દરિયાદાસ (જ. 1734, ધરકંધાનગર, જિ. શાહબાદ, બિહાર; અ. 1780, ધરકંધા) : નિર્ગુણોપાસક હિંદી સંતકવિ. એમનો જન્મ પૃથુદેવસિંહ નામના દરજીના કુટુંબમાં થયો હતો. નવમા વર્ષે તેમનાં લગ્ન થયાં, પરંતુ તેઓ વિરક્ત થઈ સાધુઓ, સંતો સાથે ફરવા લાગ્યા. દરિયાદાસ મુસલમાન હતા, એવો કેટલાક અભ્યાસીઓનો મત છે; છતાં દરિયાદાસના શિષ્યો તેમને હિંદુ માને છે. તેમને કબીરનો અવતાર માનવામાં આવે છે. તેમણે ધરકંધામાં દરિયાદાસી સંપ્રદાય સ્થાપ્યો. આ પંથ કબીરપંથને મળતો આવે છે. પોતાના પંથનો પ્રચાર કરવા દરિયાદાસે ઉત્તર ભારતમાં અનેક સ્થળોનો પ્રવાસ કર્યો. આ પ્રવાસ દરમિયાન તેઓ બંગાળ ગયા ત્યારે ત્યાંના નવાબે તેમના વિચારોથી પ્રભાવિત થઈને દરિયાદાસને એકસો એક વીઘા જમીન દાનમાં આપી. અનેક રાજા તથા જાગીરદારો તેમના શિષ્ય હતા.
કબીરની જેમ તેમણે મૂર્તિપૂજા, તીર્થયાત્રા, જ્ઞાતિભેદ, કર્મકાંડ વગેરેનો વિરોધ કર્યો. તેમણે વીસ ગ્રંથો લખ્યા તેમાં એક સંસ્કૃતમાં, એક ફારસીમાં અને બાકીના હિંદીમાં છે. તેમના ગ્રંથોમાં ‘અગ્રજ્ઞાન’, ‘અમરસાર’, ‘ભક્તિહેતુ’, ‘બ્રહ્મવિવેક’, ‘દરિયાસાગર’, ‘ગણેશગોષ્ઠી’, ‘જ્ઞાનદીપક’, ‘જ્ઞાનમૂલ’ વગેરેનો સમાવેશ થાય છે. આ સંપ્રદાયની મુખ્ય ગાદી ધરકંધામાં છે. તેના અન્ય મઠ તેલપા, વંશી મિર્જાપુર(સારન જિલ્લો) અને મનુવાં ચોકી(મુઝફ્ફર જિલ્લો)માં આવેલા છે. આ સંપ્રદાયની પ્રાર્થનાપદ્ધતિ મુસલમાનોની નમાજ જેવી છે. તેમાં હિંદુ અને મુસલમાનો સહિત સર્વને પ્રવેશ મળે છે. આ સંપ્રદાયમાં સાધુ અને ગૃહસ્થ એવા બે વિભાગ છે. ગૃહસ્થ ટોપી પહેરે છે અને સાધુ ઉઘાડું માથું રાખે છે. સાધુઓ માટીનો હુક્કો અને પાણી પીવાનું પાત્ર રાખે છે તથા ‘સતનામ’ શબ્દ બોલે છે. કબીરપંથની માફક આ પંથમાં કર્મકાંડ તથા મૂર્તિપૂજાનો વિરોધ કરવામાં આવ્યો છે.
પ્રવીણચંદ્ર પરીખ