થૉમ્પસન, સર બેન્જામિન ગ્રાફ (કાઉન્ટ) વૉન રૂમફર્ડ (જ. 26 માર્ચ 1753, વૉબર્ન, મૅસેચૂસેટ્સ; અ. 21 ઑગસ્ટ 1814, ઓતિ, ફ્રાન્સ) : યુનાઇટેડ સ્ટેટ્સમાં જન્મેલ બ્રિટિશ ભૌતિકશાસ્ત્રી, સરકારી વહીવટદાર અને લંડનની ’રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટનના સ્થાપક. ઉષ્મા અંગેનાં તેમનાં સંશોધનોએ, ઉષ્મા પદાર્થનું એક પ્રવાહી સ્વરૂપ છે તેવા વાદને ખોટો ઠરાવ્યો; અને ઉષ્મા એ ગતિનું એક સ્વરૂપ છે તેવા આધુનિક વાદને સૌપ્રથમ સ્થાપ્યો.
1772માં સરાહ વૉકર નામની ધનાઢ્ય વિધવા સાથે તેમણે લગ્ન કર્યું અને ન્યૂ હૅમ્પશાયરમાં આવેલા રૂમફર્ડ(હાલ કોનકૉર્ડ)માં વસવાટ કર્યો. અમેરિકન ક્રાંતિવિગ્રહ ફાટી નીકળતાં, બ્રિટિશ સરકારના એક વફાદાર સેવક તરીકે જાસૂસીની કામગીરી કરી; પરંતુ તે કામગીરી દરમિયાન 1776માં પોતાની પત્ની તેમજ પુત્રીને છોડીને લંડન નાસી જવાની ફરજ પડી. લંડનમાં થોડાક સમય માટે ક્લાર્ક અને પછીથી અન્ડર સેક્રેટરી ઑવ્ સ્ટેટ તરીકે કામ કર્યું. ત્યારબાદ ન્યૂયૉર્કમાં બ્રિટિશ રેજિમેન્ટના લેફ્ટનન્ટ કર્નલ તરીકે સેવા આપી અને વિગ્રહના અંતે નિવૃત્ત થઈ ક્ષેત્ર-સંન્યાસ લીધો.
1784માં રાજા જ્યૉર્જ ત્રીજાએ તેમને ‘નાઇટહૂડ’ના ખિતાબથી સન્માનિત કરી ‘સર’ બનાવ્યા. ત્યારબાદ થૉમ્પસને બવેરિયન સિવિલ સર્વિસમાં જોડાવા માટે સરકારની પરવાનગી મેળવી અને બવેરિયાના પોલીસ અને વિગ્રહ મંત્રી તથા ઇલેક્ટરના ગ્રાન્ડ ચેમ્બરલિન બન્યા. તેમણે ઘણા બધા સામાજિક સુધારા દાખલ કર્યા તથા જેમ્સ વૉટના વરાળયંત્રને સામાન્ય વપરાશમાં દાખલ કર્યું. ચીમની તથા ઓરડાને ગરમ રાખવા માટેની ‘ફાયરપ્લેસ’માં પણ સુધારાવધારા કરીને તેમને વધુ કાર્યક્ષમ બનાવ્યાં. તેમની શોધખોળોમાં ‘ડબલ બૉઇલર’, ‘કિચન રેન્જ’ અને ‘ડ્રિપ કૉફી પૉટ’ મુખ્યત્વે છે; તેમણે મુખ્ય આહાર (staple food) તરીકે બટાટાના વપરાશને પ્રચલિત કર્યો. 1791માં તેમને પવિત્ર રોમન સામ્રાજ્યના ‘કાઉન્ટ’ બનાવવામાં આવ્યા. દારૂગોળા તથા યુદ્ધ-શસ્ત્રોમાં રસ હોવાને કારણે તેઓ ભૌતિકશાસ્ત્રમાં રસ લેતા થયા અને 1798માં ઉષ્મા તેમજ ઘર્ષણ વિશેનો અભ્યાસ શરૂ કર્યો. તે અંગેનાં કેટલાંક અગત્યનાં સંશોધનોનો ઉલ્લેખ 1798માં ‘ઍન એક્સપેરિમેન્ટલ ઇંક્વાયરી કન્સર્નિંગ ધ સોર્સ ઑવ્ હીટ, વિચ ઇઝ એક્સાઇટેડ બાય ફ્રિક્શન’ નામે પ્રસિદ્ધ કરેલા તેમના સંશોધનપત્રમાં કર્યો તથા ઉષ્મા અને યાંત્રિક ઊર્જા વચ્ચે રહેલી સમતુલ્યતાનું બહુ પ્રારંભિક માપન કર્યું.
1798માં થૉમ્પસન ઇંગ્લૅન્ડમાં પાછા ફર્યા અને ઉષ્મા ઉપરનું સંશોધનકાર્ય ચાલુ રાખ્યું. 1799માં સર જૉસેફ બૅન્ક્સની સાથે ‘રૉયલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ગ્રેટ બ્રિટન’ની સ્થાપના કરવામાં તથા બ્રિટિશ રસાયણશાસ્ત્રી સર હમ્ફ્રી ડેવિની વ્યાખ્યાતા તરીકે નિમણૂક કરવામાં મદદ કરી. તેમણે હાવર્ડ કૉલેજમાં રૂમફર્ડ પ્રોફેસરશિપ, રૉયલ સોસાયટી(લંડન)માં રૂમફર્ડ ચંદ્રકો તથા બૉસ્ટનમાં અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ ઍન્ડ સાયન્સની સ્થાપના કરી. ઈગન લારસન (Egon Larsen) નામના વૈજ્ઞાનિકે તેમનાં ચરિત્રો ‘ઍન અમેરિકન ઇન યુરોપ’ અને ‘ધ લાઇફ ઑવ્ બેન્જામિન થૉમ્પસન કાઉન્ટ રૂમફર્ડ’ લખેલાં છે.
એરચ મા. બલસારા