ડૉયલ, સર આર્થર કૉનન (જ. 22 મે 1859, એડિનબર્ગ, સ્કૉટલૅન્ડ; અ. 7 જુલાઈ 1930, ઈસ્ટ સસેક્સ, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ લેખક; કાલ્પનિક ડિટેક્ટિવ પાત્ર શૅરલૉક હોમ્સના સર્જક; એડિનબરો, યુનિવર્સિટીમાંથી 1881માં મેડિસિનમાં એમ.ડી.ની ડિગ્રી મેળવી, ઇંગ્લૅન્ડમાં પ્રૅક્ટિસ શરૂ કરી. પછી વિયેનામાં ઑપ્થૅલ્મૉલૉજીમાં વિશેષજ્ઞ બન્યા; દરદીઓની રાહ જોતાં (જે ક્યારેય આવતા નહિ) તેમણે સમય વિતાવવા લખવાનું શરૂ કર્યું. 1887માં ‘અ સ્ટડી ઇન સ્કાર્લેટ’ વાર્તામાં સૌપ્રથમ વાર હોમ્સનું પાત્ર દેખાયું, જે થોડેઘણે અંશે એડિનબરોના એક શિક્ષક સાથેના મિલનમાંથી જન્મ્યું હતું. 1891થી ‘સ્ટ્રૅન્ડ મૅગેઝિન’માં તેમની વાર્તાઓ નિયમિત પ્રકટ થવા લાગી;
‘મિકાહ ક્લાર્ક’ (1889), ‘ધ સાઇન ઑવ્ ધ ફોર’ (1890) અને ‘ધ વ્હાઇટ કંપની’(1891)ના પ્રકાશન પછી તેમણે તબીબી વ્યવસાય છોડી દઈને સંપૂર્ણપણે લેખનને સ્વીકાર્યું. હોમ્સથી ચિંતિત રહેતા ડૉયલે 1893માં હોમ્સનું મૃત્યુ આલેખી દીધું, પણ સામાન્ય પ્રજાની માગ અને લાગણીને વશ બની શૅરલૉક હોમ્સને પુનર્જીવિત કરી ક્યાંય સુધી પોતાની વાર્તાઓમાં સ્થાન આપ્યું. શૅરલૉક હોમ્સ પર તેમની 60 જેટલી વાર્તાઓ અને બે દીર્ઘ કથાઓ મળે છે. ‘બ્રિગેડિયર જિરાર્ડ’ શ્રેણીમાં પણ તેમનું ટૂંકી વાર્તાના સર્જનનું કૌશલ સ્પષ્ટ છે. બોઅર યુદ્ધ અને પ્રથમ વિશ્વયુદ્ધ વિશેના તેમના વિશિષ્ટ રસ પરથી એક મર્મસ્પર્શી ઇતિહાસકાર તરીકે પણ તેઓ સ્થાન મેળવે છે. તેમણે બોઅર યુદ્ધમાં સેવા આપ્યા પછી 1902માં તેમને ‘સર’નો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રથમ વિશ્વયુદ્ધમાં થયેલા પુત્રના અવસાન પછી આધ્યાત્મિકતા તરફ વળ્યા અને તે વિશે લખાણો કરતા. ભાષણો આપવા યુરોપ, અમેરિકા અને ઑસ્ટ્રેલિયા પણ ગયેલા.
ડૉયલ વિશે કહેવાય છે કે તેમણે કેવળ શૅરલૉક હોમ્સના જીવંત પાત્ર જ નહિ પણ ડૉ. જ્હૉન ડબ્લ્યૂ. વૉટસન જેવા જીવંત લેખક પણ આપ્યા. ન્યૂયોર્કમાં ‘બેકર સ્ટ્રીટ ઇરેગ્યુલર્સ’ અને લંડનમાં ‘શૅરલૉક હોમ્સ સોસાયટી’ ધાર્મિક ઉત્તેજનાની જેમ હોમ્સને ભજે છે. યુરોપમાં પણ આવાં મંડળો જોવા મળે છે. આ દેદીપ્યમાન તરંગી નાયક મૃગચર્મમાં કે રાત્રિગાઉનમાં અનેક માધ્યમો દ્વારા રજૂ થયેલો છે. લેખકની અન્ય કૃતિઓને તે પડછાયામાં ઢાંકી દે છે.
અનિલા દલાલ