ડૉર-બેલ : ઘરમાં પ્રવેશ ઇચ્છતી વ્યક્તિ દ્વાર ઉઘડાવવા ગૃહસ્થ કે ગૃહિણીને જે વગાડીને જાણ કરી શકે તેવી વિદ્યુત-ઘંટડી. તેમાં વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરનો ઉપયોગ થાય છે.
સામાન્ય રીતે આવા બેલની રચનામાં એક વાટકી જેવી ઘંટડી, તેની સાથે અથડાઈને ધ્વનિ ઉત્પન્ન કરે તેવી નાનકડી હથોડી. આ હથોડીને જેની સાથે જડેલી હોય તેવી લોખંડની એક પાતળી પટ્ટી અને એક કે બે વિદ્યુતચુંબકનો સમાવેશ થાય છે.
દાબબટન પ્રકારની કળ દબાવવામાં આવે છે ત્યારે બેલના વિદ્યુતચુંબકમાંથી વિદ્યુતપ્રવાહ પસાર થાય છે અને ચુંબકત્વ ઉત્પન્ન થાય છે. આ ચુંબકત્વના કારણે લોખંડની પાતળી પટ્ટી ચુંબક તરફ આકર્ષાય છે. આથી પટ્ટી સાથે જોડેલી હથોડી બેલ પર અથડાઈને ધ્વનિ ઉત્પન્ન કરે છે. પરંતુ આ ક્રિયા દરમિયાન હથોડી બેલ તરફ આકર્ષાય છે ત્યારે હથોડીના બીજા છેડા પાસેથી પરિપથ તૂટી જાય છે, વિદ્યુતચુંબકમાંથી વહેતો વિદ્યુતપ્રવાહ બંધ થાય છે અને વિદ્યુતચુંબકનું ચુંબકત્વ નષ્ટ થાય છે. પટ્ટી અને હથોડી તેમના મૂળસ્થાને પાછાં આવે છે ત્યારે પરિપથ પૂર્ણ થાય છે. આમ થતાં ઉપર વર્ણવેલ ઘટનાનું પુનરાવર્તન થાય છે અને ફરીથી ધ્વનિ ઉત્પન્ન થાય છે.
આ પ્રકારનો ડૉર-બેલ ડી. સી. અથવા ઓછી આવૃત્તિવાળા એ. સી. વિદ્યુતપ્રવાહ પર ચાલે છે. આ પ્રકારના બેલમાં હથોડીએ કાપવા પડતા અંતરમાં ઘટાડો કરીને ઉત્પન્ન થતા ધ્વનિની તીવ્રતા વધારી શકાય છે.
આ ઘંટડીનો ઉપયોગ કાર્યાલયમાં પટાવાળાઓની સેવા ઉપલબ્ધ કરવા માટેના કૉલ-બેલ તરીકે પણ કરવામાં આવે છે. તેવા કૉલબેલ અધિકારીના ટેબલ નજીક બેસાડવામાં આવે છે.
નીરવ લવિંગીયા