દહન-ઉષ્મા : કોઈ એક દબાણે પદાર્થના એક મોલ જથ્થાનું વધુપડતા ઑક્સિજનમાં પૂર્ણ દહન થવાથી ઉત્પન્ન થતી ઉષ્મા (સં., ΔH). જો આ દહન 25° સે. અને 1 વાતા. દબાણે થાય તો દહન-ઉષ્માને પ્રમાણભૂત દહન-ઉષ્મા કહેવામાં આવે છે અને તેને ΔH°298 એ રીતે દર્શાવવામાં આવે છે. દહનના ફળસ્વરૂપે પદાર્થ જે તત્વોનો બનેલો હોય તે પ્રમાણે તેમના ઑક્સાઇડ ઉત્પન્ન થાય છે; દા. ત., કાર્બનનું દહન થાય તો કાર્બન ડાયૉક્સાઇડ અને હાઇડ્રોજનનું દહન થાય તો પાણી ઉત્પન્ન થાય છે. આવા દહન દરમિયાન ગરમી બહાર ફેંકાતી હોવાથી ΔH ઋણ કિંમત ધરાવે છે.
C(s) + O2(g) = CO2(g) ΔH°298 = –94.05 કિ.કૅલરી
H2(g) + ½ O2(g) = H2O(g) ΔH°298 = –57.796 કિ.કૅલરી
H2(g) + ½ O2(g) = H2O(l) ΔH°298 = –68.315 કિ.કૅલરી
ગ્લુકોઝ જેવા પદાર્થો શરીરને ઊર્જા પૂરી પાડે છે જ્યારે પેટ્રોલ, કુદરતી ગૅસ વગેરે ઇંધનો તરીકે વપરાય છે. આથી આવા કાર્બનિક પદાર્થોનું ઇંધન મૂલ્ય (fuel value) કે ઉષ્મીય મૂલ્ય (calorific value) જાણવું અને જાળવી રાખવું જરૂરી હોય છે. પદાર્થના ચોક્કસ વજનનું બૉમ્બ કૅલરીમિટર જેવા સાધનમાં દહન કરી તાપમાનમાં થતો વધારો માપીને આ મૂલ્ય જાણી શકાય છે. તેને જૂલ, કૅલરી અથવા બ્રિટિશ થર્મલ એકમ(Btu)માં દર્શાવવામાં આવે છે.
પદાર્થોની દહન-ઉષ્માનો ઉપયોગ કરી અન્ય પદાર્થોની રચના-ઉષ્મા અથવા પ્રક્રિયા-ઉષ્માની ગણતરી કરી શકાય છે. તત્વોનાં વિવિધ રૂપો (allotropes) વચ્ચે ઊર્જાનો તફાવત પણ દહન-ઉષ્મા ઉપરથી ગણી શકાય છે; જેમ કે, કાર્બનનાં બે સ્ફટિક રૂપો – હીરો અને ગ્રૅફાઇટ-ની દહનઉષ્મા નીચે પ્રમાણે છે :
Cgr + O2 = CO2 ΔH°298 = –94.05 કિ.કૅલરી
Cdia + O2 = CO2 ΔH°298 = –94.50 કિ.કૅલરી
સમીકરણો દર્શાવે છે કે ગ્રૅફાઇટ કરતાં હીરો 450 કૅલરી જેટલી ઉષ્મા વધુ ધરાવે છે :
Cgr + 450 કૅલરી = Cdia
ગ્રૅફાઇટનું હીરામાં રૂપાંતર એ ઉષ્માશોષક ઘટના છે, જેમાં 450 કૅલરી/મોલ જેટલી ઉષ્મા શોષાય છે.
જ. દા. તલાટી