થૉમસ, ડોનાલ ઈ. (જ. 15 માર્ચ 1920, માર્ટ, ટૅક્સાસ; અ. 20 ઑક્ટોબર 2012, સીએટલ, યુએસ) : 1990નું તબીબી વિદ્યા અને શરીરક્રિયાશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જૉસેફ મરે સાથે પ્રાપ્ત કરનાર અમેરિકન વૈજ્ઞાનિક. તેઓએ પેશી-પ્રત્યારોપણ (tissue transplantation) અંગે પાયાનું સંશોધન કર્યું હતું. તેને કારણે આજે કોષીય પ્રત્યારોપણ (cell transplantation) અને અવયવી પ્રત્યારોપણ (organ transplantation) સંભવિત બન્યું છે. પેશીને ઊતક (tissue) પણ કહે છે, તેથી પેશીય પ્રત્યારોપણને ઊતકીય પ્રત્યારોપણ (tissue transplantation) પણ કહે છે. ડોનાલ થૉમસે લોહીના કૅન્સર પર કાર્ય કર્યું છે. તેમણે જણાવ્યું કે રુધિરકૅન્સર(leukaemia)માં કૅન્સરકોષો અસ્થિમજ્જા (bone marrow)માં બને છે માટે રોગગ્રસ્ત પેશીને સ્થાને દાતાની તંદુરસ્ત અસ્થિમજ્જા મૂકવામાં આવે તો દર્દીને ફાયદો થાય. તેમણે કૂતરાની અસ્થિમજ્જાનો વિકિરણ (radiation) વડે નાશ કરીને તેમાં નવી તંદુરસ્ત અસ્થિમજ્જાનું આરોપણ કર્યું. 1956માં સમજનીની જોડકાં(identical twins)માં પણ થોડી સફળતા મેળવી.
તેમના પાછળથી કરાયેલા પ્રતિરક્ષાદાબક (immunosuppressive) દવાઓ અને સંભાળપૂર્વકના પેશીમેળ(tissue matching)ના પ્રયોગોએ પ્રત્યારોપણના અસ્વીકાર(rejection)ને ઘણે ભાગે ઘટાડ્યો. આ કિસ્સામાં નોબેલ પુરસ્કારે મૂળભૂત સંશોધનોની જગ્યાએ તબીબી નિદાન-ચિકિત્સાના સંશોધનને પુરસ્કૃત કરીને એક નવો ચીલો પાડ્યો છે.
શિલીન નં. શુક્લ