તિમ્મકવિ, કુંચિમંચિ

January, 2014

તિમ્મકવિ, કુંચિમંચિ (જ. 1684, કંદવાડા, જિ. ગોદાવરી; અ. 1767) : તેલુગુ કવિ. પિતા ગંગામાત્ય તથા માતા બચ્ચાંબા. એમની કવિતા મોટે ભાગે પૌરાણિક વિષયો પર છે. એમણે ભક્તિકાવ્યોની પણ રચના કરી છે. એમણે શ્લેષપ્રધાન રચનાઓ તથા ચિત્રકાવ્યો રચ્યાં છે. એ મુખ્યત્વે તો શિવભક્ત હતા, તેમ છતાં એમણે રામ અને કૃષ્ણભક્તિનાં પદો રચ્યાં છે. ‘રાજશેખર વિલાસમુ’ એ શિવભક્તિનું કાવ્ય ત્રણ આશ્વાસમાં વિભક્ત થયેલું છે. એમાં શિવવિષયક એક તદ્દન અજાણ્યા પ્રસંગનું નિરૂપણ છે. એમના અન્ય એક કાવ્ય ‘નીલાસુંદરી પરિણમુ’માં એમણે કૃષ્ણવિષયક એક અણજાણીતો પ્રસંગ લીધો છે. મિથિલામાં ધર્મરાજાના શાસનકાળમાં યાદવોનો કુંભક નામનો મુખી હતો. તેની દીકરી નીલાને કૃષ્ણની કીર્તિ સાંભળીને તેમની પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થયો. વૃષભોનો રાજા નીલાંબરાનું અપહરણ કરવા માગતો હતો. નીલાએ જે એ રાજાને મારે તેની જોડે પરણવાનું નક્કી કર્યું. કૃષ્ણે એને માર્યો અને નીલાનાં કૃષ્ણ જોડે લગ્ન થયાં. એવી જ રીતે એણે ‘રુક્મિણી પરિણમુ’માં રુક્મિણી-કૃષ્ણના વિવાહના પ્રસંગને વણ્યો છે. ‘રસિકજન મનોભિરામુ’ શૃંગારકાવ્ય છે. ‘શિવલીલા વિલાસમુ’માં શિવમહિમા ગાયો છે. આ ઉપરાંત ‘સારંગધર ચરિત્રમુ’ ચરિત્રકાવ્ય છે. ‘સર્વપુર મહાત્મ્યમુ’માં તીર્થસ્થાનોનો મહિમા દર્શાવ્યો છે. એમની કવિતા પ્રાસાદિક તથા ભાવપ્રધાન છે.

ચન્દ્રકાન્ત મહેતા