તાલ્યારખાન, એ. એફ. એસ., ‘બૉબી’ (જ. 1897; અ. 13 જુલાઈ 1990, મુંબઈ) : ભારતના વિખ્યાત રમતગમત સમીક્ષક તથા ક્રિકેટ, હૉકી અને ફૂટબૉલની રમતના કૉમેન્ટેટર. 1930ના ગાળામાં રેડિયો પરથી હૉકી, ફૂટબૉલની રમતનું જીવંત પ્રસારણ કર્યું, પણ ક્રિકેટની રમતના કૉમેન્ટેટર તરીકે વધુ ખ્યાતિ મેળવી. 1940માં મહારાષ્ટ્ર અને મુંબઈ વચ્ચે પુણેમાં ખેલાયેલી રણજી ટ્રૉફી મૅચમાં પોણા છ દિવસ સુધી રોજ છ કલાકથી વધુ સમય તાલ્યારખાને કૉમેન્ટ્રી આપી હતી. એમનો રણકતો અવાજ, રસપ્રદ વિગતો, વિલક્ષણ માહિતી અને મૅચનું તાર્દશ વર્ણન કરવાની શક્તિને કારણે એમની રેડિયોકૉમેન્ટ્રીએ ક્રિકેટની રમતને લોકપ્રિય બનાવવામાં ફાળો આપ્યો. તેઓ પોતે એકલા જ સળંગ કૉમેન્ટ્રી આપવાનો આગ્રહ રાખતા હતા. કોમના ધોરણે રમાતી પચરંગી સ્પર્ધાનો પ્રખર વિરોધ કરીને તે સ્પર્ધા તેમણે બંધ કરાવી. ફૂટબૉલરોએ બૂટ પહેરીને રમવું જોઈએ અને રમતગમતને માટે સ્ત્રીઓએ સાડીના પોશાકમાં પરિવર્તન કરવું જોઈએ એવા એમના આગ્રહો આક્રમક રીતે વ્યક્ત થયા હતા.
ટેલિવિઝન પર ‘લુકિંગ બૅક, લુકિંગ ફૉરવર્ડ’ નામનો દર પખવાડિયે કાર્યક્રમ આવતો હતો. મુંબઈના અંગ્રેજી અખબારોમાં રમતગમત વિશે આખું પાનું ફાળવવાનો સફળ પ્રયોગ તાલ્યારખાને કર્યો અને ‘ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા’માં વર્ષો સુધી એમની રમતગમત વિશેનું સમીક્ષાત્મક કૉલમ પ્રગટ થયું. જે દિવસે એમના કૉલમમાં છેલ્લો સમીક્ષાલેખ પ્રગટ થયો એ દિવસ એમના સ્થૂળ દેહનો આખરી દિવસ હતો. આવી હતી એમની નિષ્ઠા. રમતગમતમાં જાતિવાદ, કોમવાદ, વ્યવસાયીકરણ, રાજકારણ જેવી બાબતો અંગે તાલ્યારખાન તેજાબી ટીકા-ટિપ્પણ કરતા હતા અને એમના આગવા ર્દષ્ટિકોણ અને એમની આકર્ષક શૈલીને કારણે એમનાં લખાણો ખૂબ વંચાતાં હતાં. હૉકી, ફૂટબૉલ ઉપરાંત ઘોડાદોડ વિશે પણ તેમની સમીક્ષા પ્રગટ થતી.
કુમારપાળ દેસાઈ