તરંગવઈકહા

January, 2014

તરંગવઈકહા (તરંગવતી કથા) : પ્રાકૃત કથાગ્રંથ. જૈન આચાર્યોમાં સુપ્રસિદ્ધ પાદલિપ્તસૂરિએ ‘તરંગવઈકહા’ રચીને પ્રાકૃત સાહિત્યમાં નૂતન પરંપરાને જન્મ આપ્યો. પ્રાકૃત કથાસાહિત્યની આ સૌથી પ્રાચીન કથા છે. સંભવત: આ કથા ગદ્યમાં રચાઈ હશે અને વચ્ચે વચ્ચે ક્વચિત્ પદ્ય પણ હશે એવું વિદ્વાનો માને છે. ગુણાઢ્યની બૃહત્કથા પણ મૂળે ગદ્યમાં રચાયેલી એવું મનાય છે. એ પરંપરા આ અનુમાનમાં સહાયક છે. ‘તરંગવઈ’કાર તરીકે પાદલિપ્તસૂરિનો નિર્દેશ ‘અનુયોગદ્વાર સૂત્ર’(130)માં મળે છે. ‘નિશીથ વિશેષ ચૂર્ણી’માં લોકોત્તર ધર્મકથાઓનાં ઉદાહરણો તરીકે તરંગવતી, મલયવતી અને મગધસેના એ ત્રણનો ઉલ્લેખ થયો છે. ઉપરાંત ‘દશવૈકાલિક ચૂર્ણી’ (3, પૃ. 109), જીન-ભદ્રગણિ ક્ષમાશ્રમણના ‘વિશેષાવશ્યક ભાષ્ય’(ગાથા 1508)માં, ઉદ્યોતનસૂરિના ‘કુવલયમાલા’માં, ધનપાલની (ઈ. સ. 975–1145) ‘તિલકમંજરી કથા’ના પ્રાસ્તાવિક શ્લોકોમાં અને લક્ષ્મણગણિ(ઈ. સ. 1145)ના ‘સુપાસનાહ ચરિય’માં આ કથાનો પ્રશંસાત્મક નિર્દેશ કરાયો છે.

પ્રભાચંદ્રસૂરિરચિત ‘પ્રભાવકચરિત’માં પાદલિપ્તસૂરિ વિશે જણાવ્યું છે કે આ કવિ કોશલ દેશના નિવાસી હતા. તેમના પિતાનું નામ ફુબ્લ અને માતાનું નામ પ્રતિમા હતું. બાળપણમાં તેમણે જૈનદીક્ષા લઈને મથુરા, પાટલિપુત્ર, લાટ, સૌરાષ્ટ્ર, શત્રુંજય વગેરે પ્રદેશોમાં ભ્રમણ કર્યું હતું. સાતવાહનવંશી રાજા હાલની વિદ્વત્સભાના એ એક સુપ્રતિષ્ઠિત કવિ મનાય છે. રાજા હાલે પોતે ‘ગાથાસપ્તશતી’માં ગુણાઢ્ય, પાદલિપ્તસૂરિ વગેરેની ગાથાઓનો સંગ્રહ કર્યો છે. પ્રોફેસર લોયમાનના મતે પાદલિપ્તસૂરિનો જીવનકાળ ઈ. સ.ની બીજી-ત્રીજી શતાબ્દી માનવામાં આવે છે.

‘તરંગવતી કથા’ તો લુપ્ત થઈ ગઈ છે, પણ તેની રચના પછી આશરે એક હજાર વર્ષે તેનો ‘તરંગલોલા’ રૂપે 1642 ગાથાઓમાં સંક્ષેપ આચાર્ય વીરભદ્રના શિષ્ય નેમિચંદ્રગણિએ પોતાના શિષ્ય યશ માટે તૈયાર કર્યો હતો. આ કથાનો પ્રચાર લુપ્ત થવા માંડ્યો હતો તેથી આ સંક્ષેપ તૈયાર કર્યો છે એવું નેમિચંદ્રગણિએ જણાવ્યું છે. આ ઉપર ‘તરંગવતીકથા’માં જમુનાકિનારે આવેલા કૌશામ્બીનગરના ઋષભસેનને આઠ પુત્રો પછી પ્રાપ્ત થયેલ તરંગવતી નામની પુત્રીની કથા નિરૂપાઈ છે. કથાનું કથન તરંગવતી પોતે જ કરતી હોય તેવી શૈલી અપનાવી હોવાનું જણાયું છે. કથામાં તરંગવતીનું બાળપણ, શિક્ષણ, પૂર્વભવનું જાતિસ્મરણ, પૂર્વભવનો વૃત્તાંત, પૂર્વભવમાં વ્યાધ દ્વારા પોતાના ચકવા પતિનો વધ, વિરહ, અગ્નિમાં પ્રાણત્યાગ પછી તરંગવતી તરીકે જન્મની કથા છે. ત્યારબાદ તરંગવતીએ પૂર્વભવના સ્વામીને પ્રાપ્ત કરવા આયંબિલ કરી, કાશીના રાજમાર્ગ પર પૂર્વભવની ઘટનાનું ચિત્ર મૂક્યું. એ જોઈ ધનદેવના પુત્ર પદ્મદેવને પોતાનો પૂર્વભવ યાદ આવ્યો. બંને મળ્યાં, પણ માતાપિતાએ એમને પરણવાની સંમતિ ન આપી. તેથી બંને જણે નાવડી દ્વારા જમુના પાર થઈને ગાન્ધર્વવિવાહ કરી લીધો. થોડા વખત પછી ચોરોએ આક્રમણ કર્યું. તેમાં તે બંને તેમના હાથે પકડાઈ ગયાં. ચોરો તેમને કાત્યાયનીના મંદિરે બલિ ચડાવવા લઈ ગયા. પણ તરંગવતીના વિલાપથી દ્રવિત થઈને ચોરોના સુભટે દયા આણી છોડી મૂક્યાં. ત્યાંથી ફરતાં ફરતાં તે બંને પાછાં કૌશામ્બી પહોંચ્યાં અને માતાપિતાને મળ્યાં. દુ:ખી માતાપિતાએ ધામધૂમથી બંનેનાં લગ્ન કર્યાં. પછી કેટલાક સમય બાદ તરંગવતીએે જૈન દીક્ષા લીધી. ચંદનબાલાની શિષ્યા બની તપ અને વ્રતોપવાસ કરવા લાગી અને અંતે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી બંને પ્રેમીઓ સિદ્ધપદ પામ્યાં.

નારાયણ કંસારા