ડોમિનિયન સ્ટેટસ : બ્રિટિશ શાસન હેઠળના પ્રદેશોને આપવામાં આવેલો સાંસ્થાનિક દરજ્જો. 1939 પહેલાં બ્રિટિશ કૉમનવેલ્થ દેશોમાં કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, દક્ષિણ આફ્રિકા, આયર તથા ન્યૂ-ફાઉન્ડલૅન્ડ ડોમિનિયન સ્ટેટસ (સાંસ્થાનિક દરજ્જો) ધરાવતાં હતાં. 1926માં ‘ઇમ્પીરિયલ કૉન્ફરન્સ’ની જાહેરાત અનુસાર બ્રિટન અને ડોમિનિયન સ્ટેટસ ધરાવતા દેશોને બ્રિટિશ સામ્રાજ્યની અંતર્ગત સ્વાયત્ત સમુદાયો તરીકે ગણવામાં આવ્યા હતા. તેઓ સમાન દરજ્જો ધરાવતા હતા અને પોતાની સ્થાનિક કે વિદેશી બાબતોમાં કોઈ પણ રીતે એકબીજાને અધીન ન હતા છતાં તેમને ‘તાજ’ પ્રત્યેની સમાન વફાદારીથી બંધાયેલા એવા બ્રિટિશ કૉમનવેલ્થના મુક્ત સભ્યો તરીકે ઓળખાવાયા છે.
‘ડોમિનિયન સ્ટેટસ’નાં મુખ્ય લક્ષણો : (1) 1931ના ‘સ્ટેચ્યુટ ઑવ્ વેસ્ટમિન્સ્ટર’ અન્વયે સંપૂર્ણ ધારાકીય સત્તા (2) કારોબારી કક્ષાએ ડોમિનિયન મંત્રીઓ બ્રિટિશ રાજા કે રાણીની સીધી મુલાકાત લઈ શકતા. અગાઉ ડોમિનિયન બાબતો અંગે તાજ સમક્ષ રજૂઆત માત્ર બ્રિટિશ મંત્રીઓ દ્વારા જ થઈ શકતી.
આંતરરાષ્ટ્રીય સંદર્ભમાં (ન્યૂ ફાઉન્ડલૅન્ડને બાદ કરતાં) ડોમિનિયન સ્ટેટસ ધરાવતા દેશો અલગ રાજ્યોની કક્ષાએ ગણવામાં આવતા હતા. તેઓ ‘લીગ ઑવ્ નૅશન્સ’ તથા અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં પોતાના પ્રતિનિધિઓ મોકલી શકતા. અન્ય દેશો ખાતે પોતાના રાજદૂતો મોકલવાનો તથા સંધિકરાર કરવાનો અધિકાર તે દેશો ધરાવતા. જોકે યુનાઇટેડ કિંગ્ડમ સાથે તથા પારસ્પરિક વ્યવહારોમાં ડોમિનિયન સ્ટેટસ ધરાવતા દેશો વિદેશી રાજ્યો ન હતાં.
1947 પછી ‘ડોમિનિયન સ્ટેટસ’ શબ્દપ્રયોગને સ્થાને ‘કૉમનવેલ્થના સભ્યો’ શબ્દપ્રયોગ અમલી બન્યો; કારણ કે ડોમિનિયન સ્ટેટસ સાથે સાંસ્થાનિક દરજ્જાનો ખ્યાલ જોડાયેલો હતો. તેથી ‘ડોમિનિયન સ્ટેટસ’ અંગેની 1926ની વ્યાખ્યામાં 1949ની કૉમનવેલ્થ વડાપ્રધાનોની પરિષદે સુધારો કર્યો. આ બાબતે કરવામાં આવેલી જાહેરાત અનુસાર લોકશાહી પ્રજાસત્તાક સ્વરૂપનું બંધારણ અપનાવવાની ઇચ્છા ધરાવતું સ્વતંત્ર ભારત પોતાનું ‘ડોમિનિયન સ્ટેટસ’ (સાંસ્થાનિક દરજ્જો) નાબૂદ કરીને કૉમનવેલ્થના સભ્ય તરીકે ચાલુ રહેવા તથા બ્રિટિશ તાજને સ્વતંત્ર દેશોના સમુદાયના માત્ર પ્રતીકરૂપ વડા તરીકે સ્વીકારવા માગતું હતું. આ પ્રકારના સભ્યપદ માટે ભારતને કૉમનવેલ્થના અન્ય દેશોનો ટેકો સાંપડ્યો. પાકિસ્તાન, ઘાના, સાયપ્રસ, નાઇજિરિયા, યુગાન્ડા, ઝામ્બિયા, ટાન્ઝાનિયા, કેન્યા, સિંગાપોર, માલાવી અને અન્ય દેશો આ માર્ગ અનુસર્યા. મલય સમવાયતંત્રે (મલેશિયા) 1957માં રાજાશાહી અપનાવી. બાદ લેસોથો, સ્વાઝીલૅન્ડ અને ટોન્ગા પણ કૉમનવેલ્થની અંદર સ્વતંત્ર રાજાશાહી દેશો બન્યા. આયર્લૅન્ડ અને ન્યૂ ફાઉન્ડલૅન્ડનાં પ્રજાસત્તાકો 1949માં તથા યુનિયન ઑવ્ સાઉથ આફ્રિકા 1961માં કૉમનવેલ્થમાંથી અલગ થયાં.
નવનીત દવે