે. પુખ્ત ઇયળ ટૂંકી, મજબૂત, 18 મિમી. લાંબી અને રંગે કાળાશ પડતી બદામી અને ડાઘાવાળી તેમજ રૂછાંવાળી હોય છે. ફળની અંદર જ ઇયળ લગભગ 3 અઠવાડિયાંમાં પુખ્ત બની અને ઘણું કરીને ફળની અંદર રૂપાંતરણથી કોશેટામાં ફેરવાય છે. કોઈક વખત ફળ ઉપરાંત તેના ડીંટા ઉપર પણ કોશેટા દેખાય છે. આ અવસ્થા લગભગ 3 અઠવાડિયાંમાં પૂર્ણ થતાં તેમાંથી પતંગિયું બહાર આવે છે. ઉપદ્રવ ઘટાડવા માટે નુકસાન પામેલ ફળો તોડીને ઇયળો સહિત તેનો નાશ કરવો પડે છે. ફળ ઉપર કાગળ કે કપડાની કોથળી ચઢાવી દેવાય છે. વધુ ઉપદ્રવ વખતે ફૉસ્ફામિડોન 0.03 % પ્રવાહી મિશ્રણના છંટકાવ કરવાથી સારું નિયંત્રણ મેળવી શકાય છે.
નુકસાન કરતી અન્ય જીવાતમાં થડ અને ડાળીની છાલ કોરી ખાનાર ઇયળનો સમાવેશ થાય છે. ઉપરાંત મૂળમાં ઊધઈથી; પાન પર મોલો, સફેદ માખી, ભીંગડાવાળી જીવાત, થ્રીપ્સ અને પાન ખાનાર ઇયળોથી; જ્યારે ફળને ચૂસિયાં, ફળ કોરી ખાનાર ઇયળો, ફૂદાં અને ફળમાખીથી નુકસાન થાય છે.
પરબતભાઈ ખી. બોરડ
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ