અવધ રાજ્ય : મુઘલ સમ્રાટ ઔરંગઝેબના અવસાન (1707) બાદ સામ્રાજ્યના થયેલ વિઘટનને પરિણામે અસ્તિત્વમાં આવેલ સ્વતંત્ર રાજ્ય. તેમાં હાલના ઉત્તર પ્રદેશના ઘણા ભાગોનો સમાવેશ થયો હતો. તેની સ્થાપના મુઘલ પાદશાહ મુહમ્મદશાહના અમીર સાદતખાને કરી હતી (1722). સાદતખાનના મૃત્યુ (1739) પછી અવધના નવાબ બનનાર સાદતખાનના જમાઈ સફરદજંગે અવધને સમૃદ્ધ રાજ્ય બનાવ્યું. સફદરજંગના દેહાંત (1754) બાદ અવધના નવાબ બનેલા તેના પુત્ર શુજાઉદ્દૌલ્લાના સમયમાં ભારતમાં મહત્વના રાજકીય બનાવો બન્યા. તેણે પાણીપતની ત્રીજી લડાઈ(1761)માં મરાઠાઓ વિરુદ્ધ અહમદશાહ અબ્દાલીને મદદ કરી. તેણે મુઘલ પાદશાહ શાહઆલમ બીજા તથા બંગાળના નવાબ મીર કાસિમ સાથે મળીને અંગ્રેજો સામે સંયુક્ત મોરચો રચ્યો. પરંતુ બકસર પાસેની લડાઈ(ઑક્ટોબર 1764)માં અંગ્રેજોને હાથે ત્રણેયનો પરાજય થયો. આથી શુજાઉદ્દૌલ્લાને 5૦ લાખ રૂપિયાનો દંડ આપવો પડ્યો તથા પોતાના અમુક પ્રદેશો ગુમાવવા પડ્યા. તેનું 1775માં અવસાન થયું. એકબે નિર્બળ નવાબો પછી અવધના નવાબ બનેલ સાદતઅલીએ વેલેસ્લીની સહાયકારી યોજના સ્વીકારતાં (1801) અવધ અંગ્રજોના ખંડિયા રાજ્ય જેવી સ્થિતિમાં મુકાયું. પછીના નવાબો વચ્ચે ગાદી માટે આંતરકલહો થતા રહ્યા, જેનો અંગ્રેજોએ પૂરો લાભ ઉઠાવ્યો.
અવધનો છેલ્લો નવાબ વાજિદઅલીશાહ (1844-1856) સબળ શાસક હતો, પરંતુ આંતરિક ખટપટોને લીધે રાજ્યનો વહીવટ થોડો કથળ્યો હતો. છતાં અવધની સમૃદ્ધિમાં કોઈ ફરક પડ્યો ન હતો. હિન્દનો ગવર્નર જનરલ લૉર્ડ ડેલહાઉસી (1848-1856) ખાલસાનીતિનો પુરસ્કર્તા હતો. તે દેશી રાજ્યોને ભોગે ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યનો વિસ્તાર કરવા માગતો હતો. આથી તેણે જુદાં જુદાં બહાનાં તળે કેટલાંક દેશી રાજ્યો ખાલસા કર્યાં, નવાબ વાજિદઅલીશાહને પણ ડેલહાઉસીએ કુશાસનના બહાના તળે ફેબ્રુઆરી, 1856માં પદભ્રષ્ટ કરીને અવધ ખાલસા કર્યું. આની પાછળ ડેલહાઉસીનો ઉદ્દેશ કંપનીના રાજ્યવિસ્તારની સાથે અવધના ફળદ્રૂપ પ્રદેશની પુષ્કળ ઊપજ અને સંપત્તિ મેળવવાનો હતો. અવધના ઘણા જાગીરદારોની જાગીર પણ ડેલહાઉસીએ આ જ કારણસર જપ્ત કરી હતી. નવાબને કલકત્તામાં નજરકેદ રાખવામાં આવ્યો. અંગ્રેજોએ તેને વાર્ષિક 12 લાખ રૂપિયાનું વર્ષાસન આપવાની કરેલી દરખાસ્તને નવાબે એમ કરીને ઠુકરાવી કે અંગ્રેજોએ તેનું સ્વમાન અને સ્વદેશ ઝૂંટવી લીધાં હતાં, માટે તે અંગ્રેજોની દયા પર પોતાનું પોષણ કરવા માગતો ન હતો. જેમ્સ આઉટરામને અવધના વહીવટકર્તા તરીકે નિયુક્ત કરવામાં આવ્યો તથા નવાબના આશરે 6૦,૦૦૦ સિપાઈઓને છૂટા કરવામાં આવ્યા.
નવાબ વાજિદઅલીશાહ સિપાઈઓ, લોકો તેમજ જાગીરદારોમાં પ્રિય હોવાથી મે, 1857માં વિપ્લવ શરૂ થતાંની સાથે જ અવધના સિપાઈઓ અને જાગીરદારોએ કંપની સરકાર સામે બળવો પોકાર્યો. અવધના લોકોએ તેમાં પૂરો સાથ આપ્યો. નવાબની બેગમ હઝરતમહાલની નેતાગીરી નીચે વિપ્લવકારીઓએ લખનૌ સહિત અવધના મોટા ભાગના પ્રદેશો કબજે કર્યા. આઉટરામને આશરે ચાર માસ સુધી લખનૌની અંગ્રેજી કોઠીમાં આશરો લેવો પડ્યો. વાજિદઅલીનો પુત્ર સગીર હોવાથી બેગમ હઝરતમહાલે લખનૌ તથા અવધનો વહીવટ સંભાળી લીધો. અંગ્રેજ સેનાઓથી અવધને બચાવવા વીરતાપૂર્વક અંગ્રેજો સામે લડેલા જાગીરદારો – ફૈઝાબાદના મૌલવી અહમદશાહ, રુઇયાના ઠાકોર નરપતસિંહ, શંકરપુરના રાણા વેણીમાધવ વગેરેએ શહીદી વહોરી. બેગમ હઝરતમહાલ અવધ તાત્કાલિક અંગ્રેજોને સોંપી દે તે શરતે અંગ્રેજોએ બેગમ સાથે સારો વર્તાવ કરવાની તથા તેને સારું વર્ષાસન આપવાની દરખાસ્ત કરી, જેનો બેગમે ઇન્કાર કરીને નેપાળમાં નિર્વાસિત તરીકે બાકીની જિંદગી વિતાવી. અવધની જીત બાદ અંગ્રેજોને હસ્તક અવધની પુષ્કળ સંપત્તિ આવી હતી.
રમણલાલ ક. ધારૈયા