ડ્રામૅટિક મૉનોલૉગ : કલ્પિત વક્તા-પાત્ર દ્વારા પોતાને કલ્પિત શ્રોતા-પાત્રને સંબોધાતી કાવ્યોક્તિ. અંગ્રેજી સાહિત્યમાં ઓગણસમી સદીથી એ કાવ્ય-પ્રકાર પ્રચલિત થયો. જૂનાં નાટકોમાં અમુક પાત્ર પોતાનો અભિપ્રાય યા કેફિયત મંચ ઉપરનાં બીજાં પાત્રો જાણે સાંભળતાં ન હોય એ રીતે માત્ર પ્રેક્ષકોને અનુલક્ષીને રજૂ કરે ત્યારે તેને સ્વગતોક્તિ કહેવાય. કાવ્ય પણ આમ તો એક ઉક્તિ જ છે ને ! પણ તેમાં કવિ સ્વયમ્ કે કોઈ કવિમાન્ય પાત્ર રજૂઆત કરે છે. આ ડ્રામૅટિક મૉનોલૉગના બે પ્રકાર પૈકી એકમાં કલ્પિત પાત્ર તેની અમુક ભાવોદ્રેકવાળી દશામાં સ્વયમ્ પોતાને જ કાંઈ કહેતું હોય છે, જેમ કે ટેનિસનનું વિખ્યાત કાવ્ય ‘યુલિસિસ’ કે બ્રાઉનિંગનું વિખ્યાત કાવ્ય ‘ફ્રા લિપો લિપી’; પણ બીજા પ્રકારમાં અન્ય શ્રોતા-પાત્રની અપેક્ષા હોય છે. બ્રાઉનિંગનું ‘લાસ્ટ રાઇડ ટુગેધર’માં બીજું પાત્ર સાથે છે તે બોલતું નથી, પણ ઉક્તિ કરનાર પાત્ર તેને જ ઉદ્દેશીને આખું કાવ્યકથન કરે છે. આવી રીતે બ્રાઉનિંગના બીજા કાવ્ય ‘માય લાસ્ટ ડચેસ’માં નવા લગ્નનો પ્રસ્તાવ લાવનાર વ્યક્તિને ઉદ્દેશીને ડ્યૂક કાવ્યકથન કરે છે. વીસમી સદીમાં આ પ્રકારોમાં ત્રીજો આંતરિક સ્વગતોક્તિ(interior monologue)નો પ્રકાર ઉમેરાયો. આમાં એઝરા પાઉન્ડ અને ટી.એસ. એલિયટનાં ઘણાં કાવ્યો આવે છે. ટી.એસ. એલિયટનું પ્રખ્યાત કાવ્ય ‘ધ લવસાગ ઑવ્ જે. આલ્ફ્રેડ પ્રુફ્રૉક’ આ પ્રકારનું કાવ્ય છે. તેની ઉક્તિ આત્મકથનની છે.
ટેનિસન અને બ્રાઉનિંગે આ કાવ્યપ્રકારમાં પાત્રોની નાટ્યોચિત ભાવદશા વર્ણવી છે. વીસમી સદીમાં વાર્તા – નવલકથામાં ચેતના-પ્રવાહ (stream of consciousness)ની ટૅકનિક આવી તે પહેલાંથી આ પ્રકારની ચિત્રાત્મક આત્મકથનની શૈલી કાવ્યમાં ર્દઢ થયેલી હતી.
રજનીકાન્ત પંચોલી