દવે, હરીન્દ્ર જયંતીલાલ (જ. 19 સપ્ટેમ્બર 1930, ખંભરા, કચ્છ; અ. 29 માર્ચ 1995, મુંબઈ) : ગુજરાતના અગ્રણી કવિ અને નવલકથાકાર. માતા સવિતાબહેન. ભાવનગરથી 1947માં મૅટ્રિક, મુંબઈ યુનિવર્સિટીમાંથી ગુજરાતી વિષય સાથે બી.એ. (1951) અને એમ.એ. (1961). દરમિયાન, 1951થી 1962 ‘જનશક્તિ’ના ઉપતંત્રી. 1962થી 1968 ‘સમર્પણ’ના સંપાદક. 1968થી 1973 યુસિસ(મુંબઈ)માં ગુજરાતી વિભાગના તંત્રી. 1973માં ‘જનશક્તિ’ના તંત્રી અને 1979થી અવસાન પર્યંત ‘જન્મભૂમિ-પ્રવાસી’ના મુખ્ય તંત્રી.
સાહિત્યસેવા માટે 1977માં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક (‘હયાતી’ માટે) અને 1982નો રણજિતરામ સુવર્ણચંદ્રક; પત્રકાર તરીકેની સેવા માટે, 1990નો મહારાષ્ટ્ર ગૌરવ ઍવૉર્ડ અને 1991માં બી.ડી. ગોએંકા ઍવૉર્ડ ફૉર એક્સલન્સ ઇન જર્નાલિઝમ(1990) પ્રાપ્ત થયા.
1946માં (16 વર્ષની વયે) ‘માનસી’માં પહેલું કાવ્ય પ્રકાશિત થયું ત્યારથી સતત ચાલેલી એમની કાવ્યસાધનાના પરિણામ રૂપે એમણે ‘આસવ’ (1961) અને ‘સમય’ (1972) એ બે ગઝલસંગ્રહો; ‘મૌન’ (1966) ગીતસંગ્રહ; ‘અર્પણ’ (1972) મુક્તકસંગ્રહ અને ‘સૂર્યોપનિષદ’ (1975) અછાંદસ કાવ્યોનો સંગ્રહ આપ્યા છે. 1976માં, ત્યાં સુધીનાં એમનાં કાવ્યોમાંથી, સુરેશ દલાલે ‘હયાતી’ નામે સંગ્રહ સંપાદિત કર્યો.
કવિ તરીકે એમની મુદ્રા પ્રેમની મસ્તી અને વેદનાને ગૂંથતી રંગદર્શી પણ માર્મિક અને સાફ-સુઘડ ગઝલોથી તથા રાધા-કૃષ્ણને પાત્રો બનાવતાં ગોપશૈલીનાં તેમજ અન્ય પ્રેમ-પ્રકૃતિ-સંવેદનને આલેખતાં લયમધુર ગીતોથી બંધાયેલી છે. ‘રજકણ સૂરજ થવાને શમણે’, ‘કાનુડાને બાંધ્યો છે’, ‘ફૂલ કહે ભમરાને…’, ’ના, મેળે નહિ આવું…’, ‘પાન લીલું જોયું…’ વગેરે એમનાં સ્વરબદ્ધ થવાથી વધુ જાણીતાં થયેલાં કાવ્યમર્મસભર ગીતો છે. ‘સૂર્યોપનિષદ’માંનાં અછાંદસ કાવ્યોમાં માનુષી વ્યથા-વિટંબણાનાં સંવેદનોનું આધુનિક સંદર્ભોમાં આલેખન થયું છે, પણ ભારતીય કવિનો આસ્થાળુ અવાજ એમાં ઉપર તરી આવે છે. એમની દરેક સ્વરૂપની કવિતામાં, મૃત્યુનું એક લાક્ષણિક સંવેદન પણ આલેખન પામતું રહ્યું છે.
‘અગનપંખી’(1962)થી એમનું નવલકથાલેખન આરંભાયું. બીજી નવલકથા ‘પળનાં પ્રતિબિંબ’ (1966) પ્રયોગશીલ હોવાથી તેમજ પ્રેમની સંવેદનાનાં ઘનીભૂત ચિત્રો આપતી હોવાથી ધ્યાનપાત્ર બનેલી. વિવેચકોએ એમાં અસ્તિત્વવાદની દાર્શનિક પીઠિકા પણ જોયેલી. ‘અનાગત’ (1968) રચનાની ર્દષ્ટિએ નોંધપાત્ર નીવડેલી લઘુકદ નવલકથા છે. ખોવાના અનુભવને તથા માનવસંબંધોને નિમિત્તે માનવઅસ્તિત્વને સમજવાની ભૂમિકાને એ આલેખે છે. એમની ખૂબ જાણીતી થયેલી નવલકથા ‘માધવ ક્યાંય નથી’ (1970) નારદની માધવદર્શનની ખોજને આલેખે છે. પુરાકથાનકનો વિનિયોગ કરીને લેખકે કૃષ્ણના પાત્રસંદર્ભે આધુનિક યુગની છિન્નતા અને સ્વાર્થાંધતાનું નિરૂપણ પણ કર્યું છે. કૃષ્ણને સ-દેહે ન પામી શકતા નારદને એમનો વધુ સઘન આંતરપરિચય થાય છે. વિવિધ પાત્રોને સંદર્ભે માનવની સુખની શોધની કથા કહેતી ‘સુખ નામનો પ્રદેશ’ (1966), સાધુ-સંતોના આંતર-જીવનના પ્રશ્નોને આલેખતી ‘સંગ-અસંગ’ (1979) અને સમસ્યાકથન તરફ જતી ‘લોહીનો રંગ લાલ’ (1981) જેવી મધ્યમશક્તિની નવલકથાઓ પછી સામ્પ્રત રાજકારણને કટાક્ષ-લક્ષ્ય કરતી, લેખકની સામાજિક પ્રતિબદ્ધતાને વિલક્ષણ રીતે આલેખતી બીજી જાણીતી નવલકથા ‘ગાંધીની કાવડ’ (1984) એમની પાસેથી મળે છે. આ ઉપરાંત ‘મુખવટો’ (1985) ‘વસિયત’ (1987), ‘નંદિતા’ (1987) જેવી લોકપ્રિય કોટિની નવલકથાઓ પણ એમણે લખી છે. ‘યુગે યુગે’ (1969) તથા ‘સન્ધ્યાકાળે પ્રભાતફેરી’ (1987) નામનાં બે નાટકો પણ એમણે આપ્યાં છે.
હરીન્દ્ર દવેની પત્રકાર તરીકેની કારકિર્દીએ એમની પાસેથી સતતપણે નિબંધાત્મક લખાણો પણ અપાવ્યાં છે. અલબત્ત, એમાં એમની ચિંતનશીલતાનો તેમજ સાહિત્ય-અભિમુખતાનો ફાળો પણ છે જ. ‘નીરવ સંવાદ’(1980)માં વિવિધ સામયિકોમાં પ્રકાશિત ચિંતનવિષયક તેમજ કેટલાક સાહિત્યકારોવિષયક લેખો છે; ‘વેરાતું સ્વપ્ન, ઘૂંટાતું સત્ય’- (1981)માં વર્તમાનપત્રી લેખો છે.
‘ઈશ્વરની આંખમાં આંસુ’ (1985), ‘શબ્દ ભીતર સુધી’ (1987), ‘ઘીના દીવાનો ઉજાસ’ (1988), ‘ધર્મસભા’ (1989) અને ‘ભીતર ઝળાંહળાં’ (1990) એ સંગ્રહોમાં ધર્મ, ઈશ્વર, મૃત્યુ, જીવન-સંદર્ભ આદિ વિષયક નાનામોટા લેખો-નિબંધો છે જે સામયિકો ઉપરાંત મહદંશે તો વર્તમાનપત્રોમાં પૂર્વપ્રકાશિત થયેલા છે. પત્રકારત્વમાં પ્રસરેલાં આ લખાણોને મુકાબલે ‘કૃષ્ણ અને માનવસંબંધો’-(1982)માંનું એમનું ચિંતન વિચારણીય અને સઘન જણાય છે. કવિતામાં ને નવલકથામાં પણ એમના ચિત્તનો કબજો લઈ બેઠેલું કૃષ્ણનું પાત્ર અહીં, નિબંધાત્મક ગદ્યની મોકળાશમાં વધુ મુખર છતાં સુચિંતિત રૂપે એમના વિશિષ્ટ ર્દષ્ટિકોણને પ્રગટ કરે છે. આ કારણે પણ એમનું આ પુસ્તક વિશેષ જાણીતું બનેલું છે. છેલ્લે છેલ્લે ‘કથા રામની, વ્યથા માનવની’ એ નામે શરૂ કરેલી લેખમાળામાં એમણે વાલ્મીકિ રામાયણનો, વ્યાપક રુચિને પોષતો, અભ્યાસ આપવા ધારેલું.
વિવેચનના ક્ષેત્રમાં એમની મુખ્ય ભૂમિકા મધુદર્શી, પ્રાસાદિક, વિચારશીલ આસ્વાદકની છે. ‘કવિ અને કવિતા’ (1971) તથા ‘કાવ્યસંગ’ એ બે સંગ્રહો ગુજરાતી ને અન્યભાષી કાવ્યોના આસ્વાદોના છે. ‘વિવેચનની ક્ષણો’ (1987) તથા ‘કથાથી કવિતા સુધી’ (1989) એ બે લેખસંગ્રહોમાં વૈવિધ્ય ને વ્યાપકતા છે. છતાં એમની મુખ્ય મુદ્રા એમાં આસ્વાદકની જણાશે. આ ઉપરાંત, ‘મુશાયરાની કથા’ (1959), ‘દયારામ’ (1965), ‘ગાલિબ’ (1969), ‘સ્વામિનારાયણ સંપ્રદાય’ (1972) એ પરિચયપુસ્તિકાઓનો તેમજ ગુજરાતી ગ્રંથકાર શ્રેણીમાં લખેલા ‘ઉમાશંકર જોશી’ (1986) લઘુગ્રંથનો પણ એમનાં વિવેચનોમાં સમાવેશ થાય છે.
‘મધુવન’ (1962) નામે, ગુજરાતી ગઝલોનું એમનું સંપાદન વધુ જાણીતું છે. એ ઉપરાંત અન્યોના સહયોગે એમણે ‘કવિતા 57–58–59’ (1967), ‘મડિયાનું મનોરાજ્ય’ (1970) તથા ‘શબ્દલોક’ (1972) એ સંપાદનગ્રંથો પણ કર્યા છે.
એમણે કેટલીક નવલકથાઓના અંગ્રેજીમાંથી ગુજરાતીમાં અનુવાદ કર્યા છે : ‘ધરતીનાં છોરુ’, ‘પિંજરનું પંખી’, ‘ચરણ રુકે ત્યાં’, ‘વાદળ વરસ્યાં નહિ’, એલિયટના ‘વેસ્ટ લૅન્ડ’નો ‘મરુભૂમિ’ નામે તથા ‘ડેવિડ વૅગ્નર’ (1965) વિશેની એક પુસ્તિકાના પણ ગુજરાતી અનુવાદ એમણે કરેલા. ‘કપ ઑવ્ લવ’ (1961) નામે, સ્વામિનારાયણી કવિઓનાં કાવ્યોનો અંગ્રેજી અનુવાદ પણ એમણે આપ્યો છે.
રમણ સોની