ડ્યૂરર, આલ્બ્રેટ (જ. 21 મે 1471, ન્યૂરેમ્બર્ગ, જર્મની; અ. 6 એપ્રિલ 1528, ન્યૂરેમ્બર્ગ) : જર્મન રેનેસાંના અગ્રણી ચિત્રકાર તથા એન્ગ્રેવર. માઇકલ વૉલગેમટ (1434–1519) પાસેથી કલાની તાલીમ પામ્યા. ઇટાલિયન રેનેસાંના કલાવિષયક ખ્યાલો તથા ચિત્રાકૃતિઓથી તે ભારે પ્રભાવિત થયા હતા. પરિદર્શન (perspective) તથા પ્રમાણબદ્ધતા જેવાં ચિત્રકલાનાં વૈજ્ઞાનિક પાસાં અને પ્રશ્નોમાં તેમને ભારે રસ હતો. તેમણે એ વિશે પુસ્તક પણ પ્રગટ કર્યું. 1490થી 1494 દરમિયાન જર્મનીમાં પુષ્કળ પ્રવાસ ખેડ્યો. 1497માં ન્યૂરેમ્બર્ગ ખાતે પોતાનો સ્ટુડિયો સ્થાપ્યો; એ વર્કશૉપમાં વૂડકટ તથા એન્ગ્રેવિંગની સુંદર કાષ્ઠકૃતિઓનું નિર્માણ કર્યું. એમાં ‘ઍપોકૅલિપ્સ’ (1498), ‘ધ ગ્રેટ પૅશન’, (1510) અને ‘ધ લાઇફ ઑવ્ વર્જિન’ (1510) જેવાં નામી સર્જનોનો સમાવેશ થાય છે.
1512થી તેમણે રાજવી મૅક્સિમિલિયન પહેલાના રાજદરબારમાં સેવા બજાવી. એ રાજવીના માનમાં તેમણે ‘ટ્રાયમ્ફલ કાર’ અને ‘ટ્રાયમ્ફલ આર્ક’ જેવી કૃતિઓ 9.29 ચો.મી.ના અતિવિશાળ પરિમાણમાં તૈયાર કરી; આ કૃતિઓ અત્યાર સુધીનાં સૌથી મોટાં કાષ્ઠકલાસર્જનો લેખાય છે. તેમની મુદ્રણક્ષમ (graphic) કૃતિઓનો ઇટાલી સહિત યુરોપભરમાં ભારે પ્રભાવ રહ્યો. ડ્યૂરરનો કાર્યકાળ જોતાં, કેવળ નિજાનંદ માટે તૈયાર કરેલાં ર્દશ્યચિત્રો તથા જળરંગી ચિત્રોની પ્રકાશ તથા વાતાવરણની સૂઝપૂર્વકની માવજત અત્યંત પ્રગતિશીલ લેખાય છે.
મહેશ ચોકસી