ડૉમ, કૉન્સ્ટન્ટિનો દ બ્રૅગાન્ઝા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1558–1561). ભારતમાં આવ્યો તે વખતે તેની વય 30 વર્ષની હતી. તે દમણના વિજેતા તરીકે પોર્ટુગલમાં ખ્યાતિ પામ્યો. આ સમયે ગુજરાતની મધ્યસ્થ સરકાર નબળી હતી અને દમણ સીદી સરદાર મીફતાહના હાથમાં હતું. ડૉમે દમણ પર કબજો જમાવવાનો નિર્ણય કર્યો, કારણ કે જ્યાં સુધી દમણ પર મુસ્લિમ શાસન હોય ત્યાં સુધી વસઈ પરનું પોર્ટુગીઝ આધિપત્ય સુરક્ષિત નહોતું.
ડૉમ બ્રૅગાન્ઝાએ દમણ પર આક્રમણ કરવા 100 જહાજો અને 3000 જેટલા સૈનિકોના બનેલા લશ્કરનું નેતૃત્વ પોતે જ લીધું. 2 ફેબ્રુઆરી, 1559ને દિવસે તે દમણ આવી પહોંચ્યો. આ આક્રમણથી ગભરાઈને દમણના કિલ્લાના હબસીઓએ યુદ્ધ કર્યા વગર જ ત્યાંથી નાસીને વલસાડ નજીક પારનેરાના ડુંગરના એક દુર્ગમાં આશ્રય લીધો. બ્રૅગાન્ઝાએ દમણનો કબજો 2 ફેબ્રુઆરીના દિવસે લીધો હોવાથી અને ‘અવર લેડી ઑવ્ પ્યુરિફિકેશન’ના ઉત્સવનો પણ તે જ દિવસ હોવાથી દમણને એ ઉત્સવનું નામ આપવામાં આવ્યું. આક્રમણ વખતે જે લોકો દમણમાંથી નાસી છૂટ્યા હતા તેમને પાછા બોલાવી લેવા માટે તેણે પ્રયાસ કર્યા. તેણે ડૉમ ડીઓગો નોરોન્હાને દમણનો કમાન્ડર નીમ્યો અને દમણમાં નવો કિલ્લો, દેવળ તથા કેટલાંક મકાનો બંધાવ્યાં. બ્રૅગાન્ઝાએ વલસાડ પર પણ કબજો જમાવ્યો, જે પાછળથી 1560માં સીદી સરદાર મીફતાહે પોર્ટુગીઝો પાસેથી જીતી લીધું, પરંતુ તેનો કિલ્લો પોર્ટુગીઝોના હાથમાં રહ્યો. મીફતાહે ફરીથી આક્રમણ કરીને આ કિલ્લો જમીનદોસ્ત કર્યો, પરંતુ દમણના કમાન્ડર નોરોન્હાએ તેને વાપી પાસે હરાવ્યો.
ડૉમ બ્રૅગાન્ઝાએ ગોવામાં સૅંટ ફ્રાન્સિસ ઝેવિયર્સના માનમાં મોટું દેવળ બંધાવવાની શરૂઆત કરી. તેણે ફેબ્રુઆરી, 1560માં ખ્રિસ્તી ધર્મના વિરોધીઓને સજા કરવા ધર્મ અદાલતની સ્થાપના કરી. વાઇસરૉય તરીકેની તેની કારકિર્દીની પોર્ટુગલમાં પ્રશંસા થઈ. પોર્ટુગલના રાજા ડૉમ સેબેસ્ટીઆઓએ તેને જીવનપર્યંત ગોવાના વાઇસરૉય તરીકે ચાલુ રહેવાનું જણાવ્યું. પરંતુ ડૉમ બ્રૅગાન્ઝાએ તેનો અસ્વીકાર કર્યો. 1561માં તે લિસ્બન પાછો ગયો.
ર. લ. રાવળ