ડ્યુરેઇન : કોલસાના થરોમાં નજરે પડતા પટ્ટાઓમાં રહેલું દ્રવ્ય. તે મુખ્યત્વે ઍક્સિનાઇટ અને ઇનર્ટાઇટથી બનેલું, રાખોડીથી કથ્થાઈ કે કાળા રંગવાળું, ખરબચડી સપાટીવાળું રાળ જેવા ઝાંખા ચટકાવાળું હોય છે. કોલસાના પ્રત્યેક ઘટકને મેસેરલ કહેવાય છે, જેના ત્રણ સમૂહો પાડવામાં આવ્યા છે – વિટ્રિનાઇટ, ઍક્સિનાઇટ અને ઇનર્ટાઇટ. આ ત્રણેના, તેમનાં દ્રવ્યનાં લક્ષણો મુજબ પેટાપ્રકારો પણ પાડ્યા છે અને વિવિધ મેસેરલનો તલસ્પર્શી અભ્યાસ પણ કરવામાં આવ્યો છે. તે પરથી વિવિધ મેસેરલને જુદાં જુદાં ‘માઇક્રોલિથોટાઇપ’ નામ અપાયાં છે, જે ઉપરનાં ત્રણ નામોથી ઓળખાય છે. વિટ્રાઇટમાં મુખ્યત્વે વિટ્રિનાઇટ, ક્લેરાઇટમાં વિટ્રિનાઇટ અને ઍક્સિનાઇટ તેમજ ડ્યુરાઇટમાં ઍક્સિનાઇટ અને ઇનર્ટાઇટ હોય છે. ઉપરના ત્રણે મેસેરલનો સમાવેશ કરતા પ્રકારો પણ જાણવા મળ્યા છે અને બે મેસેરલનાં સંયોજનો પણ મળે છે. આ માટે અગાઉ ઉપયોગમાં લેવાતા શબ્દો વિટ્રેઇન, ક્લેરેઇન, ડ્યુરેઇન અને ફ્યુસેઇન હવે વપરાશમાં લેવાતા નથી, એમને બદલે ઉપરના પર્યાયો વધુ વપરાય છે, પરંતુ તે પર્યાયોનો અર્થવિસ્તાર નીચે મુજબ છે :

સૂક્ષ્મદર્શક હેઠળ દેખાતી કોલસાની રચના
C = ક્લેરેઇન, D = ડ્યુરેઇન, F = ફ્યુસેઇન, V = વિટ્રેઇન

ડૉ. એમ. સ્ટોપ્સે બિટુમિનસ કોલસામાં રહેલા અગત્યના ચાર ઘટકો જુદા પાડી આપ્યા છે, જે રચના, લક્ષણો અને રાસાયણિક દ્રવ્ય સાથેની તેમની પ્રક્રિયાઓ દ્વારા ઓળખી શકાય છે. આ ઘટકોનાં  નામ છે : ફ્યુસેઇન અથવા ખનિજ કોલસો (mineral charcoal); ડ્યુરેઇન અથવા મંદ કોલસો (dull coal); કોલસાનો તેજસ્વી, ચમકવાળો ભાગ. બાકીના બે ઘટકો વિટ્રેઇન અને ક્લેરેઇન છે.

ફ્યુસેઇન : મુખ્યત્વે ફ્યુસાઇટથી બનેલું, ભસ્મનું વધુ પ્રમાણ ધરાવતું, કાજળ જેવું કાળું, સ્પર્શથી ચોંટે એવું, ચૂર્ણશીલ અને ચારકોલની રચના અને અનિયમિત ટુકડાઓ કે ફાચરો જેવો દેખાવ રજૂ કરતું ઘટકદ્રવ્ય ફ્યુસેઇન તરીકે ઓળખાવાય છે.

ડ્યુરેઇન : તેનાં લક્ષણો ઉપર દર્શાવવામાં આવ્યાં છે.

વિટ્રેઇન : (ફ્રેન્ચ શબ્દ ‘વિટ્રે’ એટલે કાચ) કોલસામાં નરી આંખે દેખાતો ઘટક, જે પાતળા (20 મિમી. જાડાઈ સુધીનો) ક્ષિતિજસમાંતર સ્વરૂપનો હોય, પરંતુ ક્યારેક જાડાઈવાળા વીક્ષાકારો પણ હોય, ચમક ખૂબ જ  તેજસ્વી હોય, સ્પષ્ટ પરાવર્તન કરતો હોય, સ્તરોને કાટખૂણે સ્પષ્ટ લંબચોરસ ભંગસપાટીઓનું વલણ ધરાવે, જેથી વળેલી બાજુઓવાળા ઘનવિભાગમાં તે તૂટી શકે, તેમ છતાં અન્ય દિશાઓમાં વલયાકાર ભંગસપાટીનું લક્ષણ પણ ધરાવે, ખૂબ જ ચૂર્ણશીલ હોય, સ્પર્શ કરવા છતાં હાથ ગંદા ન કરે, સંપૂર્ણપણે સમાંગ દ્રવ્યના બંધારણવાળો હોવાથી અન્ય ઘટકો સાથે સીધી સ્પષ્ટ કિનારીઓ બનાવે – આ કારણે તે અલગ પડી આવે છે. તે વનસ્પતિદ્રવ્યના પૂર્ણ વિઘટનમાંથી પરિણમતા સખત બનેલા કાર્બનદ્રવ્યયુક્ત કલિલ જેવું સ્વરૂપ રજૂ કરે છે. વનસ્પતિ-દ્રવ્યની સંરચનાને કારણે ક્યારેક રેખાંકનો પણ દેખાડે છે સૂક્ષ્મદર્શક હેઠળ. તે વનસ્પતિ-રચનાની હાજરી કે અભાવને આધારે બે પ્રકારોમાં અલગ પાડી શકાય છે.

ક્લેરેઇન : પટ્ટાદાર કોલસામાં નરી આંખે દેખાતો ઘટક – જે ક્યારેક ખૂબ જ પાતળો તો ક્યારેક ખૂબ જ જાડો હોય, સંબંધિત સ્તરરચના સાથે સમાંતર વલણવાળો હોય, મોટેભાગે રેશમી ચમકવાળો હોય, એકસરખા પ્રકાશ હેઠળ જેટલું પરાવર્તન વિટ્રેઇન કરી શકે એટલું ક્લેરેઇન ન કરે અથવા તે પ્રકાશનું વિખેરણ કરી નાખે. સપાટી સુંવાળી હોય અર્થાત્ ભંગસપાટી વલયાકાર ન હોય, સામાન્ય રીતે સૂક્ષ્મ પડમાં પરંતુ ક્યારેક અનિયમિત દિશાઓમાં પણ વિભાજિત થઈ શકે, વિટ્રેઇન કરતાં ઓછી ચૂર્ણશીલતા ધરાવે; તેમાં ડ્યુરેઇનના પાતળા પટ્ટા આંતરપડ રૂપે રહેલા હોઈ શકે. ક્લેરેઇન અને ડ્યુરેઇન બંને એકબીજાની સંપર્કસપાટીઓ પર ઝીણા પડ રૂપે આંતરગૂંથણી પણ રજૂ કરે. કોલસાનો આ ઘટક પરખશીલ વનસ્પતિદ્રવ્યથી સમૃદ્ધ હોય છે.

ગિરીશભાઈ પંડ્યા