અલ્-મૂત : ઈરાનમાં કઝવીન પાસેનો પ્રાચીન દુર્ગ. હસન બિન સબ્બાહ નામના એક બાતિની ધાર્મિક ઉપદેશકે પોતાના અંતિમવાદી ધાર્મિક સિદ્ધાંતોના પ્રચારાર્થે ઈરાનની કઝવીન નામની જગ્યાની વાયવ્ય દિશામાં 1090માં અલ્-મૂત (ગરુડનો માળો), જે પર્વતમાં મજબૂત અને અભેદ્ય કિલ્લા જેવો હતો, તેનો કબ્જો લીધો અને ત્યાંથી ઇસ્લામી જગતને ધાકધમકી અને ખૂનરેજીથી ભયભીત કરવા લાગ્યો. સલજૂક વંશના જગમશહૂર વઝીર નિઝામુલ મુલ્ક તૂસીને આવા જ લોકોએ મારી નાખ્યો હતો. આ અંતિમવાદી સંપ્રદાયના અનુયાયીઓને ફિદાઈ અને એસેસિન પણ કહેવામાં આવે છે. 1260માં મોંગોલોએ અને પછી 1272માં સુલ્તાન બયબર્સે એમનું કાસળ કાઢી નાખ્યું હતું.
એહમદહુસેન નૂરમોહંમદ કુરેશી