ત્રાયમાણ : દ્વિદળી વર્ગમાં આવેલા જેન્શિયાનેસી કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Gentiana kurroo Royle (સં., ગુ., મ. ત્રાયમાણ; બ. બલાહુસુર; ફા. અસ્ફાક; યૂ. ગ્રાફિક્સ; અં. ઇન્ડિયન જેન્શિયન રૂટ) છે. તે એક નાની બહુવર્ષાયુ વનસ્પતિ છે અને મજબૂત ગાંઠામૂળી ધરાવે છે. તેની શાખાઓ ભૂપ્રસારી હોય છે અને તેની શાખાઓના અગ્ર ભાગો હવામાં ઊંચા થતા હોય છે. તેની ટોચ ઉપર 1-4 પુષ્પો ઉત્પન્ન થાય છે. તે ઈરાન અને કાશ્મીર તથા ઉત્તર-પશ્ચિમ હિમાલયમાં 1500-3300 મી.ની ઊંચાઈ સુધી થાય છે. પર્ણો મૂળપર્ણો (radical) કે સ્તંભીય (cauline) પર્ણો – એમ બે પ્રકારનાં હોય છે. મૂળ પર્ણો લંબચોરસ-ભાલાકાર (oblong-lanceolate) અને ગુચ્છિત (tufted) હોય છે ; જ્યારે સ્તંભીય પર્ણો યુગ્મમાં હોય છે તથા બંને તલભાગેથી જોડાઈ નલિકામાં પરિણમે છે. તેઓ રેખીય હોય છે.
ત્રાયમાણની ગાંઠામૂળી અને મૂળને ભારતીય ઔષધકોશ (pharmacopoeia)માં ‘ઇન્ડિયન જેન્શિયન’ નામ આપવામાં આવ્યું છે અને તેનો વાસ્તવિક જેન્શિયનની અવેજીમાં ઉપયોગ થાય છે. ભારતમાં આ છોડનો મોટા પાયે ઉછેર થતો નથી. તેના પર પુષ્પ નિર્માણ કેટલાંક વર્ષે થાય છે અને બજારમાં વેચી શકાય તેટલા કદના મૂળના વિકાસ માટે ઘણો સમય લે છે. Picrorhiza kurrooa (કડુ)નાં ગાંઠામૂળી અને મૂળના ગુણધર્મો અને ઉપયોગો ત્રાયમાણ જેવા જ હોય છે. તે હિમાલયમાં થતી વનસ્પતિ છે. ત્રાયમાણ અને કડુને મિશ્ર કરવામાં આવે છે અથવા ત્રાયમાણની અવેજીમાં કડુનો ઉપયોગ થાય છે. બંનેનાં સામાન્ય અને વ્યાપારિક નામ ‘કુટકી’ છે.
ત્રાયમાણનાં મૂળ અશાખિત કે કેટલીક વાર શાખિત, નળાકાર બદામી રંગનાં, તેના ટુકડા 2.5-8.0 સેમી. લાંબા અને 1.0-1.5 સેમી. કે તેથી વધારે વ્યાસ ધરાવતા, સામાન્યત: ઊભી કરચલીઓવાળાં અને અમળાયેલા હોય છે. ગાંઠામૂળી ટોચેથી વલયી (annulate) હોય છે. તેનો કડવા બલ્ય (tonic) તરીકે ક્ષુધાની સુધારણા માટે અને જઠરીય સ્રાવના ઉત્તેજન માટે ઉપયોગ થાય છે. તે ઘણાં ક્ષુધાવર્ધકો અને બલ્યના નિર્માણમાં ઉપયોગી છે. તેનો સ્વાદ અનુકૂળ હોય છે અને ટેનિનની ગેરહાજરીને કારણે તેની સ્તંભક (astringent) અસર હોતી નથી. આ ઔષધનો તાવ અને મૂત્ર સંબંધી ફરિયાદોમાં ઉપયોગ થાય છે.
ત્રાયમાણ અનિચ્છાવર્તી સ્નાયુઓમાં શિથિલક (relaxant) ઉત્પન્ન કરે છે અને સ્તંભિકા કોષો (mast cells)માંથી હિસ્ટેમાઇનના સ્રાવને અટકાવે છે. ગાંઠામૂળી અને મૂળ ઇરિડૉઇડ ગ્લાયકોસાઇડો ધરાવે છે, જેમાં મુખ્ય ઘટક 6’ – સિન્નેમૉઇલકૅટાલ્પૉલ હોય છે.
આયુર્વેદ અનુસાર ત્રાયમાણ હલકાં, રુક્ષ, કડવી, તૂરી, તીખી, ગરમ, કફ-વાતનાશક, પિત્તસંશોધક, દીપન, આમપાચન, પિત્તસારક, અનુલોમક, રક્તશોધક, સોજા મટાડનાર, મૂત્રલ, પૌષ્ટિક, ધાવણ શુદ્ધકર્તા, સ્વેદલ તથા શોધન-રોપણ-કર્તા છે. તે તાવ તથા કોઢ-ત્વચાના રોગો મટાડનાર છે.
ત્રાયમણ તરીકે જાણીતી બીજી વનસ્પતિ Delphinium Zalil Aitch & Hemsi (સં.મ., ક. ત્રાયમાણ; હિં ત્રાયમાણ, અસબર્તા, ઝલીલ; બં. બલાહુસુર, ફા. અસ્ફાક) છે. તે દ્વિદળી વર્ગમાં આવેલા રેનન્ક્યુલેસી કુળની વનસ્પતિ છે. તે બહુવર્ષાયુ, 30–60 સેમી. ઊંચા છોડના સ્વરૂપે થાય છે અને ચળકતા પીળા રંગનાં પુષ્પો ધરાવે છે. બીજ ખૂણાવાળાં અને આછા ભૂરા રંગનાં હોય છે. તે ઈરાન અને અફઘાનિસ્તાનમાં થાય છે. તે ઈરાનના બદગીજ અને ખોરાસાની પર્વતોમાં થાય છે. ભારતમાં તે હિમાલયના ઉત્તરી પ્રદેશોમાં થાય છે.
પુષ્પો અને પુષ્પીય શાખાઓ આઈસોર્હેમ્નેટિન (C16H12O17 ગ.બિ. 305° સે.), ક્વિર્સેટિન અને કૅમ્પ્ફૅરોલ ધરાવે છે. આસ્ફાક મૂત્રલ (diuretic), અપમાર્જક (detergent) અને વેદનાહર (anodyne) ગુણધર્મો ધરાવે છે અને કમળો, જલોદર (dropsy) અને બરોળની તકલીફોમાં ઉપયોગી છે. તેનો સોજા પર પોટિસ તરીકે ઉપયોગ થાય છે. તેની સળીઓ અને પુષ્પો રેશમી કપડાં રંગવાના કામમાં આવે છે.
આ ત્રાયમાણનાં બીજ એન્હવીડેલ્ફિનિન, બ્રાઉનીઇન, ડેસ્ઍસિટાઇલન્યુડિકૉલિન, લાયકોકટોનિન, મિથોઇલલાયકેકોન્ટિનીન અને ન્યુડિકોલિન ઉપરાંત એક નોરડાઇર્પીનૉઇડ આલ્કેલૉઇડ, ઝેલિન (C35C44N2O11, અસ્ફટિકી ચૂર્ણ) ધરાવે છે. છોડના ઔષધીય ગુણધર્મો ડેસ્ઍસિટાઇલન્યુડિકોલિન, મિથાઇલલાયકેકોન્ટિનનીન અને ન્યુડિકોલિનને કારણે છે.
આયુર્વેદ અનુસાર આ ત્રાયમાણ કડવું અને વાતનાશક હોય છે. તે તૂરું, શીતળ, મધુર, સારક અને કડવું રેચક હોય છે. તે પિત્તરોગ, ઊલટી, તાવ, ગોળો કફ, વિષ, શૂળ, ભ્રમ, રક્તરોગી ક્ષય, ગ્લાનિ, તૃષા, હૃદરોગ, રક્તપિત્ત, મૂળવ્યાધિ અને ત્રિદોષ મટાડે છે. વિષમજ્વર પર ત્રાયમાણ, કડુ, ધમાસો અને ઉપલસરીનો કાઢો પિવડાવવામાં આવે છે. ગરમીના ઝાડામાં ત્રાયમાણનો ઉકાળો આપ્યા પછી દૂધ પિવડાવવાથી પિત્તજન્ય ઝાડા મટે છે. માત્રા – ચૂર્ણ 1-3 ગ્રા.
ત્રાયમાણ જેન્શિયોપિક્રિન નામનું કડવું દ્રવ્ય, જેન્શિયનિક ઍસિડ, પૅક્ટિન અને શર્કરા હોય છે.
ભારતીય વૈદ્યોમાં સાચા ત્રાયમાણ અંગે અનિશ્ચિતતા પ્રવર્તે છે.
બળદેવપ્રસાદ પનારા
બળદેવભાઈ પટેલ