ડ્રાયડન, જૉન

January, 2014

ડ્રાયડન, જૉન (જ. 9 ઑગસ્ટ 1631, ઍલ્ડવિંકલ, નૉર્ધમ્પટનશાયર; અ. 1 મે 1700, લંડન) : ઇંગ્લૅન્ડના રાજકવિ અને નાટ્યકાર. નૉર્ધમ્પટનશાયરમાં પ્યુરિટન સમાજમાં ક્રૉમવેલના સમયમાં તેમનો ઉછેર થયો. તેમની પ્રથમ કાવ્યકૃતિ પણ ‘હિરોઇક સ્ટાન્ઝાઝ ઑન ધ ડેથ ઑવ્ ક્રૉમવેલ’ હતી, પણ પછી ચાર્લ્સ II ને ફ્રાંસના દેશવટામાંથી પાછા બોલાવવાથી રાજવ્યવસ્થા બદલાઈ ત્યારે ડ્રાયડને તેમને વધાવતી કૃતિ ‘આસ્ટ્રિયા રિડક્સ’ એટલે કે ‘ન્યાયની દેવીનો પુન: ઉદય’ પણ લખી. વખત જતાં તે રોમન કૅથલિક સંપ્રદાયમાં પણ જોડાયા. આવા વિચારપલટા તાત્કાલિક લાભ મેળવવા પૂરતા હતા કે ખરેખર અભિપ્રાય બદલાવાથી થયા હતા તે નક્કી કરવું મુશ્કેલ છે; પરંતુ તત્કાલીન સાહિત્ય રાજ્યાશ્રય વિના પાંગરે તેમ ન હતું એટલું નક્કી અને ડ્રાયડનને ખરેખર સાહિત્ય સિવાય કશામાં ઊંડો રસ ન હતો. તેમણે પાંચ પાદવાળાં હિરોઇક કપ્લિટ નાટક અને વ્યંગકાવ્યોમાં ખૂબ સફળતાથી પ્રયોજ્યાં છે. રેસ્ટરેશન યુગનાં કરુણાંત નાટકોમાં મુખ્ય ગણાતા ‘ઑલ ફૉર લવ’માં તેમણે ઍન્ટની અને ક્લિયોપેટ્રાના પ્રાચીન ઇતિહાસનું વસ્તુ પસંદ કર્યું છે જ્યારે ‘ઔરંગઝેબ’ અને ‘ધ ઇન્ડિયન એમ્પરર’માં મોગલ સામ્રાજ્યના સમકાલીન ઇતિહાસનું વસ્તુ પણ છે. તેમનાં કૉમેડી નાટકોમાં ‘મેરિજ અ લા મોડ’, ‘ધ રાયવલ લૅડીઝ’, ‘સિક્રેટ લવ’ વગેરે મુખ્ય છે. ખ્રિસ્તી ધર્મનાં તત્વોનું  વિવરણ કરતું એક લાંબું કાવ્ય ‘રિલિગિઓ લાયકી’ તેમણે 1682માં પોતાના રોમન કૅથલિક સંપ્રદાયમાં ભળવાના સમર્થનમાં લખ્યું. તેમની વિવેચનપ્રવૃત્તિ તેમનાં પ્રસિદ્ધ થતાં નાટકોના આમુખમાં તથા ‘ઍન એસે ઑન્ ડ્રમૅટિક પોએસિ’માં મળે છે. ગ્રીક, લૅટિન શિષ્ટ સાહિત્યનાં મૂલ્યોનું સમકાલીન સાહિત્યમાં અવતરણ કરવું તે તેમની પ્રમુખ પ્રવૃત્તિ રહી હતી.

જૉન ડ્રાયડન

સાહિત્યમાં તે સમયે બહુ આર્થિક આવક, નાટકો સિવાય, થતી નહિ, પરંતુ ડ્રાયડનને સૌથી વધારે પુરસ્કાર તેની કોઈ મૌલિક કૃતિ માટે નહિ પણ લૅટિન કવિ વર્જિલના ‘ઇનીડ’ના અંગ્રેજી પદ્ય-ભાષાંતર બદલ મળેલો.

રજનીકાન્ત પંચોલી