તાનસેન (જ. 1532, બેહટ, ગ્વાલિયર; અ. 1585, દિલ્હી) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે ચિરકાલીન ખ્યાતિ ધરાવતા ગાયક કલાકાર તથા સર્જક. પિતાનું નામ મકરંદ કે મુકુન્દરામ પાંડે. તેમનાં સંતાનોમાં તાનસેન એકમાત્ર જીવિત સંતાન. તેઓ સંગીતમાં રસ લેતા અને હરિકીર્તન કરતા. તેઓ ગ્વાલિયરના મહારાજા રામનિરંજનના દરબારી હતા. તાનસેનનું મૂળ નામ રામતનુ કે ત્રિલોચન મિશ્ર કે તન્ના મિશ્ર હતું. ‘નારદવિનોદ ગ્રંથ’માં સ્વામી હરિદાસજીના શિષ્યોમાં તાનસેન(તન્ના મિશ્ર)ના નામનો ઉલ્લેખ છે. ગ્વાલિયરના મહારાજાએ ત્રિલોચન(તન્ના)ને ‘તાનસેન’ની ઉપાધિ આપી હતી. નાનપણમાં તન્ના પશુપક્ષીઓની વિભિન્ન બોલીઓની આબેહૂબ નકલ કરતા. સ્વામી હરિદાસજી એમની આ પ્રાકૃતિક પ્રતિભાથી પ્રભાવિત થયા અને તન્નાને સંગીતની દીક્ષા આપી. લગભગ 10 વર્ષ સુધી સ્વામીજી પાસે સંગીતની શિક્ષા પ્રાપ્ત કર્યા પછી સ્વામીજીની આજ્ઞાથી તેઓ સંગીતની વધુ શિક્ષા પ્રાપ્ત કરવા માટે ગ્વાલિયરના ફકીર મોહમ્મદ ઘાઉસ પાસે રહ્યા.
ગાયક તરીકે પ્રસિદ્ધિ પામ્યા બાદ તાનસેનને રેવા સંસ્થાનના રાજા રામચંદ્રે ‘રાજગાયક’ તરીકે નિયુક્ત કર્યા. 1561ના અરસામાં અકબર બાદશાહે રેવાના રાજાને ‘તન્ના’ના ભારોભાર સોનું આપીને તેને પોતાની પાસે નોકરીમાં રાખી લીધાનું કહેવાય છે. ત્યારથી તાનસેનની કીર્તિ સર્વત્ર ફેલાતી ગઈ. અકબરના દરબારમાં ‘નવરત્નો’માં તાનસેનનો સમાવેશ થતો હતો. અકબરે તાનસેનને પોતાના ઉસ્તાદ પણ બનાવ્યા. બાદશાહના આગ્રહથી તાનસેને ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. બાદશાહે તેમને ‘મિર્ઝા’ પદવી આપી. અકબરના સમયના મહાકવિ ભક્ત સૂરદાસની સાથે તાનસેનનો ગાઢ પરિચય હતો એમ જણાય છે. તેમના પિતા બાબા રામદાસ પોતે ગાયક અને તાનસેનના ગુરુબંધુ હતા. તાનસેન અને સૂરદાસ બન્નેએ પોતપોતાનાં કવનોમાં એકબીજાની પ્રશંસા કરી છે.
તાનસેન ગાયક હોવા ઉપરાંત માર્મિક કવિ અને રચનાકાર પણ હતા. એમણે રચેલાં ઘણાં ધ્રુપદોમાં રેવાનરેશ રામચંદ્ર અને અકબર બાદશાહની સ્તુતિરૂપ રચનાઓ છે. તેમાં ઈશ્વરભક્તિનાં કવનોનો પણ સમાવેશ થાય છે. ‘મિશ્રબંધુવિનોદ’માં તાનસેને લખેલા ત્રણ ગ્રંથોનો ઉલ્લેખ છે : (1) સંગીતસાર, (2) રામમાલા, (3) શ્રી-ગણેશસ્તોત્ર. આ ગ્રંથોનો રચનાકાળ ઈ. સ. 1561 આપવામાં આવ્યો છે. ધ્રુપદ ગાયકીની ચાર બાનીઓમાં ‘ગૌડી’ બાની તાનસેને પોતાની શૈલીથી બનાવી હતી. કૃષ્ણલીલા પર તેમણે લખેલી પદ્યરચનાઓ પણ ઘણી પ્રચલિત છે.
તાનસેન બુદ્ધિમાન ગાયક હતા. તેમણે નવા રાગો સર્જ્યા અને તે પ્રચારમાં લાવ્યા. ‘મિયાં’ ઉપપદના જે રાગો તેમણે બનાવ્યા છે તેમાં મિયાં મલ્હાર, મિયાંકી સારંગ તથા મિયાંકી તોડીનો સમાવેશ થાય છે. દરબારી કાનડા પણ એમણે રચેલો રાગ છે.
સંગીતક્ષેત્રે તાનસેનનું મહત્વનું યોગદાન ધ્રુપદ શૈલીના કલાપક્ષનો વિસ્તાર અને વૃદ્ધિ છે. ભક્ત કલાકારો કરતાં એમની શૈલી વધારે કલાપૂર્ણ અને અલંકૃત છે એવો તદ્વિદોનો અભિપ્રાય છે. મુઘલકાળની નાજુકાઈનો પ્રભાવ એમના પર હતો અને તેનો પ્રયોગ એમણે પોતાની ગાયનશૈલીમાં સારા પ્રમાણમાં કર્યો હતો. ધ્રુપદમાં લયકારીનો પ્રારંભ ગાયનમાં તાલના અતીત, અનાગત આદિ ગ્રહોના પ્રયોગની શરૂઆત તથા ધ્રુપદ ગાયનમાં ગમક તાનોનો પ્રયોગ તાનસેનના વખતથી પ્રચલિત થયો. તેમના સમયમાં તાન અને લયકારી બંને, તત્કાલીન ગુણી જનોમાં વિશેષ લોકપ્રિય હતાં.
તાનસેને ભૈરવ રાગ ગાવામાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. અકબર બાદશાહની ફરમાશ પર તાનસેને દીપક રાગ રજૂ કરી દરબારમાં અગણિત દીપ પ્રકટાવ્યા હતા એવી કિંવદંતી છે.
તાનસેને જ્યારે તેઓ ગ્વાલિયર હતા, ત્યારે ત્યાંની વિધવા રાણી મૃગનયની જે પોતે સારી ગાયિકા હતી, તેની દાસી હુસૈની જે મૂળ હિંદુ હતી અને જેનું નામ પ્રેમકુમારી હતું, તેની સુંદરતા અને તેના સંગીતપ્રેમથી પ્રભાવિત થઈને તેની સાથે લગ્ન કર્યાં. તાનસેનને ચાર પુત્રો સુરતસેન, શરતસેન, તરંગસેન અને વિલાસખાં અને એક પુત્રી સરસ્વતી – એમ પાંચ સંતાનો હતાં. તાનસેનની દીકરીના વંશમાં બીનવાદનનો વારસો ચાલુ રહ્યો અને દીકરાના વંશમાં ગાયનકલાનો વારસો ચાલુ રહ્યો, જે ‘સેનિયા’ વંશથી ઓળખાય છે.
તાનસેને ‘રવાબ’ નામનું વાદ્ય શોધી કાઢ્યું હતું. તેઓ ગાયક તરીકે વધારે પ્રસિદ્ધિ પામ્યા છે. તેમનો અવાજ મધુર અને મર્દાની હતો એવું તેમને લગતી કથાઓ પરથી જાણવા મળે છે. તાનસેનના સુરીલા કંઠનો સમસ્ત વાતાવરણ પર પ્રભાવ પડતો.
‘આઇને અકબરી’ ગ્રંથમાં અબુલ ફઝલે તાનસેન વિશે લખ્યું છે કે આવો મહાન ગાયક પાછલાં હજાર વર્ષોમાં થયો નથી.
તાનસેનના અવસાન પછી તેમની ઇચ્છા મુજબ ફકીર મોહંમદ ઘાઉસની ગ્વાલિયર ખાતેની કબર પાસે જ તેમની કબર બનાવવામાં આવી. દર વર્ષે ત્યાં મોટો સંગીત-સમારોહ થાય છે. તેમાં ભાગ લેતા બધા ગાયકો અને વાદકો ભક્તિભાવથી સંગીતમૂર્તિ તાનસેનને પોતાનાં ગાયનવાદનથી શ્રદ્ધાંજલિ અર્પે છે.
મંદાકિની અરવિંદ શેવડે