થર્ડ વેવ, ધ (પ્રથમ આવૃત્તિ 1980. પુનર્મુદ્રણ : બીજું અને ત્રીજું 1981) : માનવજાતિના ઇતિહાસને ત્રણ કાલખંડમાં વહેંચી તેના ભાવિસંકેતોનો નિર્દેશ કરતો બહુચર્ચિત ગ્રંથ. અમેરિકન લેખક ઍલ્વિન ટૉફલરનું ‘ફ્યૂચર શૉક’ પછીનું તે જાણીતું પુસ્તક છે. તેમાં લેખકે માનવ-જાતિના ત્રણે કાલખંડના ઇતિહાસને સંસ્કૃતિનાં મોજાંનું રૂપક આપ્યું છે.
પહેલું મોજું કૃષિક્રાંતિનું, જ્યારે મનુષ્યજાતિએ કૃષિ અને પાલતુ પ્રાણીઓને સંપત્તિ અને ઉત્પાદનનાં સાધનો તરીકે અપનાવવાનું શરૂ કર્યું. આ મોજાએ માણસના અગાઉના ભટકતા જીવનને ધરમૂળથી બદલી નાખ્યું. આ ગાળામાં તેના પ્રકૃતિ અને પ્રાણીઓ સાથેના આત્મીયતાના સંબંધો વિકસ્યા તથા જીવ, જગત અને પરમ ચૈતન્ય વિશે ઊંચી કક્ષાનું ચિંતન થયું. ઉત્તમોત્તમ શિલ્પ, સ્થાપત્ય, ચિત્રકળા, સંગીત, સાહિત્ય, દર્શનશાસ્ત્રો આ ગાળામાં રચાયાં; પરંતુ ધીમે ધીમે આ જીવનવ્યવસ્થા નિષ્પ્રાણ બનવા લાગી. જે સંસ્કૃતિમાં શરીરબળ અને પશુબળ ઊર્જાના મુખ્ય સ્રોત હતાં તે કૃષિસંસ્કૃતિ ઉજ્જડ બનતી ગઈ. તેના સ્થાને બીજું મોજું આવ્યું. તેણે માનવસમાજમાં ભારે પરિવર્તન આણ્યાં. સત્તરમી સદીમાં ધર્મસુધાર, નવનિર્માણ, ભૌતિક વિજ્ઞાનના આવિષ્કારો, વૈચારિક સ્વાતંત્ર્ય, રાજકીય શાસનવ્યવસ્થામાં સમૂળી ક્રાંતિ, વ્યાપારી વર્ગનું વર્ચસ વગેરે લક્ષણોથી તે પહેલા મોજાથી જુદું પડ્યું. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત આ કાલખંડમાં થઈ હતી. આ મોજા દરમિયાન ભૌતિક જગતનાં ઊંડામાં ઊંડાં રહસ્યોને પ્રગટ કરવાનો પુરુષાર્થ માનવજાતિએ કર્યો. તેમાં પશ્ચિમ યુરોપ મહત્વનું કેન્દ્ર બન્યું. ઓગણીસમી સદી માનવજાતિ માટે સુવર્ણયુગ બની ગઈ. સુખ, શાંતિ, સમૃદ્ધિને આરે જાણે માનવજાતિ પહોંચી ગઈ છે તેવી પ્રતીતિ થવા લાગી, પણ તે વાત કેટલી પોકળ છે તે પણ તરત પ્રગટ થવા લાગ્યું. વિશ્વનાં પછાત રાષ્ટ્રોથી આગળ નીકળી જવાની દોડ પશ્ચિમના દેશોમાં વધી. સંપત્તિ વધારવાની સાથે રાજસત્તા વધારવાની દોડ પણ ચાલી. યંત્રોની અવનવી શોધખોળોથી જથ્થાબંધ માલ ઝડપથી તૈયાર થવા લાગ્યો. સંપત્તિ અને સત્તાનું કેન્દ્રીકરણ થયું. કાર્લ માર્કસે (1818–83) માનવશ્રમ મૂડી-પ્રચુર સંપત્તિઓનો સર્જક છે તેમ પ્રતિપાદિત કરવા પ્રયત્ન કર્યો પણ તેમાં તેને સફળતા ન મળી. આ મોજાની સંસ્કૃતિએ અનેક માનવીય સમસ્યાઓ ખડી કરી દીધી. દુનિયાને ક્ષણના સોમા ભાગમાં ખતમ કરી શકાય તેવી વિનાશક લશ્કરી તાકાત ઊભી થઈ અને વિકાસના નામે પ્રકૃતિ અને ગરીબ પ્રજાનું ભયંકર શોષણ થવા લાગ્યું.
વિકાસની ટોચે પહોંચેલા દેશો જગતનાં 40 % પ્રાકૃતિક સાધનો વાપરી કાઢે છે અને તેથી સમગ્ર માનવજાતિના આર્થિક વિકાસ કરતાં તેમની સમસ્યાઓમાં ધરખમ વધારો થયો છે, ત્યારે આ ગ્રંથના લેખકે ત્રીજા મોજા દ્વારા બીજા મોજાની થપાટમાંથી બચવાના સંકેતો આપ્યા છે. યંત્રોની વિરાટકાય શક્તિને નાનાં નાનાં સાધનોમાં ફેરવવાની વાત તેણે સૂચવી છે. ઇલેક્ટ્રૉનિક્સનાં સાધનો બાળકને ઉપયોગી બની શકે છે, મનુષ્ય પોતાના ઘરમાં બેસી સુખશાંતિથી આ સાધનો દ્વારા ઉત્પાદન-પ્રવૃત્તિ કરી શકે અને બધી જ પ્રવૃત્તિઓ માનવકેન્દ્રી બની શકે તેવી આશા લેખકે ત્રીજા મોજા દ્વારા વ્યક્ત કરી છે. બીજા મોજાની સિદ્ધિમાંથી જ વિકેન્દ્રિત આર્થિક માળખા દ્વારા અન્ન, વસ્ત્ર અને આશ્રય જેવી મૂળભૂત જરૂરિયાતો સંતોષી શકાય તેવું મોજું લાવવાની શક્યતાઓ છે એવી લેખકની ર્દઢ માન્યતા છે.
બીજા મોજાએ બજારનું અર્થતંત્ર ઊભું કર્યું પણ ત્રીજું મોજું માનવસંસ્કૃતિ ઊભી કરશે, તે બજારને અતિક્રમી જતી સંસ્કૃતિ બનશે. બજારના ભરડામાંથી મુક્ત થવું તે ત્રીજી સંસ્કૃતિનું મુખ્ય અંગ છે. બીજા મોજાની સંસ્કૃતિમાં માણસ પ્રકૃતિ સામે યુદ્ધે ચડ્યો હતો પણ હવે માણસોનો પ્રકૃતિ સાથેનો સંબંધ સંઘર્ષનો નહિ, સુસંવાદનો છે, જેમાંથી સૃષ્ટિસંતુલનનું નવું વિજ્ઞાન પાંગરી રહ્યું છે. ત્રીજા મોજાનાં અનેકવિધ પરિવર્તનો સાથે ટૉફલરે ગાંધીજીનો ઉપગ્રહોની સાથે ઉલ્લેખ કર્યો છે. ત્રીજા મોજાના પરિવર્તનની પ્રક્રિયા આપણને ગાંધી અને ઉપગ્રહોના સમન્વય તરફ લઈ જાય છે, જેમાં વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીનીં અદ્યતન દેણ છે અને સાથોસાથ ગ્રામપ્રજાસત્તાકનું તેમાં દર્શન પણ છે. ત્રીજા મોજાની અને પહેલા મોજાની સંસ્કૃતિમાં વિકેન્દ્રિત ઉત્પાદન, માફકસરની ટૅક્નૉલૉજી, ફરી ફરી વાપરી શકાય તેવી ઊર્જા, નાનાં શહેરો તરફનું વલણ, ઘરમાં રહીને વ્યવસાય કરવો વગેરેમાં ઘણું સામ્ય લાગે છે. ટૉફલરના મતે હવે વિકાસની વ્યૂહરચનાઓ વિકસિત દેશો નહિ પણ વિકાસશીલ દેશોમાંથી ઊભી થશે અને તે સ્થાનિક જરૂરિયાતોને અનુરૂપ હશે. પહેલા અને ત્રીજા મોજાના સમન્વયમાં ટૉફલરે ગોબર ગૅસ પ્લાન્ટ, સૂર્યઊર્જા, વિકેન્દ્રિત રીતે વીજળી ઉત્પાદન વગેરેની વાત કરી છે. પવનચક્કી અને પશુબળથી ખેતરોમાં પાણી સિંચાવાની વાત પણ તેમણે કરી છે. સંદેશાવ્યવહારનાં અદ્યતન સાધનોથી દુનિયા સંકળાયેલી રહેશે. મહાત્મા ગાંધીજીની કલ્પનાના ગ્રામસ્વરાજ સાથે તેનું સંતુલન સધાવાની આશા તેમણે પ્રગટ કરી છે. આમ આ ગ્રંથના કર્તાએ ગાંધીવિચારનો પ્રતિધ્વનિ આપ્યો છે.
સાધના ચિતરંજન વોરા