અલ્લાદિયાખાં

January, 2001

અલ્લાદિયાખાં (જ. 10 ઑગસ્ટ 1855, ઉણિયારા, જયપુર રિયાસત; અ. 16 માર્ચ 1946, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયક તથા અત્રોલી-જયપુર ઘરાનાના સ્થાપક સંગીતકાર. સંગીત-પરિવારમાં જન્મ. મૂળ નામ ગુલામ અહમદ. પિતા ખ્વાજે અહમદ તથા મોટા ભાઈ હૈદરખાં બંને સારા ગાયક હતા. શરૂઆતનું સંગીતનું શિક્ષણ પિતા પાસેથી લીધું, પરંતુ નાનપણમાં પિતાનું અવસાન થતાં ત્યારપછીની વિશિષ્ટ તાલીમ હદ્દહસ્સુખાં, જહાંગીરખાં તથા બડે મુહમ્મદખાં સાહેબ પાસેથી લીધી. પ્રથમ તેમણે ધ્રુપદ ધમાર શૈલીની ગાયકી આત્મસાત્ કરી અને ત્યારપછી ખયાલ ગાયકીમાં પ્રાવીણ્ય મેળવ્યું. ત્યારબાદ દેશના જુદા જુદા પ્રદેશોમાં ભ્રમણ કર્યું અને તે દરમિયાન તે જમાનાના સંગીતકારોનું સંગીત તો સાંભળ્યું જ, પરંતુ તેમાંથી ઘણાના વ્યક્તિગત સંપર્કમાં આવ્યા; જેને લીધે શાસ્ત્રીય સંગીત વિષેનું તેમનું જ્ઞાન પરિપક્વ થયું. તેમની પ્રથમ સંગીત મહેફિલ પુણે ખાતે કિર્લોસ્કર નાટક મંડળીના નેજા હેઠળ યોજાઈ હતી. આ નાટક મંડળીના રંગમંચ કલાકારોમાં શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ તથા સારા ગાયકો હોવાથી અલ્લાદિયાખાંને ત્યાં ખૂબ પ્રશંસા પ્રાપ્ત થઈ. ટૂંકસમયમાં કોલ્હાપુર દરબારના ગાયક તરીકે તેમની નિમણૂક કરવામાં આવી; પરંતુ 1936માં તેમના મોટા ભાઈ હૈદરખાંનું તથા 1937માં તેમના પુત્ર મંજીખાંનું અવસાન થતાં પારિવારિક દુ:ખથી પીડાયેલા અલ્લાદિયાખાંએ ગાવાનું બંધ કર્યું અને કોલ્હાપુર છોડીને તેઓ મુંબઈ આવ્યા. મુંબઈનિવાસ દરમિયાન ઘણા સંગીતકારોના પ્રત્યક્ષ સંપર્કને લીધે ધીમે ધીમે મિત્રોના આગ્રહથી તેમણે ફરી ગાવાનું તથા નવા શિષ્યોને તાલીમ આપવાનું શરૂ કર્યું. દર વર્ષે દેશના જુદા જુદા સ્થળે યોજાતાં સંગીત સંમેલનોમાં પણ તેઓ હાજર રહેવા લાગ્યા અને જુદા જુદા સ્થળના શ્રોતાઓને પોતાની ગાયકીની ખૂબીઓનો પરિચય કરાવતા રહ્યા. તેમની ગાયનશૈલીમાં લયકારીને પ્રધાન સ્થાન મળતું હતું; એટલું જ નહિ, પરંતુ અપ્રચલિત રાગો પ્રત્યે તેમને વધુ લગાવ રહેતો હોવાથી તેમના પ્રશંસકોનો એક ખાસ શ્રોતાવર્ગ ઊભો થયો હતો. કિરાના ઘરાનાના વિખ્યાત સંગીતકાર બંદેઅલીખાંની ગાયકીની ઝલક અલ્લાદિયાખાંની ગાયકીમાં સ્પષ્ટ રીતે દૃષ્ટિગોચર થતી હતી. શાસ્ત્રીય સંગીતની આશરે 10,000 બંદિશો તેમને કંઠસ્થ હતી જે એક વિક્રમ ગણાય.

તેમના શિષ્યવર્ગમાં તેમના બે પુત્રો મંજીખાં અને ભુર્જીખાં તથા ભત્રીજા નત્થનખાં ઉપરાંત કેસરબાઈ કેરકર, મોગુબાઈ કુર્ડીકર, લક્ષ્મીબાઈ જાધવ, શંકરરાવ સરનાઇક, ભાસ્કરબુવા બખલે, ગોવિંદરાવ ટેમ્બે, તાન્હીબાઈ ઘોરપડે તથા ગંગુબાઈ હંગલ જેવાં અગ્રણી સંગીતકારોનો સમાવેશ થાય છે. વિખ્યાત સંગીતકાર મલ્લિકાર્જુન મનસૂર પણ તેમના જ ઘરાનાના ગાયક હતા. યુવાવસ્થામાં અલ્લાદિયાખાના ગાયનની કેટલીક ધ્વનિમુદ્રિકાઓ તૈયાર કરવામાં આવી હતી; જેમાં અડાના, માલશ્રી, પૂર્વી, માંડ અને શુદ્ધ કલ્યાણ જેવા રાગોની રેકૉર્ડોનો સમાવેશ થયો હતો. પરંતુ પ્રૌઢાવસ્થામાં તેમના ગાયનની રેકૉર્ડ કરવાની બાબતનો તેમણે સખત વિરોધ કર્યો હતો. ગાયનની રેકૉર્ડ કરવાથી ગાયકની ગાયકીમાં કૃત્રિમતા દાખલ થતી હોય છે એવી તેમની માન્યતા હતી.

અલ્લાદિયાખાંનો જન્મ મુસ્લિમ પરિવારમાં થયો હોવા છતાં તેમના પૂર્વજો હિંદુ હતા તથા તેમની સંગીતપરંપરા પણ હિંદુ પરંપરામાંથી જ ઊતરી આવી હતી. મહાન સંગીતકાર બાબા હરિદાસ તેમના પૂર્વજ હતા. ઇસ્લામ ધર્મનો અંગીકાર કર્યો તે પૂર્વે તેમના પૂર્વજો ગૌડ અથવા શાંડિલ્ય જ્ઞાતિના હતા તથા તેમના આદિ પુરુષનું નામ વિશ્વંભર હતું. આ બાબતોનાં પ્રમાણ ઉપલબ્ધ છે.

અલ્લાદિયાખાંના પૂર્વજોનું મૂળ વતન ઉત્તર પ્રદેશના અલીગઢ જિલ્લાનું અત્રોલી નામનું ગામ હતું, પરંતુ તેમના જન્મ પહેલાં તેમના પરિવારે ત્યાંથી સ્થળાંતર કર્યું હતું. તે જયપુર રિયાસતની ઉણિયારા જાગીરમાં વસેલા. આને કારણે અલ્લાદિયાખાંની વિશિષ્ટ ગાયકી અત્રોલી–જયપુર ઘરાનાના નામથી ઓળખાય છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે