તમાકુ કિર્મીર વિષાણુ : તમાકુમાં મોઝેક કે પચરંગિયો રોગ કરતા વિષાણુ. તે Tobacco mosaic virus — TMV તરીકે જાણીતા છે.
આ વિષાણુ 300 નેનોમીટર લાંબા અને 180 નેનોમીટર પહોળા, સખ્ત નળા કે સોટાના આકારના હોય છે. તેમાં જનીનદ્રવ્ય તરીકે આર.એન.એ.નો એક કુંતલ (SS-RNA) મધ્યમાં આવેલો હોય છે. આર.એન.એ. કુંતલની આસપાસ પ્રોટીનના બનેલા આશરે 2150 કૅપ્સોમર વિશિષ્ટ રૂપે ગોઠવાઈ જતાં કૅપ્સિડ આવરણની રચના બનાવે છે.
1892માં રશિયન વૈજ્ઞાનિક ઈ.ડી. ઇવનૉવ્સ્કીએ આ વિષાણુની શોધ કરી. તેણે બૅક્ટેરિયા પસાર ન થઈ શકે તેવી ગળણીમાંથી (membrane filter) તમાકુના રોગગ્રસ્ત છોડનો રસ ગાળ્યો. છતાં આ ગાળણ ચેપી રહ્યું.
ટીએમવી વિષાણુ સર્વત્ર ફેલાયેલો છે. સંપર્કથી વિષાણુ ફેલાય છે. રોગગ્રસ્ત પાંદડાંને ચોળવાથી તંદુરસ્ત પાંદડાંને તેનો ચેપ લાગે છે.
1935માં અમેરિકન રસાયણશાસ્ત્રી સ્ટેનલીએ ટીએમવીનું સ્ફટિકીકરણ કરીને તેને શુદ્ધ સ્વરૂપમાં મેળવ્યું. આ સંશોધન માટે તેને 1946માં રસાયણશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર એનાયત થયો હતો.
1935–38 દરમિયાન પિરી અને બાવડને ટીએમવી તેમજ અન્ય વિષાણુઓના રાસાયણિક સ્વરૂપ વિશે સંશોધન કર્યું
પ્રમોદ રતિલાલ શાહ