અલ્લાઉદ્દીનખાં, ઉસ્તાદ (જ. 8 ઑક્ટોબર 1882, શિરપુર, ત્રિપુરા; અ. 6 સપ્ટેમ્બર 1972, મૈહર) : પ્રસિદ્ધ ભારતીય સંગીતકાર. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. શિવભક્ત અને સંગીતપ્રેમી પિતા સાધુખાં ત્રિપુરા દરબારના સંગીતકાર હતા. તેઓ રબાબ-વાદક કાજિમઅલીખાં પાસે સિતારવાદન શીખ્યા હતા. પિતાએ અલ્લાઉદ્દીન માટે સંગીતશિક્ષણની ગોઠવણ કરી. અલ્લાઉદ્દીનને સંગીતમાં એટલો રસ પડ્યો કે તેમણે શાળાએ જવાનું બંધ કર્યું. અલ્લાઉદ્દીનની માતાએ બાળક શાળાએ નથી જતો જાણી તેને મારી બે દિવસ ખાવાનું આપ્યા સિવાય ઓરડીમાં પૂરી દીધો. ત્રીજે દિવસે બહેન મધુમાલતીએ તેને છોડાવ્યો અને એક રાતે તે માતાની પેટીમાંથી દસ રૂપિયા લઈ કલકત્તા જતો રહ્યો. એ વખતે તેની ઉંમર 8-10 વર્ષની હતી. કલકત્તામાં નીમતલ્લા ઘાટ પાસે ભિખારીઓ માટેના સદાવ્રતમાં તે ભોજન લેતો. ત્યાં સ્વામી વિવેકાનંદના સંગીતજ્ઞ ભાઈ અમૃતલાલ દત્ત ઉર્ફે હાબૂ દત્તને મળીને સંગીતશિક્ષણ માટે વિનંતી કરી. હાબૂ દત્તે તેની પરીક્ષા લેવા ‘ફિડલ’ વગાડી, અને અલ્લાઉદ્દીને તરત જ તેની સરગમ બનાવી દીધી. પ્રસન્ન થઈ હાબૂ દત્તે તેને ફિડલ વગાડતાં શીખવ્યું. નાટકકાર ગિરીશચંદ્ર ઘોષની સહાયથી તે એક નાટકમંડળીમાં ગયા અને લોબો નામના એક બૅન્ડમાસ્ટર પાસે અંગ્રેજી નૉટેશન શીખ્યા તથા બીજા પાસે શહેનાઈ વગાડતાં શીખ્યા. કલકત્તામાં ગોપાલચંદ્ર ભટ્ટાચાર્યજી ગંગાસ્નાન કરવા આવ્યા ત્યારે અલ્લાઉદ્દીને તેમની પાસે સંગીત શીખવા ઇચ્છા જણાવી. ગોપાલચંદ્રે તેને કહ્યું, ‘જો તારી બાર વર્ષ માટે સંગીતની સ્વરસાધનાની તૈયારી હોય તો શીખવું.’ અલ્લાઉદ્દીને કહ્યું, ‘બાર વર્ષ નહિ, પરંતુ જીવનપર્યંત સાધના કરવા તૈયાર છું.’ અલ્લાઉદ્દીનના ભાઈ તેને શોધતા કલકત્તા આવ્યા અને તેને ઘેર લઈ ગયા. માતાપિતાએ એક કન્યા સાથે તેનું લગ્ન કર્યું. પણ તે જ રાતે તે ઘર છોડી કલકત્તા જતા રહ્યા. પછીનાં પાંચ વર્ષમાં અલ્લાઉદ્દીને દેશીપરદેશી બંને પ્રકારનાં વાદ્યો પર અદભુત કાબૂ મેળવ્યો.
મુક્તગાછા ગામના રજવાડામાં ગાયનવાદનનો મોટો મેળો ભરાતો, ત્યાં અલ્લાઉદ્દીન સત્તર વર્ષની વયે જઈ ચડ્યા. રાજા જગતકિશોરે તેને જોઈ પૂછ્યું, ‘છોકરા, ગાતાં-બજાવતાં આવડે છે ?’ અલ્લાઉદ્દીને આત્મવિશ્વાસથી જવાબ આપ્યો, ‘સમગ્ર દેશમાં મારા જેવો ગવૈયો બજવૈયો નહિ મળે, દુનિયાભરનાં વાદ્યો વગાડી જાણું છું.’ આ સંગીતસભામાં અહમદઅલીખાંએ સરોદ પર રાગ તોડી પેશ કર્યો. એ સાંભળી અલ્લાઉદ્દીને તેમને ગુરુ તરીકે સ્વીકારી પોતાને શિષ્ય બનાવવા વિનંતી કરી; પરંતુ, અહમદઅલીખાં રામપુરમાં રહી અલ્લાઉદ્દીનને ફક્ત થોડું જ શીખવતા. રામપુરમાં વજીરખાં સંગીતના વિશેષ જ્ઞાતા હતા. અલ્લાઉદ્દીને તેમની પાસે જવા પ્રયત્ન કર્યો; પણ તેમાં નિરાશા મળતાં આપઘાત કરવા અફીણ લીધું. નમાજ પઢવા ગયેલા એક મુલ્લાંએ મસ્જિદમાંથી બહાર નીકળતાં અલ્લાઉદ્દીનનો ઉદાસ ચહેરો જોયો અને પૂછપરછ કરતાં બધી વાત જાણી, રામપુરના નવાબ ઉપર ચિઠ્ઠી લખી આપી. નવાબસાહેબ હમીદખાં એક નાટકશાળામાં જવાના હતા ત્યારે તેમને રોકી અલ્લાઉદ્દીને તેમને મુલ્લાંસાહેબની ચિઠ્ઠી આપી. અલ્લાઉદ્દીનની વાત જાણી નવાબે તેને રાજમહેલમાં બોલાવ્યો. ત્યાં તેણે નવાબ સામે વાયોલિન, દિલરુબા, બંસી, ઇસરાજ, પિયાનો, હારમોનિયમ, ક્લૅરિયોનેટ વગેરે વાદ્યો વિશે વિવેચન કરી તે વગાડી બતાવ્યાં. નવાબે ઉસ્તાદ વજીરખાંને બોલાવી અલ્લાઉદ્દીનને શિષ્ય તરીકે ગંડો બાંધવા ભલામણ કરી અને એક હજાર રૂપિયા તથા વસ્ત્ર વગેરેની એ પ્રસંગે ભેટ આપી. વજીરખાંને ત્યાં તે અઢી વર્ષ રહ્યા, છતાં તે અલ્લાઉદ્દીનને પોતાની સાચી વિદ્યા આપતા ન હતા. આ દરમિયાન અલ્લાઉદ્દીનને શોધી કાઢી કુટુંબીઓએ તેને પ્રથમ પત્ની પસંદ નહિ હોય એમ માની બીજી કન્યા સાથે તેનાં લગ્ન કર્યાં અને ફરીથી એ જ રાતે અલ્લાઉદ્દીન પત્નીને છોડી કલકત્તા ઊપડી ગયા. વજીરખાંને જ્યારે ખબર પડી કે આ અલ્લાઉદ્દીનને તો પત્ની કરતાં પણ સંગીત ઉપર વધુ પ્રેમ છે ત્યારે એમણે અલ્લાઉદ્દીનને પોતાના ઘરાનાની ખાસ ચીજો શીખવી તથા વીણા, સૂરસિંગાર અને રબાબ વગેરેનું સંપૂર્ણ સંગીતજ્ઞાન ત્રણ દાયકા સુધી આપ્યું.
મૈહરના મહારાજા બ્રિજનારાયણસિંહ ઉત્તમ કોટિના સંગીતકારોની શોધમાં હતા. તેમણે અલ્લાઉદ્દીન વિશે જાણી, તેમને બોલાવી પરીક્ષા લઈ, તેમના જ્ઞાનથી પ્રભાવિત થઈ પોતાને ત્યાં રોકી લીધા. 1918માં મૈહરના રાજા પોતે અલ્લાઉદ્દીનખાંના પ્રથમ શિષ્ય થયા. મૈહરમાંથી જ તેમની કીર્તિ સમગ્ર ભારતમાં પ્રસરી. તેમના પુત્ર અલીઅકબરખાં અને પુત્રી અન્નપૂર્ણા દેવી પણ સંગીતમાં ઉસ્તાદ થયાં. પ્રસિદ્ધ સિતારવાદક પંડિત રવિશંકર પણ તેમના શિષ્ય બન્યા અને રવિશંકર અલ્લાઉદ્દીનની પુત્રી અન્નપૂર્ણાદેવી સાથે લગ્નગ્રંથિથી જોડાયા.
ઉસ્તાદ અલ્લાઉદ્દીનખાં સંગીતકલાના અઠંગ ઉપાસક હતા. તેમણે ધ્રુપદ-ધમારની લગભગ ત્રણ હજાર ચીજોનો સંગ્રહ કર્યો હતો અને તેમાંની 1,200 તો તેમને કંઠસ્થ હતી. નૃત્યકાર ઉદયશંકર સાથે તેમણે ઇંગ્લૅન્ડ, ગ્રીસ, ઑસ્ટ્રિયા, સ્વિટ્ઝર્લૅન્ડ, ઇટાલી, બેલ્જિયમ, ફ્રાંસ અને અમેરિકામાં ભ્રમણ કર્યું હતું.
ભારતની સંગીત નાટક અકાદમીએ તેમનું સન્માન કર્યું હતું. 1958માં રાષ્ટ્રપતિ દ્વારા તેમને ‘પદ્મભૂષણ’ની ઉપાધિ અપાઈ હતી. કલકત્તાની તાનસેન સમિતિએ તેમને ‘આફતાબે હિંદ’(હિંદનો સૂર્ય)નો ઇલ્કાબ આપ્યો હતો. 1944માં તેમને ભાતખંડે સંગીત વિદ્યાલય તરફથી ‘સંગીતાચાર્ય’, 1954માં સંગીત નાટક અકાદમી તરફથી ફેલોશિપ. 1964માં શાંતિનિકેતન તરફથી ‘દેશિકોત્તમ’, મહારાજા મૈહર તરફથી ‘સંગીતનાયક’ અને 1971માં ‘પદ્મવિભૂષણ’ વગેરે સન્માન મળ્યાં હતાં. તેમનાં શિષ્યોમાં અલીઅહમદ, તિમિર બરન, ઇન્દ્રનીલ, પન્નાલાલ ઘોષ, શરણરાણી, જોતિન ભટ્ટાચાર્ય વગેરે પ્રખ્યાત ગાયકો અને સંગીતકારો હતા.
કૃષ્ણવદન જેટલી