તુલ્યભાર

January, 2014

તુલ્યભાર : તત્વ અથવા સંયોજનનું જે વજન પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે 1.008 ગ્રા. હાઇડ્રોજન અથવા 8.00  ગ્રા. ઑક્સિજન સાથે સંયોજાય તે. કોઈ તત્વને એકથી વધુ સંયોજકતા હોઈ શકે. પરિણામે એકથી વધુ તુલ્યભાર પણ હોઈ શકે. નીચેનાં ઉદાહરણ દ્વારા આ સ્પષ્ટ થશે.

1. એમોનિયા(NH3)માં નાઇટ્રોજનનો 1 પરમાણુ હાઇડ્રોજનના ત્રણ પરમાણુ સાથે સંયોજાયેલો છે. હાઇડ્રોજનનો તુલ્યભાર તેના પરમાણુભાર જેટલો જ હોવાથી નાઇટ્રોજનનો તુલ્યભાર તેના પરમાણુભારના 1/3 જેટલો થશે અને તેની સંયોજકતા 3 થશે.

2. મૅગ્નેશિયમ ઓકસાઇડ (MgO)માં 1 પરમાણુ મૅગ્નેશિયમ 1 પરમાણુ ઑક્સિજન સાથે સંયોજાયેલો છે. ઑક્સિજનનો તુલ્યભાર તેના પરમાણુભારના 1/2 જેટલો હોવાથી મૅગ્નેશિયમનો તુલ્યભાર પણ તેના પરમાણુભારનો 1/2 થશે તથા તેની સંયોજકતા 2 થશે.

3. ફૉસ્ફરસ બે સંયોજનો PCl3 તથા PCl5 બનાવે છે. ક્લોરિનનો તુલ્યભાર તેના પરમાણુભાર જેટલો જ હોવાથી PCl3 માં ફૉસ્ફરસનો તુલ્યભાર તેના પરમાણુભારનો 1/3 છે. તથા તેની સંયોજકતા 3 થશે. આ જ રીતે પેન્ટાક્લોરાઇડમાં ફૉસ્ફરસનો તુલ્યભાર તેના પરમાણુભારનો 1/5 થશે તથા તેની સંયોજકતા 5 થશે. આથી સંયોજનનો તુલ્યભાર તે જે પ્રક્રિયામાં ભાગ લે તેના ઉપર અવલંબે છે. આ રીતે (અ) પોટૅશિયમ આયોડેટ (KIO3) તથા (બ) સિલ્વર નાઇટ્રેટ (AgNO3) વચ્ચેની પ્રક્રિયામાં સિલ્વર નાઇટ્રેટના પ્રત્યેક અણુ દીઠ સિલ્વર આયોડેટ(AgIO3)નો અણુ અવક્ષેપન પામે છે.

KIO3 + AgNO3 → AgIO3 ↓ + KNO3

અહીં સિલ્વરનો તુલ્યભાર તેના પરમાણુભાર જેટલો હોવાથી પોટૅશિયમ આયોડેટનો તુલ્યભાર આ પ્રક્રિયા માટે તેના અણુભાર જેટલો થશે.

(બ) પોટૅશિયમ આયોડેટ KIO3 દ્વારા પોટૅશિયમ આયોડાઇડ(KI)નું આયોડિન I2માં ઉપચયન થાય છે. ત્યારે પ્રત્યેક પોટૅશિયમ આયોડેટના અણુ દીઠ આયોડિનના ત્રણ અણુઓ બને છે.

KIO3 + 5KI + 6HCl → 3I2 + 3H2O + 6KCl

આયોડિનનો તુલ્યભાર તેના અણુભારનો 1/2 જેટલો હોવાથી પોટૅશિયમ આયોડેટનો તુલ્યભાર આ પ્રક્રિયા માટે તેના અણુભારના 1/6 જેટલો થશે.

આ સંકલ્પના (concept) તથા ગ્રામતુલ્યભારનો હવે ઉપયોગ થતો નથી અને આ પ્રકારના સંબંધો સંતુલિત તત્વપ્રમાણમિતીય (balanced stoichiometric) રાસાયણિક પ્રક્રિયા તથા તેમની સાપેક્ષ મોલસંખ્યાને આધારે દર્શાવવામાં આવે છે.

જગદીશ જ. ત્રિવેદી