ડી રૉબર્ટીસ (એડ્વારાડો ડી.પી.) (જ. 11 ડિસેમ્બર 1913, બ્યૂનોસ એરીસ, આર્જેન્ટિના; અ. 31 મે, 1988, બ્યૂનોસ એરીસ, આર્જેન્ટિના) : કોષવિજ્ઞાન(cytology)ના ક્ષેત્રે પ્રસિદ્ધ લેખક અને સંશોધક. એમ.ડી.ની ઉપાધિ મેળવીને યુનિવર્સિટી ઑવ્ બ્યૂએનોસ એરીસ, આજઁટાઈની ફૅકલ્ટી ઑવ્ મેડિસિનમાં જોડાયા અને ડિરેક્ટર તરીકે નિવૃત્ત થયા. આ યુનિવર્સિટીમાં કોષ-જીવવિજ્ઞાન(cell biology)ના સંમાન્ય (Emeritus) પ્રાધ્યાપક તરીકે કાર્યરત હતા. જીવવિજ્ઞાનના ક્ષેત્રે થતી અદ્યતન પ્રગતિનો લાભ સ્પૅનિશ ભાષામાં મળી રહે તે હેતુથી તેઓએ ‘સામાન્ય કોષવિજ્ઞાન’ પર 1946માં એક પુસ્તક લખ્યું. 1948માં આ પુસ્તકનું ભાષાંતર અંગ્રેજીમાં કરવામાં આવ્યું. હાલમાં કોષના આણ્વિક ક્ષેત્રે કોષનું બંધારણ અને માહિતી વિશે વધુ ને વધુ માહિતી મેળવવા જીવવિજ્ઞાનીઓએ પોતાનું ધ્યાન કેંદ્રિત કર્યું છે. આ આધુનિક માહિતીનો લાભ વિદ્યાર્થીઓને તેમજ સંશોધનકારોને મળી રહે તેવી વ્યવસ્થા પુસ્તકની દરેક નવી આવૃત્તિ પ્રગટ કરતી વખતે ડી રૉબર્ટીસે કરેલી છે. આ ભગીરથ કાર્યમાં તેઓશ્રીએ વખતોવખત અન્ય નિષ્ણાતોની મદદ લીધી હતી. તેના અનુસંધાનમાં 1965માં પ્રસિદ્ધ થયેલ આ પુસ્તકની પાંચમી આવૃત્તિનું નામ ‘કૉષ-જીવવિજ્ઞાન’ તરીકે બદલવામાં આવ્યું. 1980માં સુધારેલી આઠમી આવૃત્તિનું નામ ‘કોષ અને આણ્વિક જીવવિજ્ઞાન’ (Cell & Molecular Biology) રાખવામાં આવ્યું છે. આ આઠમી આવૃત્તિ નવેસરથી લખવામાં આવેલ મૌલિક પુસ્તક તરીકે વર્ણવી શકાય. આ આવૃત્તિની 50 % જેટલી કૃતિઓ સાવ નવી છે. આ આઠમી આવૃત્તિના સહલેખક તરીકેની જવાબદારી તેમના પુત્ર ઈ. એમ. એફ. રૉબર્ટીસ, એમ. ડી., પીએચ. ડી. અને કૅન્સરવિદ્યા(oncology)ના પ્રાધ્યાપક, યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા લૉસ એંજિલિસ–એ ઉપાડી છે.
સરળ ભાષામાં લખેલ અને અદ્યતન માહિતીનો પરિચય કરાવનાર આ પુસ્તકનું ભાષાંતર અંગ્રેજી અને સ્પૅનિશ ઉપરાંત, પોર્ટુગીઝ, ઇટાલિયન, ફ્રેંચ, હંગેરિયન, પૉલિશ, રશિયન, ચીની અને જાપાની ભાષામાં થયેલું છે.
ડી રૉબર્ટીસે ચેતા-વિજ્ઞાન(neurology)ના ક્ષેત્રે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે અને આ વિષય પર તેમણે અનેક સંશોધનલેખો અને પુસ્તકો પ્રસિદ્ધ કર્યાં છે. 1981માં તેમણે લખેલ ‘ઇસેન્શ્યિલ્સ ઑવ્ સેલ ઍન્ડ મૉલેક્યુલર બાયૉલૉજી’ પુસ્તકને પણ સારો આવકાર મળ્યો છે.
મ. શિ. દૂબળે