તમાકુસેવન : તમાકુ કે તેની પેદાશ કે બનાવટને ખાવી, ચાવીને તેના રસનું પાન કરવું, સૂંઘવી, દાંતે અને પેઢાં પર ઘસવી કે તેનું ધૂમ્રપાન કરવું તથા તેની આદત અથવા કુટેવ પડવી તે. 40 % કૅન્સરના દર્દીઓમાં તમાકુનું સેવન હોય છે અને તેથી તેનો નિષેધ કૅન્સર થતું રોકી શકે તેવી માન્યતા ઉત્પન્ન થયેલી છે. એક અંદાજ મુજબ દર વર્ષે વિશ્વમાં 1 કરોડ લોકો તમાકુસેવનથી થતા વિવિધ રોગોથી મૃત્યુ પામે છે. ભારતમાં પણ લગભગ દસ લાખ લોકો તેને કારણે મૃત્યુ પામે છે એવું મનાય છે. આધુનિક યુગમાં થતા મુખ્ય રોગોમાં જીવન જીવવાની પદ્ધતિની ખામીઓ મુખ્ય ગણાય છે. તમાકુ અને અન્ય વ્યસનોનું સેવન વ્યક્તિગત માનસિક નબળાઈ તથા કૌટુંબિક અને સામાજિક પરિબળો વડે પોષાય છે. અગાઉ ભારતીય ગ્રંથોમાં તમાકુનો ઉલ્લેખ નથી તેથી તે ભારતમાં બહારથી પ્રવેશી છે. એક માન્યતા પ્રમાણે અમેરિકાની શોધ સાથે તેનો સંબંધ છે. કૅરેબિયન સમુદ્રના હાઇટી, ક્યૂબા વગેરે ટાપુના આદિવાસીઓ તેનો ઉપયોગ કરતા હતા. કોલંબસની બીજી વારની સફર દરમિયાન તેના સાથીદાર રોમાનો પાનેએ કરેલી વ્યવસ્થાને આધારે સ્પેનમાં તમાકુના છોડ આવ્યા. આદિવાસીઓ જે ભૂંગળીમાં તમાકુનાં પાન ભરીને નશો કરતા તેને ટબાકો કહેતા. તેને આધારે કદાચ ‘ટૉબેકો’ નામ પડ્યું છે. ફ્રાન્સિસ તોલેજો નામનો વેપારી સ્પેનમાંથી તમાકુને યુરોપમાં બીજે બધે લઈ ગયો. સર વૉલ્ટર રેસિંગે સિગારેટ બનાવવાની રીત શોધી. કહે છે કે પોર્ટુગલમાંના ફ્રાન્સના એલચી જીયા નિકોટને તેની એટલી બધી આદત પડી ગઈ કે તમાકુને ‘લૅડી નિકોટીન’ નામે લોકો ઓળખવા માંડ્યા. વખત જતાં તેમાંના સક્રિય દ્રવ્યની શોધ થઈ, જેને ‘નિકોટીન’ નામ અપાયું.

તમાકુનું સેવન મુખ્યત્વે બે રીતે થાય છે – ધૂમ્રપાન (smoking) કરીને અને ધૂમ્રરહિત (smokeless) સેવનથી. તમાકુ ચાવવી, સૂંઘવી કે તેનાથી દંતમંજન કરવાની ટેવનો ધૂમ્રરહિત તમાકુ સેવનમાં સમાવેશ થાય છે. ધૂમ્રપાનમાં બીડી, સિગારેટ, સિગાર, હુક્કો, ચુંગી વપરાય છે. ગુટખા, મસાલા, કિમામ, પાન વગેરે વિવિધ રીતે તમાકુને ચાવીને તેનો રસ મેળવાય છે. તમાકુના ધૂમ્રપાનની અસર ઓછી થાય તેવા હેતુસર ફિલ્ટરવાળી તથા ઓછા ટાર અને ઓછી નિકોટીનવાળી સિગારેટો શોધાઈ છે પરંતુ તેથી તમાકુની કેટલીય ઘાતક અસરો ઘટી નથી. પશ્ચિમના દેશોમાં પ્રચાર અને જાણકારીનો વ્યાપ વધવાની સાથે ધૂમ્રપાન ઘટી રહ્યું છે. એવો ઘટાડો હજુ વિકાસશીલ દેશોમાં જોવા મળતો નથી.

તમાકુથી તેના સેવન કરનારને, ગર્ભમાં રહેલા શિશુને તથા ધૂમ્રપાન કરનારની સાથે રહેનાર વ્યક્તિ (પત્ની, બાળકો) તથા સાથે કામ કરનાર વ્યક્તિઓને પણ નુકસાન થાય છે. આવા સહકાર્યકર અને સહરહીશ દ્વારા થતા ધૂમ્રપાનને ‘passive smoking’ કહે છે. નાની ઉંમરે થતું નુકસાન વધુ તીવ્ર હોય છે.

તમાકુમાંનાં ઝેરી દ્રવ્યો : તમાકુમાં જુદાં જુદાં 4000 તત્વોને શોધી કઢાયાં છે, જે વત્તેઓછે અંશે નુકસાનકારક છે. તેમાંના ટાર, નિકોટીન, કેટલાંક ક્ષોભકો (irritants) અને કોષોના તાંતણા જેવા પ્રવર્ધો(કશા, cilia)ને નુકસાન કરનારાં તત્વો મુખ્ય છે. વળી ધૂમ્રપાન કરનારના લોહીમાં કાર્બન મૉનૉક્સાઇડનું પ્રમાણ વધે છે જે લોહીના ઑક્સિજનની વહન કરવાની ક્ષમતા ઘટાડે છે. હૃદયરોગ જેવા વિકારોમાં હૃદયના સ્નાયુને પૂરતો ઑક્સિજન ન મળે તો તે ક્યારેક જીવનને જોખમ કરે છે. કાર્બન મૉનૉકસાઇડયુક્ત હીમોગ્લોબિન તેથી જોખમી બને છે.

નિકોટીનની અસર ઝડપી થાય છે.  તમાકુના સેવન પછી લગભગ 7 સેકન્ડમાં તે મગજને ઉત્તેજિત કરે છે અને તેની અંદરનાં ચેતાકેન્દ્રોની કાર્યક્ષમતાને અસર કરે છે. એક અંદાજ મુજબ એક સિગારેટમાં 100 મિગ્રા. જેટલું નિકોટીન હોય છે. ટારને જો સતત ચામડી પર લગાવવામાં આવે તો તેને કૅન્સર કરે છે. એક સિગારેટમાં 30 મિગ્રા.થી 40 મિગ્રા. ટાર હોય છે, જે ફેફસાં અને શ્વાસનળીઓની નાજુક દીવાલને નુકસાન કરે છે. સિગારેટના બળતા છેડાનું તાપમાન 500° સે.થી 900° સે. હોય છે; તેથી તે સમયે અનેક ઝેરી તત્વો વાયુરૂપ થઈને ધુમાડામાં પ્રવેશે છે, શ્વાસમાં અંદર જાય છે. મોંમાં પ્રવેશતા ધુમાડાનું તાપમાન પણ 300° સે. જેટલું હોય છે એવી ગણતરી કરવામાં આવી છે.

તમાકુની ઝેરી અસરો : તમાકુ શરીરના વિવિધ અંગો અને અવયવો પર નુકસાનકારક અસર કરે છે. તેની અસર હૃદય, લોહીની નસો, લોહીમાંના ઑક્સિજનનું પ્રમાણ, મોં-ગળાની અંદરની દીવાલ, ફેફસાં, હોઠ, જીભ, મોં, ગળું, સ્વરપેટી, અન્નનળી, જઠર, મૂત્રાશય, મૂત્રપિંડ, સ્વાદુપિંડ (pancreas), પુરસ્થ (prostate) ગ્રંથિ, આંખ, પ્રજનનક્ષમતા, ગર્ભસ્થ શિશુ, દુગ્ધસ્રાવ (lactation) વગેરે વિવિધ અંગો, ઉપાંગો અને પ્રક્રિયાઓને  અસરગ્રસ્ત કરે છે.

સિગારેટ પીતી વખતે હૃદયના ધબકારાનું પ્રમાણ વધે છે અને લોહીનું દબાણ વધે છે. એક સિગારેટ પીતી વખતે લગભગ 5 મિલી. કાર્બનમૉનૉક્સાઇડ બને છે જે 250 મિલી. (એક બૉટલ) લોહીની ઑક્સિજન વહન કરવાની ક્ષમતા ઘટાડે છે. તમાકુમાંનું નિકોટીન હૃદયની મુખ્ય મુકુટધમની (coronary artery), મગજની ધમનીઓ તથા હાથ-પગની નસોનું સંકોચન કરીને તથા તેમાંના લોહીની ગંઠાવાની પ્રક્રિયા વધારીને હૃદયરોગ, લકવો તથા આંગળીઓના કોષનો નાશ અથવા કોથ એટલે કે પેશીનાશ (gangrene) કરે છે. 30થી 60 વર્ષની ઉંમરની દર હજાર વ્યક્તિઓમાંથી લગભગ 23ને હૃદયરોગ થાય છે. જો તેઓ ધૂમ્રપાન કરતા હોય તો 54ને હૃદયરોગનો હુમલો થાય છે. ધૂમ્રપાન કરનાર વ્યક્તિને રહેલા જોખમના કેટલાક અંદાજો ઉપલબ્ધ છે. 30 વર્ષની ઉંમરની વ્યક્તિ રોજ 1 પૅકેટ સિગારેટ પીએ તો તે 6થી 8 વર્ષ ઓછું જીવવાની સંભાવના થાય છે. 55થી 59 વર્ષના ઉંમરના ગાળામાં જેમણે 15 વર્ષ સુધી ધૂમ્રપાન કર્યું હોય તેમાંથી 45 % પુરુષો અને 28 % સ્ત્રીઓ મૃત્યુ પામે છે; પરંતુ જો તેમણે ધૂમ્રપાન છોડી દીધું હોય તો આ આંકડો અનુક્રમે 32 % અને 15 % જેટલો ઘટે છે. ધૂમ્રપાન કરતા 15 % પુરુષો અને 11 % સ્ત્રીઓ આ સમયગાળામાં મૃત્યુ પામે છે. ફેફસાં અને શ્વાસનળીઓ નબળી થવાથી બ્રૉન્કાઇટિસ, ક્ષય, એમ્ફિસિયા વગેરે વિવિધ શ્વસનમાર્ગના રોગો થાય છે. મોંની અંદરની દીવાલનો વિકાર થવાથી તેમાં સફેદ ચકતી (leucoplakia) થાય છે તથા મોં ખોલવામાં તકલીફ થાય છે. કાળાંતરે સફેદ ચકતીમાં કૅન્સર પણ ઉદભવે છે. જઠરમાં સોજો અને ચાંદાં પડે છે. અન્નમાર્ગ અને શ્વસનમાર્ગના કોષોનું કાર્ય ઘટે છે. ફેફસાં, હોઠ, જીભ, મોં, ગળું, સ્વરપેટી, અન્નનળી, મૂત્રાશય, મૂત્રપિંડ, સ્વાદુપિંડ, પુરસ્થ (prostate) ગ્રંથિનું કૅન્સર થાય છે. સગર્ભા સ્ત્રી જો ધૂમ્રપાન કરે તો ગર્ભપાત થાય છે અને પોતાના બાળકને ધવરાવતી સ્ત્રી જો ધૂમ્રપાન કરે તો તો તેના દૂધમાં નિકોટીન ભળવાથી નાના શિશુને માટે જોખમ ઉદભવે છે. ધૂમ્રપાનથી વિવિધ રોગો થવાની સંભાવના કેટલીક વધે છે. તે સારણી 1માં દર્શાવ્યું છે. તમાકુથી કૅન્સર થવાનો દર 30 %, હૃદયરોગ થવાનો દર 25 % અને ફેફસાંના રોગોનો દર 75 % થાય છે.

પરોક્ષ ધૂમ્રપાન : ફિલ્ટરવાળી કે તેના વગરની સિગારેટ પીતા સહકાર્યકર કે પતિ દ્વારા આસપાસની વ્યક્તિઓને પરોક્ષ ધૂમ્રપાનથી નુકસાન થાય છે. ફિલ્ટરવાળી સિગારેટનો 75 % પ્રદૂષણ કરતો ધુમાડો આસપાસ ફેલાય છે, જે ધૂમ્રપાન કરનાર વ્યક્તિનાં ફેફસાં કરતાં આસપાસમાં 46 ગણો વધુ એમોનિયા, 18 ગણો ટાર, 12 ગણું નિકોટીન, 5 ગણો કાર્બનમૉનૉક્સાઇડ અને 58 ગણાં કૅન્સરકારક રસાયણો ઠાલવે છે. તેથી ગીચ વસ્તી, બંધ સ્થળો, જાહેર સ્થળોએ તથા ઘરમાં ધૂમ્રપાનને વર્જિત ગણવામાં આવે છે. એક અંદાજ મુજબ, અમેરિકામાં પરોક્ષ ધૂમ્રપાનને કારણે થતા રોગોથી દર વર્ષે 5000 વ્યક્તિઓ મૃત્યુ પામે છે.

સારણી 1 : ધૂમ્રપાનથી કેટલાક રોગોની વધતી સંભાવના

રોગ/વિકાર જોખમમાં વધારો
ફેફસાંનું કૅન્સર 10 ગણો
મોંનું કૅન્સર 8 ગણો
ગળું, સ્વરપેટીનું કૅન્સર 5 ગણો
અન્નનળી, હોજરીનું કૅન્સર 1.6 ગણો
મૂત્રપિંડનું કૅન્સર 1.5 ગણો
મૂત્રાશય, પ્રૉસ્ટેટનું કૅન્સર 1.75થી 2 ગણો
સ્વાદુપિંડ(pancreas)નું કૅન્સર 1.80 ગણો
યકૃત(liver)-પિત્તાશયનું કૅન્સર 1.80 ગણો
હૃદયના ધબકારાની અનિયમિતતા 2 ગણો
હૃદયરોગ 2 ગણો
ઓચિંતું મૃત્યુ 2 ગણો
લકવો (અન્ય કારણો સાથે હોય તો) 2 ગણો
હોજરીમાં ચાંદું 2 ગણો
શ્વસનનળી-શોથ (bronchitis) 20 ગણો
ફેફસાંનો વાતસ્પિતિ (emphysena) 20 ગણો
નસો સાંકડી થવી, હાથપગ દુખવા
પેશીનાશ થવો, મોંમાંથી દુર્ગંધ આવવી અનેક ગણો

અમેરિકન કૅન્સર સોસાયટીના એક સર્વેક્ષણ મુજબ કોઈ પણ પ્રકારનું  તમાકુસેવન આયુષ્ય ઘટાડે છે અને જેટલી તેની માત્રા વધુ તેટલું જોખમ વધુ અને વહેલું ધૂમ્રપાન બંધ કરવાથી વિકાર અને મૃત્યુનું પ્રમાણ ક્રમશ: ઘટે છે. એવું તારણ કાઢવામાં આવેલું છે કે રોજ 2 સિગારેટ પીતી 7 વ્યક્તિમાંથી એકનું મૃત્યુ ફેફસાંના કૅન્સરથી થાય છે. રોજ 2 પૅકેટ 10 વર્ષ સુધી (10 x 2 = 20 પૅકેટ વર્ષ) કે રોજ 5 પૅકેટ 4 વર્ષ માટે (5 x 4 = 20 પૅકેટ વર્ષ) પીનારને કૅન્સર થવાનો દર 1 % છે (લગભગ બમણો). જેમ પૅકેટની સંખ્યા તથા વર્ષોનો ગાળો વધુ તેમ કૅન્સર થવાનો ભય પણ વધુ અને તેથી 20 વર્ષ સુધી રોજ 3 પૅકેટ સિગારેટ પીતી (20 x 3 = 60  પૅકેટ વર્ષ) 100 વ્યક્તિઓમાંથી 5ને કૅન્સર થાય છે. 20 વર્ષ સુધી  5 પૅકેટ (100 પૅકેટ વર્ષ) પીતી 100 વ્યક્તિઓમાંથી 13ને અને 135 પૅકેટ વર્ષ જેટલું ધૂમ્રપાન કરતી દર 3 વ્યક્તિમાંથી એકને ફેફસાંનું કૅન્સર થાય છે. સિગારેટની લંબાઈ તથા કશને ઊંડો ખેંચવાની ટેવ જેટલી વધુ તેટલું જોખમ પણ વધે છે.

ભારતમાં તમાકુસેવન : ભારતીય રાષ્ટ્રીય કૅન્સર નોંધણી પ્રોજેક્ટ દ્વારા મેળવાયેલા આંકડાઓ દ્વારા જોવા મળ્યું છે કે તમાકુ ચાવવાથી મોંનું કૅન્સર, બીડી પીવાથી ગળા અને સ્વરપેટીનું કૅન્સર અને સિગારેટ પીવાથી ફેફસાંનું કૅન્સર વધુ થાય છે.

ભારતમાંની અગાઉ પ્રચલિત તમાકુ ચાવવાની અને હુક્કો પીવાની પદ્ધતિને સ્થાને પાનમસાલા અને સિગારેટ પીવાની આદત વધતી જઈ રહી છે. ભારતમાં દર વર્ષે 1,90,000 કૅન્સરના નવા દર્દીઓ(કુલ કૅન્સરના દર્દીઓના ત્રીજા ભાગના)ને તમાકુને કારણે કૅન્સર થાય છે. તેથી ભારતમાં કોઈ પણ હિસાબે 500,000 કૅન્સરના દર્દીઓ તમાકુને કારણે રોગગ્રસ્ત થયેલા જોવા મળે છે અને તેથી દર વર્ષે એ કારણે 1,00,000 વ્યક્તિઓ મૃત્યુ પામે છે. છેલ્લાં કેટલાંક વર્ષના અભ્યાસ પરથી મનાય છે કે આ આંકડા હજુ વધતા રહેશે. વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા બે દેશો ચીન અને ભારતમાં 18થી 20 વર્ષની ઉપરના 1/3 થી 1/4 પુરુષો તમાકુ ચાવવાના કે ધૂમ્રપાન કરવાના વ્યસની છે. અન્ય કેટલાક વિકાસશીલ દેશોમાં આ પ્રમાણ 50 % જેટલું છે. તમાકુનો સૌથી વધુ વપરાશ ચીનમાં છે. (9,15,000 ટન/વર્ષ). ભારત તેમાં ત્રીજે સ્થાને છે. (3,35,000 ટન/વર્ષ). ભારતમાંના તમાકુના વ્યસનીઓમાંથી 86 % ધૂમ્રપાન કરે છે, 13 % ચાવે છે અને 1 % સૂંઘે છે. બીડી હજુ પણ સિગારેટ કરતાં વધુ પ્રચલિત છે. હુક્કો, ચલમ વગેરેનું પ્રમાણ ઘટી રહ્યું છે. મોં અને ગળાનું કૅન્સર તમાકુ ચાવનારાઓમાં ધૂમ્રપાન કરનારાઓ કરતાં વધુ છે (ક્રમશ: 5 % અને 2.5 %), પરંતુ તે બંને કરનારાઓમાં તો તે અનેકગણું વધી જાય છે. (10 %થી 30 %) ફેફસાંનું કૅન્સર મુખ્યત્વે ધૂમ્રપાન કરનારાઓમાં જોવા મળે છે. 75થી 80 મિમી.ની બીડી 40 ગ્રામ ટાર અને 2.5 ગ્રામ નિકોટીન આપે છે, જ્યારે 1 સિગારેટ 19 થી 28 ગ્રામ ટાર અને 1 થી 1.8 મિગ્રા. નિકોટીન આપે છે. કાર્બનમૉનૉક્સાઇડ પણ બીડી પીનારાઓને વધુ મળે છે. ભારતમાં મળથી સિગારેટોનાં ફિલ્ટર પશ્ચિમી સિગારેટો કરતાં 1 કદનાં હોય છે.

ભારતમાં કરાયેલા અભ્યાસોને આધારે તારણ કાઢ્યું છે કે જો ધૂમ્રપાનમાં ઘટાડો થાય તો 40થી 59 વર્ષ દરમિયાન થતા હૃદયરોગના હુમલાઓમાં 30 % થી 50 % જેટલો ઘટાડો શક્ય બની શકે. સફેદ કૉલરવાળા તથા ભૂરા કૉલરવાળા કર્મચારીઓમાં ધૂમ્રપાન ન કરનારાની સરખામણીએ બીડીથી 3 ગણાના દરે અને સિગારેટથી 2.8 ગણાના દરે હૃદયરોગનો હુમલો થાય છે. હૃદયરોગના હુમલામાં અગત્યનાં ગણાતાં અન્ય પરિબળો – ગઠનકોષો(platelets)નું એકત્રીકરણ, મુક્ત ચરબીના ઍસિડનું પ્રમાણ તથા કાર્બનમૉનૉક્સાઇડના ઉત્પાદન પર પણ ધૂમ્રપાનની અસર નોંધવામાં આવેલી. તેના ફલિતાર્થ રૂપે નિશ્ચિત કરાયું છે કે બીડી અને સિગારેટ – બંને હૃદયરોગની સંભાવના લગભગ એકસરખી રીતે વધારે છે. ધૂમ્રપાન છોડવાથી જોખમમાં ઘટાડો થાય છે તે પણ નોંધવામાં આવ્યું છે. આ જ પ્રકારના અભ્યાસો ફેફસાં તથા અન્નમાર્ગના કૅન્સર સિવાયના રોગો માટે કરાયેલા છે.

પશ્ચિમી સ્ત્રીઓ કરતાં જુદી રીતે ભારતીય સ્ત્રીઓ  તમાકુ સેવન કરે છે. તેઓ મોટેભાગે તમાકુ ચાવે છે અથવા દાંતે ઘસે છે. કેટલીક તેને સૂંઘે છે. તેને કારણે ત્રણગણો વધારે મૃતશિશુજન્મ (still birth) અને 100થી 400 ગ્રામ ઓછા વજનનાં બાળકોનો જન્મ જોવા મળ્યો છે. બાંગ્લાદેશમાં જન્મસમયની આસપાસના ગાળામાં થતા ગર્ભશિશુ કે નવજાત શિશુના મૃત્યુમાં બમણો વધારો થાય છે તે નોંધાયેલું છે. ભારતના 4 જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા સર્વેક્ષણ આધારે નોંધાયું છે કે 15 થી 44 વર્ષની 10 % થી 60 % સ્ત્રીઓ  તમાકુ સેવન કરે છે. લગભગ 10 % સ્ત્રીઓ તમાકુ ચાવે છે. અને 2.5 % સ્ત્રીઓ બીડી પીએ છે. તેથી તેઓ જો ધૂમ્રપાન અટકાવે તો 17 % જેટલાં મરેલાં જન્મતાં બાળકો (મૃતશિશુજન્મ) અને 11 %થી 12 % જેટલો જન્મકાળની આસપાસનો મૃત્યુદર ઘટી શકે. નિકોટીન માના દૂધ અને લાળમાં બહાર જાય છે, જે નવજાત શિશુ માટે જોખમી બને છે.

ભારતના 7 જુદા જુદા વિસ્તારોમાં કરાયેલા સર્વેક્ષણ મુજબ 62 %થી 82 % પુરુષો અને 15 %થી 67 % સ્ત્રીઓ (એકંદરે 44 %થી 74 % વસ્તી)  તમાકુ સેવન કરે છે. તેમાં ભાવનગર, અર્નાકુલમ્, શ્રીકાકુલમ્, સિંગભૂમ્, દરભંગા પુણે અને મણિપુરને આવરી લેવાયાં છે. શ્રીકુલમ અને દરભંગામાં સ્ત્રીઓમાં ધૂમ્રપાન વધુ હતું (40 % થી 64 %), જ્યારે અન્ય સ્થળોએ તમાકુ ચાવવાનું પ્રમાણ વધુ હતું (15 % થી 49 %). પુણેમાં પુરુષો ધૂમ્રપાન ઓછું કરે છે (6 %), પરંતુ તમાકુ વધુ ચાવે છે (53 %). અન્ય સ્થળે પુરુષો ધૂમ્રપાન વધુ કરે છે. અર્નાકુલમ્, દરભંગા અને મણિપુરમાં 20 %થી 26 % પુરુષોમાં બંને પ્રકારનું વ્યસન નોંધવામાં આવેલું છે. ભારતમાંના મૃત્યુદર સાથે આ આંકડાઓને જોડીને એવું તારણ કઢાયું છે કે ભારતમાં દર વર્ષે ઓછામાં ઓછા 6,30,000થી 10 લાખ માણસો તમાકુને કારણે મૃત્યુ પામે છે.

સામાજિક અને આર્થિક પાસાં : પ્રત્યક્ષ કે પરોક્ષ ધૂમ્રપાનને કારણે ગર્ભપાત, ઓછાં વજનનાં બાળકોનો જન્મ, જન્મજાત ખોડના દરનો વધારો, માનસિક વિકાસમાં ઊણપ, બાળકના અભ્યાસમાં ધીમો વિકાસ, અકાળ વૃદ્ધત્વ, પીડાકારક વૃદ્ધાવસ્થા, વહેલી ઉંમરે હૃદયરોગ, કૅન્સર થવાથી અકાળ નિવૃત્તિ, વહેલું મૃત્યુ (5 %), વ્યસનને કારણે થતો વધુ પડતો ખર્ચ તથા તેનાથી થતા રોગોની સારવારમાં થતો ખર્ચ, ઘર કે જાહેર સ્થળે આગ લાગવા જેવા અકસ્માતોનો ભય વગેરે અનેક પરિબળો વ્યસની વ્યક્તિના જીવનમાં કૌટુંબિક, સામાજિક અને આર્થિક પશ્નો ઊભા કરે છે. એક અંદાજ મુજબ વર્ષે 6 લાખ કરોડ સિગારેટો પિવાય છે. તેથી ધૂમ્રપાન પાછળ 100 અબજ ડૉલરનો ખર્ચ થાય છે. વળી તેની જાહેરાતો માટે પણ 800 કરોડ વપરાય છે.

તમાકુસેવનની વ્યસનાસક્તિ અને વ્યસનમુક્તિ : વ્યસનમુક્તિનાં પરિબળોની ચર્ચા વ્યસનગ્રસ્ત થવાની પ્રક્રિયા સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે, એક તરુણ કે પુખ્ત કે જે  તમાકુસેવન કરતો જ નથી તેના પર બે મુખ્ય પરિબળો કામ કરે છે – જાહેરાતોનો મારો અને કુટુંબ અને સમાજમાંની પુખ્તવયની અને આગળ પડતી વ્યક્તિઓનું અનુકરણ. સમાજ અને કુટુંબમાં જો તમાકુસેવનનો રિવાજ હોય અને રમતવીર, અભિનેતા કે અન્ય સફળ વ્યક્તિઓ ધૂમ્રપાન કરતી વારંવાર જોવામાં આવે તો માણસ દેખાદેખીથી કે ક્યારેક માનસિક નબળાઈના સમયે  તમાકુસેવન તરફ વળે છે. આ સમયે જાહેરાતો પર રોક લાવવામાં આવે તથા સમાજશિક્ષણ દ્વારા કુટુંબમાં કે જાહેર સ્થળે ધૂમ્રપાન પર નિષેધ કે સમજાવટ રાખી શકાય તો નવા વ્યસનપ્રવેશીને અટકાવવામાં મદદરૂપ બને. જાહેરાતોથી કે મોટાંઓને જોઈને અનુકરણ કરવા માંગતી વ્યક્તિ સૌપ્રથમ તો તેનો પ્રયોગ કરે છે. તે સમયે તમાકુ કે સિગારેટની સુલભ ઉપલબ્ધિ, વેપારી આકર્ષણની રીતો તથા સાથી–સંગાથીઓનું દબાણ કે વલણ પ્રથમ પ્રયોગ માટે પ્રેરે છે; તેથી તમાકુ કે તેની પેદાશ પર પ્રતિબંધ મૂકવાથી, તેનું વેચાણ નિયંત્રિત કરવાથી, શાળાના મેદાન કે અન્ય સ્થળે જાહેર ધૂમ્રપાનનો નિષેધ કરવાથી તથા સાથી-સંગાથીઓનો વિરોધ કરવાનું શિક્ષણ આપવાથી આ તબક્કે ધૂમ્રપાન અટકાવી શકાય છે. પછીનો તબક્કો પ્રથમ પ્રયોગનો છે જે કાયમી કે નિયમિત વપરાશમાં પરિણમે છે. સતત જાહેરખબરો અને સહેલાઈથી મળતી તમાકુ કે સિગારેટ વ્યક્તિને નિયમિત સેવન તરફ દોરી જાય છે. શાળા-કૉલેજમાં વ્યવસ્થિત તમાકુવિરોધી કાર્યક્રમો, આત્મગૌરવ અંગેનું શિક્ષણ, તમાકુ અને ધૂમ્રપાનનો સામાજિક વિરોધ તથા કરવેરા વડે તમાકુ કે તેની પેદાશને ખર્ચાળ કરવાથી નિયમિત સેવનમાં અટકાવ આવી શકે છે. છેલ્લો તબક્કો છે તમાકુવ્યસનનો – સામાજિક કે વ્યાવસાયિક વાતાવરણ, મન:સ્થિતિ(mood)ના ફેરફાર વખતે તમાકુનો આશરો લેવાનું વલણ તથા અન્ય મનોવૈજ્ઞાનિક કે સામાજિક કારણો નિયમિત સેવનને વ્યસનમાં રૂપાંતરિત કરે છે. જાહેર સ્થળોએ ધૂમ્રપાન પર નિષેધ આ તબક્કે ઉપયોગી – અવરોધક બળ ગણાય છે. શરૂઆતના પ્રયોગો કરનાર વ્યક્તિને પાછી વાળવા માટે શૈક્ષણિક તથા કાયદાકીય પરિબળો વાપરવાં જોઈએ. એકલ-દોકલ પ્રયોગ કરનારને નિયમિત સેવનમાંથી અટકાવવા માટે પણ તે જ પ્રયત્નો ઉપયોગી નીવડી શકે છે.

જે વ્યક્તિ તમાકુ પર આધાર રાખતી વ્યસની બની ગઈ હોય તે  તમાકુસેવનની સતત ઇચ્છા રાખે છે અને તેનો અમલ કરે છે. સામાન્ય રીતે આ તબક્કો પુખ્તવયે જોવા મળે છે. સૌપ્રથમ તેને તેમાં ટૂંકા ગાળાની અને પછીથી લાંબા ગાળાની સફળતા મળે છે અને તે કાયમી વ્યસની બને છે. આ સમયગાળામાં પણ કેટલાક પ્રયત્નો વ્યક્તિને વ્યસનમુક્તિ અપાવે છે. વ્યક્તિની ઇચ્છાને દાબવા માટે તમાકુ વિરુદ્ધ માહિતીનો પ્રચાર, તબીબી અને દાંતના ડૉક્ટરો દ્વારા તેનો વિરોધ, બિનવ્યસની સફળ સજ્જનોનો ઉલ્લેખ તથા વ્યસનીનું સમાજમાં નીચું સ્થાન ગણવાની પદ્ધતિ તમાકુસેવનની ઇચ્છાને દબાવી શકે છે.  તમાકુસેવન માટેનો વધારાતો જતો ખર્ચ, તમાકુને કારણે આવી પડતી માંદગી, જાહેર માધ્યમોમાં અપપ્રચાર, સામાજિક દબાણ, તબીબી તથા દંતવિદની સ્પષ્ટ સલાહ અને સૂચન તથા જાહેર સ્થળોએ ધૂમ્રપાન પરનો નિષેધ તમાકુસેવનની ઇચ્છાને અમલમાં આવતાં અટકાવી શકે છે. આ પ્રક્રિયા ટૂંકા ગાળાની સફળતા આપે તો તેને ઉપર જણાવેલાં બધાં પરિબળોને સતત જાળવી રાખીને તેને  તમાકુસેવનમાંથી કાયમી મુક્તિ આપવાનો પ્રયત્ન કરી શકાય છે.

આ સમયે વ્યસનાસક્ત વ્યક્તિના જીવનમાં આવતા તણાવો, વ્યસનાસક્તિ, સાથી-સંગાથીઓનું અવળું દબાણ અને સામાજિક અને વ્યાવસાયિક સ્વીકારની પરિસ્થિતિ તમાકુસેવનમાંથી મુક્તિ મેળવવાનું અવરોધે છે. તેથી તે પરિબળોને પણ નાથવાં પડે છે.

વ્યસન છોડનાર વ્યક્તિને ર્દઢ મનોબળની જરૂર પડે છે. વળી તે સમયે ઊભી થયેલી શારીરિક અવલંબન (physical dependence) બગાસાં આવવાં, ગૅસ થવો, થાક લાગવો વગેરે અનેક નાની નાની તકલીફો પણ કરે છે. તેના સરળ ઉપચારો ઉપલબ્ધ છે. મનની નબળાઈ કાઢવા માટે વ્યસન છોડનારાઓ નાનાં જૂથ કે મંડળની રચના કરીને પણ પોતાની સ્થિરતા જાળવી રાખી શકે છે. વ્યસનમુક્તિ મુશ્કેલ છે પણ અસંભવિત નથી તે હવે સાબિત થયેલી હકીકત છે.

શિલીન નં. શુક્લ