ડોમ્બીઆ : દ્વિદળી વર્ગમાં આવેલ કુળ સ્ટરક્યુલિયેસીની સદાહરિત ક્ષુપ કે નાનાં વૃક્ષોની લગભગ 200 જેટલી જાતિઓના સમૂહ વડે બનતી પ્રજાતિ. તે ઉષ્ણકટિબંધીય આફ્રિકા, માડાગાસ્કર અને માસ્કારિનના ટાપુઓની મૂલનિવાસી છે. ભારતમાં તેની કેટલીક જાતિઓ ઉદ્યાનોમાં શોભાની વનસ્પતિ તરીકે ઉગાડાય છે.

2થી 3 મીટર ઊંચી થતી આ વનસ્પતિનાં પર્ણો ત્રિખંડી અને મોટાં હોય છે. પુષ્પો સમૂહમાં તોરા સ્વરૂપે (corymb) શિયાળામાં આવે છે. તે સફેદ ગુલાબી અને કંઈક અંશે સુગંધીવાળાં હોય છે. સુકાઈ ગયેલાં પુષ્પો જલદી ખરતાં નથી.

પુષ્પ આવી ગયા પછી વનસ્પતિને એકાદ મીટરની ઊંચાઈએથી કાપી નાખવામાં આવે તો તે સજ્જડ રહે છે અને પુષ્પોથી ભરાયેલી લાગે છે.

Dombeya burgessiae Gerrard ex Harv. syn. D. mastersii, Hook f. 4 મીટર સુધીની ઊંચાઈ ધરાવતી ક્ષુપ જાતિ છે, જેની શાખાઓ આડી ફેલાયેલી હોય છે. તેનાં પુષ્પો પીળાશ પડતાં સફેદ અને ઊબકા આવે તેવી વાસવાળાં હોય છે. D. spectabilis 15 મી. સુધીની ઊંચાઈ ધરાવતી પર્ણપાતી ક્ષુપ કે વૃક્ષ જાતિ છે. તેનાં પુષ્પો ઘેરા ગુલાબી રંગનાં હોય છે. D. lancasteriiનાં પુષ્પો આછા ગુલાબી રંગનાં; D. alba var. magnificaનાં પુષ્પો સફેદ રંગનાં અને D. acutangula syn. D. angulata(wedding flower)નાં પુષ્પો ગુલાબી રંગનાં હોય છે. D. rotundata 3થી 4 મીટર ઊંચી જાતિ છે અને સફેદ પુષ્પ ધરાવે છે. D. gagianaની જાતિ 3 મીટર ઊંચી હોય છે અને આછાં ગુલાબી પુષ્પો ધારણ કરે છે.

પ્રસર્જન કટકારોપણ (cuttings) અને દાબ દ્વારા થાય છે.

મ. ઝ. શાહ