તિક્ત કે તિક્તક ઘૃત : પરવળનાં પાન, કડુ, લીમડાની અંતર્છાલ, દારૂહળદર, કાળીપાઠ, ધમાસો, પિત્તપાપડો અને ત્રાયમાણ આ ઔષધોને સરખા પ્રમાણમાં લઈ તેમાં સોળગણું પાણી નાખી ઉકાળો કરવામાં આવે છે. પાણી ઊકળતાં 8મા ભાગ જેટલું બાકી રહે ત્યારે ઉતારી લેવામાં આવે છે. આ ક્વાથ કરતાં ચોથા ભાગનું ગાયનું ઘી તથા ઘીથી ચોથા ભાગના પ્રમાણમાં ત્રાયમાણ, નાગરમોથ, કરિયાતું, ઇંદ્રજવ, લીંડીપીપર અને સુખડ – એ છ ઔષધોના ચૂર્ણનો કલ્ક મેળવીને ઘી પકવવામાં આવે છે. જ્યારે ક્વાથનો બધો ભાગ બળી જાય અને માત્ર ઘી જ રહે ત્યારે ઉતારી ઠંડું કરી બાટલીમાં ભરી લેવાય છે.
આ તિક્તક ઘૃત અડધાથી બે તોલા જેટલી માત્રામાં સવારમાં ખાવાથી પિત્ત, કુષ્ઠ, વિસર્પ, પિટિકા, દાહ, તૃષ્ણા, ભ્રમ, ખૂજલી, પાંડુ, નાડીવ્રણ, અપચો, વિસ્ફોટક વિદ્રધી, ગુલ્મ, શોથ, ઉન્માદ, મદ, હૃદયરોગ, તિમિર વ્યંગ, ગ્રહણી, શ્વિત્ર, કામલા, પ્રદર, અર્શ, રક્તપિત્ત વગેરે રોગોમાં લાભ થાય છે. આયુર્વેદના ગ્રંથ ગદનિગ્રહના ચિકિત્સા સ્થાન અધ્યાય 18માં આનો ઉલ્લેખ મળે છે.
મધુકાન્ત ભગવાનજી પંડ્યા