ઢબુ : ઢબુ કે ઢબુ પૈસો નામે ઓળખાતો તાંબાનો સિક્કો. વસ્તુત: ઢબુ બે પૈસા કે છ પાઈની કિંમત બરાબર હતો. તેનું વજન પણ પૈસા કરતાં બમણું હતું. સ્થાનિક લોકો તેને ‘બેવડિયું કાવડિયું’ કે ‘બેવડિયો પૈસો’ પણ કહેતા. વડોદરા રાજ્યે ‘દોન પૈસે’ના નામે આ સિક્કો ચલાવેલો. બ્રિટિશ કંપની સરકાર તેમજ પાછળથી બ્રિટિશ તાજના સિક્કાઓ તાંબાની સિક્કાશ્રેણીમાં ½ આના નામાભિધાનથી ઢબુ પાડવામાં આવેલા. ધીમે ધીમે તાંબું મોંઘું થતાં નિકલનો ½ આનો પ્રચારમાં આવ્યો અને તાંબાના ઢબુ પાડવાના બંધ થયા. કચ્છ રાજ્યે તો ‘ઢબુ’ નામ અંકિત કરેલા સિક્કા પડાવેલા. કચ્છમાં ઢીંગલો, ઢબુ, પાયલો અને આધિયો નામના તાંબાના સિક્કા પ્રચલિત હતા. 1 કોરી = 2 આધિયા = 4 પાયલા = 8 ઢબુ = 16 ઢીંગલા એવો પરસ્પરનો વિનિમય હતો. આમ, તાંબાના ઢબુનું મૂલ્ય ½ કોરી બરાબર ગણાતું. કચ્છના મહારાવ વિજયસિંહ (1942–47) અને મદનસિંહ(1947–48)ના કાણાવાળી સિક્કાશ્રેણીમાં ઢબુ પાડવામાં આવેલા. 1948માં એ રાજ્યનું વિલીનીકરણ થતાં એની ટંકશાળ બંધ થઈ ત્યાં સુધી એ સિક્કા પડાતા હતા. છેલ્લી ‘જયહિંદ’ શ્રેણીના એ સિક્કાઓમાં ઢબુ પર પણ વિ. સં. 2004નું વર્ષ (= ઈ. સ. 1948) અને દેવનાગરી લિપિમાં ‘जयहिन्द’ શબ્દ પણ અંકિત છે.
પ્રવીણચંદ્ર પરીખ