ડુસલ્ડૉર્ફ : જર્મનીના નૉર્થ રહાઇન વેસ્ટફાલિયા (North Rhine-Westphalia) રાજ્યનું પાટનગર તેમજ રહાઇન-રુહર ઔદ્યોગિક વિસ્તારનું અગત્યનું કેન્દ્ર. તે લગભગ 51° 12´ ઉ. અક્ષાંશ અને 6° 47´ પૂ. રે. પર આવેલું છે. શહેરના નામનો અર્થ ‘ડુસલ નદી પરનું ગામ’ એવો થાય છે. તેની વસ્તી 6,20,523 જ્યારે બૃહદ શહેરની વસ્તી 12,20,000 (2020) હતી. વિસ્તાર 217 ચો.કિમી. છે.
નગરનાં જોવાલાયક સ્થળોમાં સૌપ્રથમ સ્થાન કોનિગ્સાલીનું ફૅશનેબલ દુકાનોવાળું બજાર છે, જ્યાં દેશવિદેશના પર્યટકોની ભારે ભીડ રહે છે. ઉપરાંત નગરના શિરમોર સમાન તેરમી-ચૌદમી સદીનો સેન્ટ લૅમ્બર્ત્સ્કીર્કનો ઢળતો મિનારો, જૂના ટાઉન હૉલ આગળનું જોહાન્ન વિલ્હેમ બીજાનું અશ્વારૂઢ પૂતળું, રાજકુમારીનો કિલ્લો, જાહેર પુસ્તકાલય અને વિવિધ ચીજવસ્તુઓનાં સંગ્રહસ્થાનોનો સમાવેશ થાય છે. આ નગર કળાઓ અને તબીબી વ્યવસાયીઓની સંસ્થાઓ ઉપરાંત કેટલીક વિશિષ્ટ તકનીકી, ઔદ્યોગિક અને જાળવણી-વિજ્ઞાનની સંસ્થાઓ પણ ધરાવે છે.
આ નગરમાં રહાઇન નદી પરનાં ત્રણ બંદરો આવેલાં છે. વળી તે રેલ અને સડક માર્ગે દેશનાં અગત્યનાં શહેરો સાથે સંકળાયેલું છે. આ નગર બૅંકિંગ સેવાઓ તથા જથ્થાબંધ માલસામાનનું વેચાણકેન્દ્ર છે. વળી તે અનેક જાહેર અને ખાનગી ધંધાકીય સાહસોનું વહીવટી મથક છે. આ ઔદ્યોગિક પ્રદેશનો મુખ્ય ઉદ્યોગ લોખંડ-પોલાદને લગતો છે. અહીં રસાયણો, કાચ, કાગળ, કાપડ, તૈયાર કપડાં, વિદ્યુત-ઇજનેરી, મોટરકાર, ચોકસાઈ માટેનાં ઉપકરણો (precision tools) બનાવવાના ઉદ્યોગોનો પણ વિકાસ થયો છે. તે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક ધરાવે છે.
આ નગર 1159માં રહાઇન નદીની શાખા ડુરલ નદી પરની એક ગ્રામીણ વસાહત સ્વરૂપે હતું. 1288માં તેને નગરનો દરજ્જો બક્ષવામાં આવ્યો હતો.
1815 પછી આ નગરમાં વ્યાપારિક પ્રવૃત્તિ આગળ પડતી રહી હતી. તેને કારણે તેણે સારો આર્થિક વિકાસ કર્યો. 1870માં અહીં લોખંડ-પોલાદ ઉદ્યોગની સ્થાપના થઈ. દ્વિતીય વિશ્વયુદ્ધથી થયેલા મોટા પાયા પરના વિનાશ પછી આ નગરની જૂની ઇમારતોની મરામત કરવામાં આવી અને નવી ઇમારતો પણ ત્યાં બાંધવામાં આવી.
બીજલ પરમાર