તાનાકા, કાકુઈ (જ. 4 મે 1918, કરિવા, જાપાન; અ. 16 ડિસેમ્બર 1993, મિનાટો, જાપાન) : જાપાનના રાજકીય નેતા અને પ્રધાનમંત્રી (1972–74). ઢોરના દલાલના એકમાત્ર પુત્ર. 15 વર્ષની વયે અભ્યાસ છોડ્યો અને ટોકિયો ખાતે સ્થળાંતર કર્યું. 1937 સુધીમાં પોતાની બાંધકામ માટેની પેઢી સ્થાપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધંધામાં તેમણે સારી એવી સમૃદ્ધિ હાંસલ કરી. 1947માં જાપાની સંસદ ડાયેટના નીચલા ગૃહમાં તેઓ ચૂંટાઈ આવ્યા અને જાપાનના લિબરલ ડેમૉક્રેટિક પક્ષના પ્રતિનિધિ તરીકે સેવા આપી. જાપાનના આ પ્રભાવક લિબરલ ડેમૉક્રેટિક પક્ષના પ્રધાનમંડળમાં ટપાલસેવાઓ અને સંદેશાવાહનવ્યવહારના મંત્રી તરીકે (1957) અને ત્યારપછી વિત્તમંત્રી તરીકે (1962–64) કામ કર્યું. 1965 અને 1968માં તેઓ પોતાના પક્ષના મહામંત્રી બન્યા. વડાપ્રધાન સાટો ઇસાકુના પ્રધાનમંડળ(1964–1972)માં તેઓ વિદેશવ્યાપાર અને ઉદ્યોગમંત્રી તરીકે (1971–72) રહ્યા. ત્યારબાદ સાટોના અનુગામી તરીકે 1972માં પ્રધાનમંત્રી બન્યા. યુદ્ધોત્તર જાપાનના અન્ય પ્રધાનમંત્રીઓની તુલનામાં તેઓ સુધારાવાદી પ્રધાનમંત્રી હતા. પ્રધાનમંત્રી તરીકે ચૂંટાયા બાદ થોડા સમયમાં તેમણે ચીનની મુલાકાત લીધી અને ટોકિયો તથા બેજિંગ વચ્ચે વ્યાપારી સંબંધો બાંધવા અંગેના ખતપત્ર પર સહી કરી. નાણાકીય ગેરરીતિના મુદ્દા પર ડિસેમ્બર, 1974માં પ્રધાનમંત્રી તરીકે રાજીનામું આપવું પડ્યું. પાછળથી તેમણે જાપાન માટે વિમાન ખરીદવા અંગેના લૉકહીડ કૉર્પોરેશન સાથેના સોદામાં લાંચ લેવા બદલ તેમને ગુનેગાર ઠરાવી શિક્ષા કરવામાં આવી હતી.
નવનીત દવે