ડૅનિયલ કોષ (Daniel cell) : લંડનસ્થિત બ્રિટિશ રસાયણવિદ જ્હૉન ડૅનિયલ દ્વારા 1836માં શોધાયેલ વોલ્ટીય કોષ (voltaic cell). તે એક ફ્રેડરિક પ્રકારનો પ્રાથમિક કોષ છે અને રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરે છે. તે કૉપરનો ધનધ્રુવ અને જસત અથવા જસત-સંરસ(zinc amalgam)નો ઋણ ધ્રુવ ધરાવે છે. એક છિદ્રાળુ પાત્રમાં મંદ સલ્ફ્યુરિક ઍસિડ અથવા ઝિંક સલ્ફેટનું દ્રાવણ લઈ તેમાં જસતનો અથવા જસત-સંરસનો સળિયો ડુબાડવામાં આવે છે. આ છિદ્રાળુ પાત્રને કૉપર સલ્ફેટ વડે સંતૃપ્ત કરેલા મંદ સલ્ફયુરિક ઍસિડ ભરેલા કૉપરના નળાકારમાં (અથવા કૉપરનો સળિયો ધરાવતા કૉપર સલ્ફેટના દ્રાવણમાં) મૂકવાથી આ કોષ બને છે.
મર્ક્યુરીને લીધે જસતનું ક્ષારણ થતું અટકે છે. છિદ્રાળુ પાત્રને લીધે બે દ્રાવણો વચ્ચે આયનોની હેરફેર થઈ શકે છે પણ તે વિદ્યુતવિભાજ્યોને મિશ્ર થતાં અટકાવે છે. જસત(ઝિંક)ના વીજધ્રુવ આગળ જસતના ઉપચયન (oxidation)થી ઇલેક્ટ્રૉન મુક્ત થાય છે.
Zn(s) → Zn2+(aq) + 2e
અને તે વીજધ્રુવ ઋણભારિત બને છે. વીજવાહક તાર દ્વારા બાહ્ય પરિપથમાં વહીને ઇલેક્ટ્રૉન કૉપર વીજધ્રુવ આગળ પહોંચે છે જ્યાં કૉપર આયનો (Cu2+)નું અપચયન કૉપર ધાતુમાં કરે છે.
Cu2+(aq) + 2e → Cu(s)
આમ કોષમાંની સમગ્ર પ્રક્રિયા નીચે પ્રમાણે લખી શકાય :
Cu2+(aq) + Zn → Cu + Zn2+(aq) અથવા CuSO4 + Zn → Cu + ZnSO4 સામાન્ય ગૅલ્વેનિક અથવા વોલ્ટીય કોષ બાહ્ય પરિપથમાં વીજપ્રવાહ પૂરો પાડવા માટે ઉપયોગમાં લેવાતા હોવાથી ઋણધ્રુવને ઍનોડ (anode) જ્યારે ધન (+) વીજધ્રુવને કૅથોડ ગણવામાં આવે છે.
પ્રક્રિયા થાય ત્યારે છિદ્રાળુ પાત્રની આરપાર આયનો પસાર થાય છે. સલ્ફ્યુરિક ઍસિડ ધરાવતા આવા કોષનો ઈ.એમ.એફ. 1.08 વોલ્ટ અને ઝિંક સલ્ફેટ ધરાવતા કોષનો ઈ.એમ.એફ. 1.10 વોલ્ટ હોય છે. આ કોષ અવીજભારણીય (nonchargeable) હોવાથી ખલાસ થઈ ગયા પછી તેનું ફરી વીજભારણ થઈ શકતું નથી. આથી જ્યારે વપરાશમાં ન હોય ત્યારે કોષમાંના બે વિદ્યુતવિભાજ્યો છિદ્રાળુ પાત્રને કારણે એકબીજામાં ભળી ન જાય તે માટે બે પાત્રોને અલગ કરી દેવામાં આવે છે.
જ. દા. તલાટી