ડોઇજ, કાર્લ : વીસમી સદીના ઉત્તરાર્ધના પ્રસિદ્ધ અમેરિકી રાજ્યશાસ્ત્રી. તેમણે યેલ, હાવર્ડ અને ઇમોરી યુનિવર્સિટીઓમાં અધ્યાપનનું કાર્ય કર્યું હતું. તે દરમિયાન તેમના સંશોધનકાર્યમાં તેમણે આંતરિક રાજકીય પ્રણાલી અને આંતરરાષ્ટ્રીય સંબંધોનું આકલન કરી મહત્વપૂર્ણ સૈદ્ધાંતિક પ્રદાન કર્યું. અનુભવમૂલક અને વ્યવહારવાદી રાજકીય વિશ્લેષણનો પાયો નાખવામાં તેઓ અગ્રેસર રહ્યા. ડોઈજે 1963માં ‘ધ નર્વ્ઝ ઑવ્ ગવર્નમેન્ટ’ પુસ્તકનું પ્રકાશન કરી બહુચર્ચિત અને પથદર્શક સંપ્રેષણ-સિદ્ધાંત(communication model)નું પ્રતિપાદન કર્યું. નૉર્બર્ટ વીનરે આ પહેલાં જેનો નિર્દેશ કરેલો અને ઇજનેરી તથા યાંત્રિક વિજ્ઞાનમાં જેનો અમલ થયેલો તે નિયંત્રણ અને સંચારપ્રણાલીનો ઉપયોગ કરીને રાજકીય સંરચનાની કાર્યપદ્ધતિ સમજાવવાનો પ્રયત્ન આ સિદ્ધાંત દ્વારા ડોઇજે કરેલો છે.
રાજકીય પ્રથાને સત્તાના પરંપરાગત સંદર્ભમાં મૂલવવાને બદલે માહિતી અને તેના પ્રત્યાઘાતોના આધારે સમજાવતા સંપ્રેષણ સિદ્ધાંતથી બહુત્વવાદી વિચારને સમર્થન મળ્યું. આ સિદ્ધાંત સરકારને માહિતીના પ્રવાહોને આધારે નિર્ણય લેનાર સંગઠન તરીકે લેખે છે અને તેથી વિવિધ સંદેશાઓ અને માહિતીનાં કદ, પ્રવાહો અને અર્થઘટન તથા જાહેર સંચાર માધ્યમોનાં સંગઠન અને ભૂમિકાના અભ્યાસ તરફ વિશેષ ધ્યાન કેન્દ્રિત કરે છે. ડોઇજના મતે રાજકીય પ્રણાલીના અસ્તિત્વને ટકાવી રાખવા સંદેશાઓનો યોગ્ય સંચાર જરૂરી છે, કારણ કે રાજકારણ આખરે તો માનવ પ્રયત્નોને સંકલિત કરી નિર્ધારિત ધ્યેય તરફ પ્રગતિ કરવાની પ્રક્રિયા જ છે. રાષ્ટ્રનું સુગ્રથન, સંગઠન અને ઐક્ય પણ તેની ઉપર આધારિત છે. સંચાર-માધ્યમો, પ્રત્યાયન અને અન્યોન્ય વ્યવહારોની વિપુલતા રાષ્ટ્રઘડતરમાં ઉપકારક બને છે.
આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મર્ટન કાપ્લાન, ચાર્લ્સ મૅકક્લિલૅન્ડ અને કેનેથ બોલ્ડિંગ ઇત્યાદિ સાથે ડોઇજે પ્રણાલી-વિશ્લેષણ (systems analysis) ધરાવતા અભિગમનું પ્રતિપાદન કર્યું. તેમના મતે અન્ય વિષયોના જ્ઞાનનું આકલન અને એકીકરણ કર્યા સિવાય આંતરરાષ્ટ્રીય પ્રણાલીના પરિચાલનને સમજવું અશક્ય છે. યુરોપ અને અન્યત્ર શરૂ થયેલ પ્રાદેશિક એકીકરણની ઘટનાનો ડોઇજે ઊંડો અભ્યાસ કર્યો. તેમની ર્દષ્ટિએ આવા એકીકરણના સ્તરને જાણવા માટે બે રાજ્યો વચ્ચેના પ્રવાસન, પત્રવ્યવહાર, વ્યાપાર અને વિદેશી પ્રવાસીઓ દ્વારા થતા પરસ્પર સંપર્કો તપાસવા પડે, આવા સંપર્કોનો વ્યાપ વધવાથી લાંબા ગાળે એકીકૃત સામાજિક, રાજકીય અને સલામતી-સમુદાય અસ્તિત્વમાં આવે છે. ડોઇજે બે પ્રકારના સલામતી-સમુદાયની કલ્પના આપી છે – બહુત્વવાદી અને સંલગ્ન સલામતી-સમુદાયો (pluralist and amalgamated security communities). આવા સમુદાયો આંતરરાષ્ટ્રીય સુમેળ અને શાંતિને પ્રોત્સાહિત કરે છે. ડોઇજે ઉત્તર ઍટલાન્ટિક કરાર સંગઠનનો વિશદ અભ્યાસ કર્યો.
ડોઇજ બહુધ્રુવીય આંતરરાષ્ટ્રીય શક્તિસંતુલનના હિમાયતી છે. તેમના મતે દ્વિધ્રુવીય પરિસ્થિતિમાં રાજ્યો પર અશાંતિનો ખતરો વિશેષ હોય છે. જાણીતા સમાજવિજ્ઞાની ટાલકોટ પાર્સન્સથી પ્રભાવિત થઈને ડોઇજે વિશ્વરાજકારણમાં રાજ્યોની શક્તિ આંકવાના માપદંડો આપવાનો રસપ્રદ પ્રયત્ન કર્યો. તેમના મતે શક્તિનાં ત્રણ પરિમાણો છે : વિસ્તાર (domain), વ્યાપ (range) અને ક્ષેત્ર (scope).
ડોઇજે કરેલા રાજકીય આધુનિકીકરણ અને વિકાસના અભ્યાસો પણ અગત્યના છે. ડેનિયલ લર્નર અને અન્યોની સાથે મળી ઉદ્યોગીકરણ અને સાક્ષરતા જેવી સામાજિક પ્રક્રિયાઓ તથા રાજકીય વિકાસ વચ્ચેની કડીઓ તેમણે તપાસી.
ડોઇજના ટીકાકારો તેમને વધારે પડતા વિજ્ઞાનવાદ અને ઇજનેરી વિદ્યાની સંકલ્પનાઓને રાજકીય પ્રથાના અભ્યાસમાં વિનિયોગ કરવા બદલ દોષિત માને છે. વળી, ડોઇજે કેટલીક સાદી પ્રક્રિયાઓને પણ બિનજરૂરી સંકુલતા આપી છે તેવા આક્ષેપમાં પણ થોડું તથ્ય છે. પરંતુ એકંદર જોતાં ડોઇજના પ્રદાનથી આંતરિક રાજકારણ અને આંતરરાષ્ટ્રીય સંબંધોના અભ્યાસોને વધુ વિશ્લેષણાત્મક અને પદ્ધતિસરના કરવામાં મદદ મળે છે.
કાર્લ ડોઇજે લખેલા કેટલાક મહત્વના ગ્રંથોમાં ‘ધ નર્વ્ઝ ઑવ્ ગવર્નમેન્ટ’ (1963), ‘પોલિટિક્લ કૉમ્યુનિટી ઍન્ડ ધ નૉર્થ ઍટલાન્ટિક એરિયા (1957) અને ‘ધ ઍનાલિસિસ ઑવ્ ઇન્ટરનેશનલ રિલેશન્સ’(1968)નો સમાવેશ થાય છે.
અમિત ધોળકિયા