ત્રિવેદી, વિષ્ણુપ્રસાદ રણછોડલાલ (જ. 4 જુલાઈ 1899, ઉમરેઠ; અ. 10 નવેમ્બર 1991, સૂરત) : ગુજરાતના અગ્રણી વિવેચક અને ચિન્તક. પિતા રણછોડલાલની નોકરી મહેસૂલ-ખાતામાં; વારંવાર એમની બદલી થાય, એટલે વિષ્ણુપ્રસાદનું પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ બોરસદ, ઠાસરા, કપડવંજ ને નડિયાદમાં થયું.
1916માં મૅટ્રિકની પરીક્ષામાં ઉચ્ચક્રમે ઉત્તીર્ણ થઈ તેઓ સ્કૉલર તરીકે અમદાવાદની ગુજરાત કૉલેજમાં દાખલ થયા; ને અંગ્રેજી-સંસ્કૃત વિષય લઈ 1920માં બી.એ.ની પરીક્ષા પ્રથમ વર્ગમાં પસાર કરી દક્ષિણા ફેલો નિમાયા. 1921માં તેઓ સૂરતની એમ.ટી.બી. કૉલેજમાં અંગ્રેજી-સંસ્કૃતના અધ્યાપક તરીકે જોડાયા. 1923માં સંસ્કૃત-ગુજરાતી સાથે એમ.એ. થયા ને 1961માં નિવૃત્ત થયા ત્યાં સુધી એ જ સંસ્થાને સેવા આપી.
વિષ્ણુપ્રસાદે એમના દીર્ઘ જીવનકાળમાં અને શિક્ષણના ક્ષેત્રે અનેક પદ શોભાવ્યાં છે ને અનેક સન્માન પ્રાપ્ત કર્યાં છે. 1939માં સૂરતમાં સ્થપાયેલી નર્મદ સાહિત્ય સભાના તેઓ આરંભથી મૃત્યુ પર્યંત પ્રમુખ રહ્યા હતા. એમની પ્રેરણા ને યોજનાથી અસ્તિત્વમાં આવેલી ઉચ્ચશિક્ષણ ને સંશોધનની સંસ્થા ચૂનીલાલ ગાંધી વિદ્યાભવનના તેઓ વર્ષો સુધી અધ્યક્ષ–નિયામક રહ્યા. 1941માં અંધેરીમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના અધિવેશનમાં ભાષાવિજ્ઞાનવિભાગના તેમજ 1949ના પરિષદના જૂનાગઢ અધિવેશનમાં સાહિત્યવિભાગના પ્રમુખ વરાયા. 1961માં કૉલકાતામાં મળેલા સાહિત્ય પરિષદના અધિવેશનના તેઓ પ્રમુખ હતા. 1946માં એમણે મુંબઈ યુનિવર્સિટી સંચાલિત ગોવર્ધનરામ ત્રિપાઠી વ્યાખ્યાનશ્રેણીમાં ‘ગોવર્ધનરામ ચિંતક ને સર્જક’ શીર્ષક હેઠળ વ્યાખ્યાનો આપ્યાં. 1944માં એમને રણજિતરામ સુવર્ણચન્દ્રક અને 1949માં નર્મદ સુવર્ણચંદ્રક અર્પણ થયા. 1962માં દિલ્હીની સાહિત્ય અકાદમીએ એમને ઍવૉર્ડથી ને 1974માં ફેલોશિપથી નવાજ્યા. 1971માં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ એમને ડી.લિટ્.ની માનાર્હ ઉપાધિથી સન્માન્યા. ઉપરાન્ત 1982માં ભુવાલકા પુરસ્કાર, 1983માં રાજાજી પુરસ્કાર, 1985માં ગુજરાત સાહિત્ય અકાદમી સન્માન પુરસ્કાર, 1987માં પ્રેમાનંદ ચંદ્રક અને 1989–90ના ગુજરાત રાજ્યના સર્વોચ્ચ એવા નરસિંહ મહેતા પુરસ્કારથી એમને સન્માનવામાં આવ્યા હતા.
શરીરે નાજુક પણ તીવ્ર બુદ્ધિશક્તિ ધરાવતા વિષ્ણુપ્રસાદ કિશોરકાળથી જ, કંઈક અંશે કુટુંબના સંસ્કારથી તેમજ ઉત્તમ શિક્ષકોના પ્રોત્સાહનથી સાહિત્ય પ્રતિ રુચિ ધરાવતા હતા. માધ્યમિક શાળામાં હતા ત્યારે મિત્રો સાથે ‘બ્રધર્સ ક્લબ’ ચલાવતા, જેમાં સાહિત્યવિષયક ચર્ચા ને પ્રવચનો થતાં. ગુજરાત કૉલેજમાં આવતાં તે આચાર્ય આનંદશંકર ધ્રુવના શિષ્ય થયા ને એમની વિદ્વત્તા તથા જીવનર્દષ્ટિથી પ્રભાવિત થયા. તેઓ ધ્રુવસાહેબને પોતાના આરાધ્યદેવ ને અલૌકિક પુરુષ ગણતા હતા. આ ઉપરાંત પરોક્ષ રીતે તેઓ ગોવર્ધનરામ, મણિલાલ ને નરસિંહરાવથી પણ પ્રભાવિત હતા. ગોવર્ધનરામના, ‘સમાલોચક’માં લેખમાળા રૂપે પ્રગટ થયેલા (ને અપૂર્ણ રહેલા) ‘સાક્ષરજીવન’નો એમની જીવનર્દષ્ટિ ને એમના સાહિત્યવિચાર ઉપર ઊંડો સ્થાયી પ્રભાવ હતો.
સાહિત્ય પ્રતિ રસ-રુચિ ધરાવનાર યુવાનને ઘણુંખરું પ્રથમ સર્જનાત્મક સાહિત્ય લખવાનું મન થાય તેમ વિષ્ણુપ્રસાદને પણ થયું ને 1924માં પ્રગટ કરેલા ‘ભાવનાસૃષ્ટિ’ નામના સર્જનાત્મક સાહિત્યના સોએક પાનાંના ગ્રંથમાં એમણે એકાદ કાવ્ય ને સ્વાનુભવરસિક, ભાવનારંગી, રંગરાગી લખાણો આપ્યાં છે.
‘ભાવનાસૃષ્ટિ’ પછી તેઓ ગંભીરતાથી સાહિત્યવિવેચનની પ્રવૃત્તિ ઉપાડે છે. 1939માં એમનો પ્રથમ સંગ્રહ ‘વિવેચના’ પ્રગટ થતાં જ તે ગુજરાતીના ઉત્તમ વિવેચક-વિચારક તરીકે પ્રતિષ્ઠિત થાય છે. સંસ્કૃત અને અંગ્રેજી સાહિત્યના ઊંડા અભ્યાસ ને પરિશીલનના પરિપાક રૂપે પ્રગટેલાં એમનાં વિવેચનો એમને આનંદશંકરના અનુગામી તટસ્થ, સમતોલ, તત્વલક્ષી સમન્વયપ્રિય વિવેચક તરીકે ર્દઢ રીતે સ્થાપે છે. ભારતીય અને પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાના સમન્વિત સ્વરૂપના છેક નર્મદથી ચાલ્યા આવતા વિવેચનમાં વિષ્ણુપ્રસાદનો ઝોક એકંદરે ભારતીય સાહિત્યમીમાંસા ભણીનો લાગે છે. વિષ્ણુપ્રસાદ પ્લેટો ને ઍરિસ્ટોટલ, ડ્રાયડન, હેઝ્લિટ, કૉલરિજ ને મૅથ્યૂ આર્નોલ્ડની સાહિત્યવિચારણાને સ્પર્શે છે ખરા; પણ એમનું સાહિત્યતત્વચિંતન બહુધા ભારતીય સાહિત્યમીમાંસાના રસ, સાધારણીકરણ, સૌન્દર્ય, આનંદ જેવા મુદ્દા લઈને પ્રવર્તે છે. પ્રત્યક્ષ વિવેચન કરતાં તત્વવિચારમાં એમને વધારે રસ છે ને એમાં એમનું પ્રદાન પણ વિશેષ ને મૌલિક છે.
વિષ્ણુપ્રસાદ સાચી રીતે જ એમની વિવેચનની પ્રવૃત્તિનું શ્રેય શિક્ષણને એટલે કે શિક્ષકના વ્યવસાયને આપે છે. આ વ્યવસાયને લીધે જ એમને સાહિત્ય સાથે શિક્ષણના પ્રશ્નો વિશે વિચારણા કરવાનાં નિમિત્ત મળે છે. વ્યાકરણ કે પાઠમાળાની રચનાથી માંડીને યુનિવર્સિટીની વિભાવના ને વ્યવસ્થા સુધીના પ્રશ્નો એમના વિચારણાવિષય બને છે. શિક્ષણનું માધ્યમ સર્વ સ્તરે ને તબક્કે માતૃભાષા જ હોય એવો એમનો ર્દઢ મત છે. માતૃભાષા ઉપરાંત વિદ્યાર્થીએ સંસ્કૃત, અંગ્રેજી, હિંદી ને એકાદ દ્રવિડ ભાષાનો અભ્યાસ કરવો જોઈએ એમ તે માને છે. ગુજરાતનો સાહિત્યવારસો સળંગ રીતે સચવાય ને પોષક-ઉપકારક બની રહે તે માટે તે મધ્યકાલીન સાહિત્ય તેમજ દરેક યુગના મહત્વના ને પ્રશિષ્ટ ગ્રંથોનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવાની હિમાયત કરે છે.
સાહિત્ય અને શિક્ષણ ઉપરાંત તેમનો ત્રીજો વિચારણાવિષય ધર્મ ને અધ્યાત્મ છે. સ્વભાવે વિચારક હોઈ તે ધર્મના આચાર કરતાં તેની પાછળના તત્વવિચારને વધારે મહત્વ એમની વિચારણામાં આપે છે. ધર્મ વિષયમાં તે કોઈ સંપ્રદાય, માર્ગ કે મઠના હિમાયતી કે પુરસ્કર્તા નથી. કર્મકાંડમાં ને કંઠીમાં એમને રસ નથી. તે ઉદાર ને વ્યાપક ધર્મભાવનાના આગ્રહી છે. શ્રદ્ધાને, ભાવનાઓને જીવનમાં સ્થાન છે એમ સ્વીકારવા સાથે બુદ્ધિના અનાદરના તેઓ સખત વિરોધી છે. સર્વ ક્રિયા, વિચાર ને વાણીમાં તેઓ વિવેકના આગ્રહી છે. આનંદશંકરની જેમ આનંદશંકરના આ શિષ્ય પણ માનતા કે તત્વજ્ઞાન વિનાનો ધર્મ એ રામ વગરનું રામાયણ છે.
જયન્ત પાઠક