તેલ ઉદ્યોગ — ખાદ્ય : વિવિધ પ્રકારના ખાદ્યતેલનું ઉત્પાદન કરતા ઉદ્યોગો. મગફળી, તલ, ખરસાણી, સૂર્યમુખી, દિવેલાં, રાઈ, સરસવ, કસુંબી, અળશી વગેરે તેલીબિયાંમાંથી દાણાનું પિલાણ કરી તેલ કાઢવા માટે સંકળાયેલ ઔદ્યોગિક એકમોની તેલ ઉદ્યોગોમાં ગણતરી થાય છે. તેલીબિયાંમાંથી તેલ કાઢવાની મુખ્યત્વે ત્રણ રીતો પ્રચલિત છે :
(1) બળદ અથવા પાવરથી ચાલતી ઘાણી, (2) ઑઇલ એકસ્પેલર અને (3) સૉલ્વન્ટ એક્સ્ટ્રૅક્શન પ્લાન્ટ.
એક અંદાજ મુજબ ભારતમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પહેલાં લગભગ પાંચેક લાખ જેટલી બળદથી ચાલતી ઘાણીઓ હતી, જેમનાથી ગ્રામ કક્ષાએ જ તેલીબિયાંનું પિલાણ કરીને ગ્રામજનોને ખાવાલાયક તેલ ઘેર બેઠાં મળી રહેતું હતું. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી ધીમે ધીમે આધુનિકીકરણ, ઉદ્યોગીકરણ અને શહેરીકરણના પગલે પગલે ખેડૂતો દ્વારા ઉત્પાદન થયેલ તેલીબિયાંનું શહેરમાં સ્થપાયેલ ઑઇલ મિલોમાં મોટા પાયા ઉપર પિલાણ થવા લાગ્યું.
બળદ અથવા પાવરઘાણી દ્વારા તેલ કાઢ્યા બાદ તેના ખોળમાં લગભગ 12 %થી 15 % જેટલું તેલ રહી જાય છે, જ્યારે ઑઇલ એક્સ્પેલરથી તેલ કાઢ્યા બાદ ખોળમાં ફક્ત 6થી 7 % જેટલું તેલ બાકી રહી જાય છે. પરંતુ ઑઇલ એક્સ્પેલર દ્વારા તેલ કાઢ્યા પછી ખોળમાં જો 7 %થી વધુ તેલ ન હોય તો સોલ્વન્ટ એકસ્ટ્રૅક્શન પ્લાન્ટ તરફથી તેલ મિલરોને તેના સારા ભાવો મળતા નથી, જેથી 7 %થી વધુ (7.5 % સુધી) તેલ ખોળમાં રહી જાય તે રીતે મગફળીના દાણામાંથી યાંત્રિક પદ્ધતિથી (ઑઇલ એકસ્પેલર મશીનથી) તેલ કાઢવામાં આવે છે, જ્યારે ખોળમાં બાકી રહેલ તેલ ‘સોલ્વન્ટ એકસ્ટ્રૅક્શન’ પદ્ધતિ દ્વારા કાઢીને મેળવવામાં આવે છે. પછી અવશિષ્ટ રહેલ ખોળ (deoiled cake)માં ફક્ત અર્ધા ટકા જેટલું જ તેલ બાકી રહે છે, જેની ભારતમાંથી મોટા પ્રમાણમાં નિકાસ થાય છે.
હાલમાં ભારતમાં લગભગ 2,30,000 જેટલી બળદ અથવા ઇલેક્ટ્રિક મોટરથી ચાલતી (પાવર) ઘાણીઓ, 70,000 જેટલાં એકસ્પેલર અને 200 જેટલાં સૉલ્વેન્ટ એક્સ્ટ્રૅક્શન પ્લાન્ટ છે.
તલ અને રાયડા જેવાં તેલીબિયાંમાંથી સીધેસીધું પિલાણ કરી તેલ મેળવવામાં આવે છે; જ્યારે મગફળીમાંથી તેલ કાઢવા માટે મગફળીના ડોડવા ફોલી અને તેના દાણાને પીલીને તેનું તેલ કાઢવામાં આવે છે.
મગફળીના ડોડવાની ફોતરી સામાન્ય રીતે મિલોમાં વપરાતા બૉઇલરમાં બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે. ખાતર તરીકે તેની ગુણવત્તા ખૂબ જ ઓછી હોય છે. ઢોરનાં છાણ સાથે મેળવીને તેને સૂકવ્યા બાદ તેનો ગામડામાં બળતણ તરીકે ઉપયોગ થાય છે. આ સિવાય ખાતર, મરઘાં–ઉછેર તેમજ સારી ગુણવત્તાવાળો સક્રિય કોલસો બનાવવા માટે પણ તેનો ઉપયોગ થાય છે. વળી ઢોર માટેના દાણ બનાવતી ફૅક્ટરીઓ પણ તેનો ઉપયોગ કરે છે.
તેલ-ઉદ્યોગમાં વપરાતી મશીનરી મુખ્યત્વે કેટલા ડબ્બા તેલ ઉત્પાદન કરી શકે તેવી તેલમિલ છે તેના ઉપર તેમજ નાણાકીય રોકાણ કરવાની ક્ષમતા ઉપર આધાર રાખે છે. સામાન્ય રીતે તેલ મિલની મશીનરી આ પ્રમાણેની હોય છે : ડીકોર્ટિકેટર, બૉઇલર, સ્ટીમિંગ કેટલ, એક્સ્પેલર, ફિલ્ટર પ્રેસ, રેસીપ્રોકેટિંગ પંપ. તેલીબિયાંનું પિલાણ થતાં તેમાંથી તેલ તેમજ ખોળનો રગડો એક્સ્પેલરની નળીમાંથી બહાર નીકળે છે. જ્યારે ખોળ પાતળી પોપડીના સ્વરૂપમાં એક્સ્પેલરના બીજા છેડાથી બહાર નીકળે છે. એક્સ્પેલર વૉર્મની પેટીનું દબાણ વધારી ઘટાડી શકાય તેવી તેની રચના હોય છે. પરંતુ યોગ્ય દબાણ રાખવાથી ઓછી શક્તિના ઉપયોગથી વધુ તેલ કાઢી શકાય છે. મગફળીના દાણા એક્સ્પેલરમાં જાય તે પહેલાં બૉઇલરની વરાળથી તેને ટ્રીટમેન્ટ આપીને તેમાં ભેજનું પ્રમાણ વધારવાની સાથે સાથે ગરમ કરવામાં આવે છે. પિલાણ બાદ તેલ અને રગડો રેસિપ્રૉકેટિંગ પંપ મારફતે ફિલ્ટર-પ્રેસમાં મોકલવામાં આવે છે, જ્યાંથી તેલ ગળાઈને કોઈ પણ જાતના કચરા કે ખોળનાં રજકણ વિનાનું ચોખ્ખું તેલ મળે છે. મોટા ભાગની તેલ-મિલોમાં ફિલ્ટર-પ્રેસમાં બે યુનિટ રાખવામાં આવે છે. જેથી એક ફિલ્ટરમાં ચોખ્ખું થયેલ તેલ ફરીથી બીજા ફિલ્ટર-પ્રેસમાં મોકલીને એકદમ ચોખ્ખું કરવામાં આવે છે. આમ બે વાર ફિલ્ટર વડે ચોખ્ખા થયેલ તેલને ડબલ ફિલ્ટર તેલ કહે છે. મોટા ભાગની તેલમિલોએ બજારમાં ડબલ ફિલ્ટર તેલ અલગ અલગ બ્રાન્ડના નામથી વપરાશકર્તાના ઉપયોગ માટે મૂકેલ છે. તેલીબિયાંમાંથી ખાવાલાયક તેલ મેળવી આપતો આ તેલ ઉદ્યોગ ખૂબ જ મહત્વનો છે અને ગુજરાત રાજ્યનો સૌરાષ્ટ્ર વિસ્તાર તેમાં ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગમાં નાણાંનું મોટું રોકાણ થયું છે; એટલું જ નહીં, પરંતુ ઉદ્યોગના વિકાસ સાથે સંલગ્ન વ્યવસાયના વિકાસ ઉપરાંત તે અનેક માણસોને રોજી પૂરી પાડે છે.
ભારતમાં ખાદ્ય તેલની કુલ માંગ 1994-95માં 60થી 61 લાખ મેટ્રિક ટન તથા અખાદ્ય તેલની માંગ 8થી 10 લાખ મેટ્રિક ટન અંદાજવામાં આવી હતી જેની સામે તે વર્ષે અને તેના આગળના વર્ષે થયેલા ઉત્પાદનની વિગતો આ સાથેના કોષ્ટકમાં આપવામાં આવી છે.
આ વિગતો બતાવે છે કે ખાદ્ય અને અખાદ્ય તેલની બાબતમાં ભારત લગભગ સ્વાવલંબી થવાની અણી પર છે.
ભારતમાં ખાદ્યતેલનું ઉત્પાદન (લાખ મેટ્રિક ટનમાં)
અનુક્રમ | પ્રકાર | 1993–94 | 1994–95 |
01. | મગફળીનું તેલ | 16.40 | 17.50 |
02. | સોયાબીન | 5.70 | 4.74 |
03. | રાઈ | 18.00 | 18.81 |
04. | સૂર્યમુખી | 4.90 | 4.72 |
05. | તલ | 3.20 | 2.29 |
06. | દીવેલ | 2.70 | 3.36 |
07. | નાઇજર | 0.60 | 0.60 |
08. | કસુંબી | 1.10 | 1.05 |
09. | અળસી | 1.30 | 1.33 |
10. | કપાસિયા | 3.40 | 3.20 |
11. | કોપરાં | 4.00 | 4.00 |
કુલ | 61.30 | 61.60 |
તેલીબિયાં ઉત્પન્ન કરનાર દેશોમાં યુ.એસ., ચીન અને બ્રાઝિલ પછી ભારત ચોથા નંબરે આવે છે. દુનિયાનું તેલીબિયાંનું વાર્ષિક ઉત્પાદન 25 કરોડ ટનથી વધુ છે જ્યારે ભારતમાં તેનું ઉત્પાદન 2004–05માં 2.5 કરોડ ટન હતું જે વધીને 2012–13માં 3.1 કરોડ ટન જેટલું થયું હતું. ભારત જોકે તેલીબિયાંનું ઉત્પાદન કરનાર એક મુખ્ય દેશ હોવા છતાં વ્યક્તિદીઠ તેનો વપરાશ 10.6 કિગ્રા. પ્રતિ વર્ષ છે. જેની સામે ચીનનો 12.5 કિગ્રા., જાપાનનો 20.5 કિગ્રા., બ્રાઝિલનો 21.3 કિગ્રા. અને યુ.એસ.નો 48.0 કિગ્રા. પ્રતિ વર્ષ છે. ભારતમાં 2.7 કરોડ હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થાય છે.
વલ્લભભાઈ જીવરાજભાઈ પટેલ